એક જીન નીકળી આવ્યો

હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં જોઈ ખુશી થાય છે અને સારી મનશ્ની લોકોને અંધારામાં ગોથાં ખવડાવે છે તેજ કિસમત દુષ્ટ લોકો ઉપર મહેરબાનીઓ વરસાદ વરસાવે છે અને જે લોકોમાં એક કોડીભાર પણ નેકીનો ગુણ ન હોય તેઓને તે આસમાન સુધી ઉંચે દરજજે પહોંચાડે છે એવી વિચિત્ર રીતે વર્તનાર કિસમત આગળ મારી મુફલેસ હાલતની ફરિયાદ કરવી વ્યર્થ છે.’
એ પ્રમાણે પોતાની ફરિયાદને અવાજ આપી પેલો કાદવ અને રેતીથી ભરેલો ટોપલો તે ગુસ્સાથી એક બોરદુએ મેલી અને પોતાની જાળમાંથી કાદવ કિચડ ધોઈ નાખી ત્રીજીવાર તેણે સમુદ્રમાં નાખી પણ પથ્થર અને કાદવ સિવાય તેને બીજું કાઈ મળ્યું નહીં. તેને ઉપજેલી નિરાશીનું બ્યાન કરવું મુશ્કેલ છે. એ નિરાશાથી તે દિવાનો થયો. એટલામાં પહો ફાટી દિવસનું અજવાળું પડવા લાગ્યું તે વેળા એક એકીનદાર મુસલમાનની નમાજ કરવાની ફરજ તે વિસર્યો નહીં અને તે મુજબ તેણે બંદગી કરી.
ઓ ખુદા તું જાણે છે કે હું એક દિવસમાં ચારથી વધારે વાર મારી જાળ નાખતો નથી. તેમ ત્રણ વાર નાખ્યા છતા મારૂં કશું વળ્યું નથી. હવે એકજ વાર નાખવાની રહી છે તેથી હું વિનંતી કરી અરજ ગુજારૂં છું કે જેમ મુસા પેગમ્બર ઉપર નવાજેશ કીધી હતી તેમ સમુદ્રને ફરમાવ કે એક વાર મારી ઉપર કરમ બક્ષીસ કરે.
જ્યારે તે માછી પોતાની નમાજ પઢી રહ્યો ત્યારે દરિયામાં તેણે ચોથીવાર પોતાની જાળ નાખી. તે જાળ આગળી પેઠે ભારી માલમ પડયાથી તેને ઉમેદ આવી કે તેમાં અંતે કાંઈ માછલા આવ્યા હશે. પણ માછલાને બદલે પિત્તળનું એક વાસણ મળ્યું. તેના ભાર પરથી લાગ્યું કે તેમાં કાંઈ ભરેલું હતું. પણ તે ચારે બાજુ સીસાથી બંધ કરેલું હતું અને તે પર મોહોરો કીધેલી હતી.
તે વાસણ બધે બાજુથી હલાવી જોયું કે તેમાં કંઈ ભરેલું છે કે નહીં. પણ તેમાંથી તેને કોઈ ખખડાટ સંભળાયો નહી. તેણે છરી લઈ જલદીથી તે વાસણ ખોલ્યું અને ઉલટુ વાળ્યું કે તેમાં કંઈ હોય તો તે બહાર આવી જાય પણ તેમાંથી ધુમાડો બહાર આવવા લાગ્યો અને તે જમીન તથા સમુદ્રમાં પથરાઈ ગયો. આ નવો દેખાવ જોઈ માછી ઘણો અજબ થયો. બધો ધુમાડો નીકળી ગયા પછી એક સંગીન ગોળો થયો અને તેમાંથી એક જીન નીકળી આવ્યો. જે રાક્ષસો કરતા પણ બેવડા કદનો હતો. એવા ભયંકર દેખાવના રાક્ષસ આગળથી તે માછીને નાસી જવાનો ઠરાવ કીધો પણ તેના દિલમાં એટલી તો ધાસ્તી પડી હતી કે તેનાથી ત્યાંથી હાલી પણ શકાયું નહીં તો નાસી શી રીતે જાય? (ક્રમશ)

Leave a Reply

*