દસ્તુરજી કુકાદારૂ સાહેબની 188મી શુભ સાલગ્રેહ

11મી એપ્રિલ 2019ને દિને આપણા જરથોસ્તીઓના સંત કુકાદારૂ સાહેબની 188મી શુભ સાલગ્રેહ પડે છે. 19મી સદીના જરથોસ્તી સંત તરીકે જાણીતા, દસ્તુરજી કુકાદારૂનો જન્મ 26મી મે, 1831ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. તેઓ તેમની વિનમ્રતા, સાદગી તથા ચમત્કારો માટે જાણીતા હતા. તેઓ પવિત્રતામાં માનનારા હતા. ધર્મગુરૂ તરીકે સંતોષ અને શિસ્તનું પાલન કરનારા હતા તથા સરળ અને સાદુ જીવન જીવવામાં માનનારા હતા. તેઓ બાદમાં મુંબઈ જઈ કપ્પાવાલા અગિયારીમાં ધર્મગુરૂ તરીકેની સેવા આપી હતી.

તેમના ફોટાઓ અનેક આતશબહેરામ, અગીયારીઓ અને આપણા ઘરોની દીવાલો પર જોવા મળે છે.  દસ્તુરજી કુકાદારૂ સાહેબ તેમના જીવનકાળ દરમિયાન અસંખ્ય ચમત્કારો કરવા અને લોકોને માર્ગદર્શન અને સહાયતા તથા આવનાર બધાને મદદ કરવા માટે જાણીતા હતા. અસંખ્ય ચમત્કારોના ઉદાહરણોમાં નાનુ બાળક જે કમળાથી લગભગ મૃત્યુના મુખમાં હતું કુકાદારૂ સાહેબ તે બાળકને જીવતદાન આપે છે. ઈંટના ટુકડાનું સોનાના ટુકડામાં પરિવર્તન કર્યુ હતું અને મુંબઈમાં અંજુમન આતશબહેરામ બનાવવા માટે તે રૂપિયાનો રૂપયોગ થયો હતો.

તે એક મહાન જ્યોતિષી હતા અને ઈંગ્લેન્ડના મહારાણી વિક્ટોરીયાના મૃત્યુ તથા સર દિનશા પીટીટ અને કેટલીક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર લોકોના જીવનની આગાહીઓ કરી હતી. તેમના આધ્યાત્મિક માર્ગદર્શક  દસ્તુર અઝર કૈવાન બીન અઝર ગુશાસ્પ સાહેબ હતા. દસ્તુર સાહેબે કેટલીક તરીકતો (આધ્યાત્મિક શિસ્ત), અમલ (ધાર્મિક શક્તિ), માથ્રવાની (પ્રાર્થના) અને અશોઇ (પ્રામાણિકતા)નું જીવન જીવવાના પરિણામે ચઢિયાતા ગુણો વિકસાવ્યા હતા.

દસ્તુરજી કુકાદારૂ સાહેબને અવેસ્તા, પહલવી અને પર્શિયન ભાષાઓની ઊંડી જાણકારી અને સમજશક્તિ હતી. તેમણે સ્થાપના થઈ ત્યારથી ફોર્ટની શેઠ જીજીભાઈ દાદાભાઈ ઝંદ અવેસ્તા મદ્રેસામાં મુખ્ય પ્રશિક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે ડેનકાર્ડની આવૃત્તિઓનું ભાષાંતર કર્યું હતું અને સાપ્તાહિક મેગેઝિન ‘યઝદાન પરાસ્ત’ (1868-1889)માં નિયમિતપણે ધાર્મિક લેખોનો ફાળો આપ્યો હતો. તેમણે ધર્મ અને સમુદાય બાબતો અંગે કેટલીક પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી હતી.

દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂ સાહેબ એક સક્ષમ જ્યોતિષી, દૈવીક શક્તિ ધરાવનાર, એક વિદ્વાન, શિક્ષક, સક્ષમ અને માનનીય પંથકી, આ સર્વ ઉપરાંત એક સરળ અને પવિત્ર ધર્મગુરૂ જે પીડા અને દુ:ખ દૂર કરવા માટે સતત કામ કરતા હતા. તેઓ 4થી ઓક્ટોબર, 1900 ના રોજ મૃત્યુ પામ્યા હતા. પરંતુ સમુદાય સાથે તેઓ આજે પણ જોડાયેલા છે.

પ્રાર્થના દ્વારા સ્મરણ: દસ્તુરજી કુકાદારૂની જન્મ જયંતિનું સન્માન કરવા માટે, તમે તેની યાદમાં અફરગન, ફરોક્ષી, બાજ અને સતુમની પ્રાર્થનાઓ કરી શકો છો. ભક્તો તેમની યાદમાં જશન પણ કરી શકે છે. તેમનું ફ્રવશી તેમને યાદ કરનારાઓને આશીર્વાદ આપતું રહે છે.

Leave a Reply

*