મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો ચિંતા કરવાનું કોઈ કારણ નથી જણાતું. સમય જતાં આપમેળે આકર્ષણ ઓસરી જશે ને એ નોર્મલ થઈ જશે.
મોન્ટુના પપ્પા કેટલા દિવસથી પાછળ પડી ગયા હતા કે મોન્ટુને તબીબી તપાસ કરાવવી જરૂરી છે. બાકી તો હું પણ મનમાં તો સમજતી જ હતી કે આ કોઈ ગંભીર બીમારી નથી. વળી ડોક્ટરે બીજી સૂચના આપી, શક્ય હોય તો એને વધુ સમય મોબાઈલ કે વિડીયોગેમ હાથમાં ન આપવી કે ગેમના પાત્રો એના પર આટલો પ્રભાવ ન છોડી જાય કે જેથી બાળકના મનમાં ડર પેસી જાય. ઓ.કે. સર કહીને હું મોન્ટુને લઈ બહાર નીકળી.
છેલ્લા ઘણાં દિવસથી આવું થતું હતું. અરધી રાત્રે અચાનક સફાળો બેઠો થઈને મોન્ટુ મોટેમોટેથી ચીસો પાડવા માંડતો, સ્પાઈડરમેન. સ્પાઈડરમેન.. ભરઊંઘમાંથી ઊછળીને રાડારાડ કરી મૂકતો. ગેમ રમવાની એને ભારે આદત. સ્પાઈડરમેન એને ખૂબ ગમે. સતત એના પર સ્પાઈડરમેનનું ભૂત સવાર થયેલું હોય. ખુશરૂને તો ફુરસદ જ ન હોય. એટલે મોન્ટુને લઈને દવાખાને જવાનું અને એના ક્લિનીકલી ફોલોઅપ્સ કરવાની કડક સૂચના એ મને આપ્યા કરે, ને પોતે એકલો બસ બીઝનેસ ટૂર પર મહાલ્યા કરે. ટૂર પર ગયો એ દિવસે જ કહેતો ગયો હતો:
તું આજે જ મોન્ટુને દવાખાને લઈ જજે. પૂરેપૂરી સારવાર કરાવી લઈએ. તું ખાસ ધ્યાન રાખજે. અને ડોક્ટર કહે એ પ્રમાણે સારવાર કરાવજે. મોન્ટુ સાથે રમવાનો પણ ખુશરૂને ટાઈમ ન હોય. એટલે એ બિચારો ગેમમાં પોતાનો સમય પસાર કરે. હું પણ સંયુક્ત પરિવારની જવાબદારીમાંથી પરવારીને એના પર ધ્યાન આપવાનો સમય કાઢી ન શકું. શું થાય?
પણ હવે મારે ધ્યાન આપવું જ પડશે. હું મોન્ટુ સાથે ગેમ રમવા બેસવા લાગી. એને સ્પાઈડરમેન જ ગમે, હું પણ એની સાથે ગેમ રમું ગેમ તો ખરેખર મજા પડે એવી જ છે. સ્પાઈડરમેનની ઊછળકૂદ અને એના કરતબો જોવાની મજા પડે. મોન્ટુને તો ગમે જ ને. મને પણ રસ પડે એટલે ચાલે. ખુશરૂ ટૂરમાં હોય તો બસ ફોનથી સમાચાર પૂછી લે, આજે કેમ છે? કાલે ઊંઘમાં કેમ રહ્યું? દવા બરાબર ચાલે છે ને? થોડો બહાર પણ રમવા જાય એમ કરજે. એની રૂચિ પ્રમાણે તું પણ એની સાથે રમજે. તારે તો સમય હોય જ છે ને, એના પર ધ્યાન રાખજે. કેવો લુચ્ચો ને સ્વાર્થી છે? મારે માટે તો બે શબ્દ પણ પૂછતો નથી.
મોન્ટુ સાથે રમવાનો સમય કાઢું. એને બહાર રમવા જવા પ્રોત્સાહિત કરૂં અને બાકીના સમયમાં એની સાથે ગેમ રમવાની રાત્રે મોડે સુધી હું પણ એની સાથે સ્પાઈડરમેનના કરતબોને માણું. મને પણ સ્પાઈડરમેન ગમવા માંડેલો.
દિવસો પસાર થતા રહે. વચ્ચે વચ્ચે ખુશરૂ આવે ત્યારે ટૂરનો થાક ઉતારે અને વળી પાછો ચાલી નીકળે. હું મનોમન ધૂંધવાતી રહું. ક્યારેય કંઈ કહું તો વળી સમજાવે, બીઝનેસ તમારા સૌના માટે જ તો કરૂં છું ને ? ટકી રહેવા માટે સતત ઝઝૂમવું પડે છે માર્કેટમાં. થોડાં વર્ષો તો આમ જ ભોગ આપવો પડશે.
હું મારા મનના અણગમતા વિચારોને દૂર ફેંકવા કોશિશ કરૂં છું અને મોન્ટુમાં ધ્યાન આપવા માંડું છું. હવે એનામાં ઘણો સુધારો જોવા મળે છે. ઊંઘમાં ચીસો પાડવાનું ઓછું થતું જતું હતું. ધીરેધીરે અભ્યાસ અને અન્ય આઉટડોર ગેમ્સમાં પણ રૂચિ લેવા માંડ્યો હતો. ખુશરૂને ફોન પર મોન્ટુના સમાચાર આપતી એટલે એ ખુશ થતો અને હજી વધુ કાળજી લેવાની શિખામણ પણ આપતો. પણ મારા એકલવાયા સંસારની કશી કાળજી એના અવાજમાં પણ ન હોય. થતું કે ફોન પર મળવાનુંય બંધ કરી દઉં, તો? તો પણ એને મારી કશી ફિકર હોય ખરી?
મોન્ટુ હવે સ્વસ્થ જણાતો જતો હતો. મને માતૃત્વની ફરજ બજાવ્યાનો સંતોષ થયો. સાંજે ખુશરૂ આવ્યો. એ ઘેર આવે ત્યારે પણ જાણે નોકરી પર જ આવ્યો હોય એવો ભારેખમ ચહેરો લઈને આવે. જુદીજુદી રૂપાળી મજબૂરીના પોટલાં ખોલવા લાગે. મારી પાસે આવ્યાનો હરખ કે મને મળવાનો પરિતોષ એનામાં શોધી ન શકાય. એ આટલો નિર્લેપ હશે શું? રાત્રે બેડરૂમમાં ખુશરૂ મોન્ટુને માથે હાથ ફેરવતો સુવરાવી રહ્યો હતો. હું જઈને એની પાસે બેઠી.
મોન્ટુની મેં લીધેલી કાળજી અને આટલા દિવસોની ઘટમાળની વાતો હું ખુશરૂ સાથે શેર કરવા માંગતી હતી.
તું એની મા છો, તો તારે જ તો આ બધું કરવાનું હોય ને! હું આજે થાકીને આવ્યો છું, સૂઈ જઈએ, કાલે નિરાંતે વાતો કરીશું. કહીને એ થાકેલો ચહેરો ફેરવીને સૂઈ ગયો.
હું મનોમન ધૂંધવાઈ ઊઠી. મોન્ટુ તો ક્યારનો સૂઈ ગયો હતો. પણ તેણે શરૂ કરેલી ગેમ હજુ ચાલતી હતી. સ્પાઈડરમેન આમથી તેમ ઉડાઉડ કરતો હતો. મુસિબતમાં ફસાયેલાઓને બચાવવા દોડાદોડી કરતો હતો. એના કરતબો નિરાળા હતા. ઊંચા ઊંચા મીનારાઓ પરથી છલાંગ મારતો એ એક બિલ્ડીંગ પરથી બીજા બિલ્ડીંગ પર અને ત્યાંથી વળી પાછી જાળ કોઈ ત્રીજા બિલ્ડીંગ પર. ઘડીમાં બ્રીજ પર ફસાયેલા બાળકોને ઉગારવા દોડી જાય તો વળી ઘડીમાં દુશ્મનના કબ્જામાંથી છોડાવીને પોતાની પ્રેયસીને જાળમાં જ ઝૂલાવતો ઝૂલાવતો એને ચુંબન કરતો જોવા મળે. સ્પાઈડરમેન! કેવું અદ્દભુત!
સ્પાઈડરમેન. સ્પાઈડરમેન. સ્પાઈડરમેન. એ રાત્રે ફરી ચીસો પડી. સૌ હેબતાઈ ગયાં. મને તો કશી ગમ જ ન પડી. જાણે બેભાન અવસ્થામાં હોઉં એમ કશું ન સમજાયું. અચાનક સફાળો જાગી ગયેલો પરિવાર આખોય ભેગો થઈ ગયો. હું તો આંખ જ ન ખોલી શકી. કદાચ હું વિચારતી હતી કે માંડ આ ફોબિયામાંથી છૂટકારો થયો છે ત્યાં ફરી? આમ કેમ? આખરે મેં મારી જાત પર કાબુ મેળવ્યો અને આંખો ખોલી. હું મોન્ટુને શોધવા લાગી. એ મારાથી દૂર ઊભેલો દેખાયો. મેં નજીક આવવા ઈશારો કર્યો પણ એ ન આવ્યો. જરા ડરેલો હોય એવું પણ લાગ્યું. મોન્ટુના પપ્પા મારા તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, જાણે એની આંખો મને ઠપકો આપતી હતી. હું કશું સમજી ન શકી. કોઈએ ડોક્ટરને બોલાવ્યા હશે, તે ડોક્ટર પણ સામે બેઠેલા જણાયા. હું તરત એમની પાસે ગઈ, પૂરા આક્રોશથી એમને પૂછવા લાગી, આવું કેમ થયું, સર? તમારી સૂચના પ્રમાણે મોન્ટુની આટલી સંભાળ લેવા છતાં? મેં સહેજ પણ કચાશ રાખી નથી સાહેબ, તો યે? સર, પ્લીઝ સર. કહોને સર, આવું ફરી કેમ થયું મારા મોન્ટુને ?
સૌએ મને શાંત પાડીને એક ખુરશી પર હળવેથી બેસાડી. હું હજુ ડોક્ટર તરફ પ્રશ્નાર્થ નજરે તાકી રહી હતી.
ડોક્ટર બોલ્યા: તમે મોન્ટુની બરાબર જ સંભાળ રાખી છે. એ બાબત કશીય ફરિયાદ કે ચિંતા જેવું નથી.
તો? તો આ ફરી કેમ ઊંઘમાં આમ? મેં પૂછ્યું. હું અકળાયેલી હતી.
તમે ખોટા ગભરાઓ છો. આ વખતે ઊંઘમાં બૂમાબૂમ મોન્ટુએ નથી કરી. ડોક્ટર બોલ્યા, ને પછી ખુશરૂ તરફ નજર કરી એમને જણાવ્યું, ક્લિનિક પર આવી જજો. હવે ટ્રીટમેન્ટ જૂદી રીતે કરવાની રહેશે.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024