કોઢ સાજો થઈ ગયો!

દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા.
દુબાન ઉભો થયો અને પાદશાહને માન ભરેલી કુનશ બજાવી અરજ કીધી કે ‘સાહેબ! તમે ઘોડો સવાર થાઓ અને જે ચોગાનમાં તમો દડીદાવ રમો છો ત્યાં ચાલો’ જેમ હકીમે ફરમાવ્યું તેમ પાદશાહે કીધું અને પાદશાહ જ્યારે ચોગાનમાં જઈ પહોંચ્યો ત્યારે તે હકીમ તેની પાસે આવ્યો અને પોતે તૈયાર કીધેલો દાંડો તેના હાથમાં આપ્યો અને કહ્યું કે, ‘ઓ પાદશાહ! આ દંડો અને દાંડો લઈ તમે જ્યાં સુધી પરસેવાથી ગરકાવ થાઓ ત્યાં સુધી કસરત કરો! આ દાંડાના હાથામાં જે મે દવા પુરી છે તે તમારા હાથની ગરમીથી પીગળશે અને તમારા શરીરની સારી પેઠે રગડાવજો અને પછી આરામ લેવા જજો અને બીજે દિવસે તમે બિલકુલ સાજા થઈ જશો.’
યુનાની પાદશાહે તે હકીમના ફરમાવ્યા મુજબ કીધું. પાદશાહ એક તરફથી દાંડી મારતો અને બીજી તરફથી તેની દરબારમાં અમલદારો તે દડો તેની તરફ મોકલી આપતા. એ પ્રમાણે તે રમત કેટલાક વાર સુધી ચાલી પછી તેને માલમ પડ્યું કે તેના હાથ તથા તમામ શરીર ગરમીથી તપી આવ્યું અને જેમ તે હકીમે આગમજથી કહ્યું હતું તેમ તે દવા તેની ઉપર અસર કરવા લાગી. આથી પાદશાહે રમત બંધ કીધી અને મહેલમાં પાછો આવ્યો સ્નાન કીધું અને હકીમે જેજે ક્રિયા કરવા કહી તે સર્વ કીધી.
પાદશાહને હકીમે ફરમાવેલા નુસ્ખાથી જલદીથી આરામ થયેલો જણાયો કારણ કે બામદાદને વખતે ઉંઘમાંથી તે જાગૃત થયો ત્યારે તેનો ભુંડો મરજ બિલકુલ નજર પડયો નહીં તેથી રાજા જેટલો અચરત થયો તેટલો ખુશી થવા લાગ્યો. પોતે પાદશાહી લેબાશ પહેરી દિવાનખાને ગયો અને પોતાના તખ્ત પર બિરાજ્યો, જ્યાં સઘળા દરબારીઓ અગત્ય કરીને નવા હકીમની હિકમત જોવા આવ્યા હતા. એવામાં ત્યાં દુબાન આવી હાજર થયો અને જમીન તરફ સર નમાવી પાદશાહને તખ્ત આગળ માન આપવા જતો હતો પણ તેમ કરતાં તેને અટકાવીને પાદશાહે પોતાની પાસે બોલાવી બેસાડ્યો અને તેની આસપાસ જે મિજલસ ભરાઈ હતી તેઓનું ધ્યાન પાદશાહે હકીમ સાહેબ તરફ ખેંચ્યું અને તેને જે તારીફ ઘટતી હતી તે કહી સંભળાવી. પાદશાહ એટલુંજ કરીને અટકયો નહીં પણ તે દિવસે દરબારને એક મોટી જીયાફત આપવામાં આવી.
(ક્રમશ)

Leave a Reply

*