જીન પાછો તે વાસણમાં ભરાયો

કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ કરવા આગમચ હું અલ્લાહના મોટા નામથી તને વિનંતી કરૂં છું અને તને જે સવાલ હું પુછવા માંગુ છું તેનો તું ખરેખરો જવાબ આપજે.’ જ્યારે તે અબલીશે જોયું કે તેને ખરેખરૂં બોલવું પડશે ત્યારે તે ધ્રુજવા લાગ્યો અને બોલ્યો કે ‘ઓ માછી તારે જોઈએ તે પુછ, પણ તું શેતાબી કર.’

જ્યારે તે જીને ખરેખરૂં બોલવાનું વચન આપ્યું ત્યારે તે માછીએ તેને કહ્યું કે, ‘હું તારાથી જાણવા માગું છું કે તું ખરેખર પેલા પિત્તળના વાસણમાં ભરાયેલો હતો એમ તું અલ્લાહના નામમાં કસમ લઈને કહે છે?’ તે જીને જવાબ આપ્યો કે ‘અલ્લાહના મોટા નામના કસમ લઈ કહું છું કે ખરેખર હું તે વાસણમાં ભરાયેલો હતો. તે માછીએ કહ્યું કે ‘સાચુ પુછાવે તો તું જે કહે છે તે મારા માનવામાં આવતું નથી આ વાસણમાં તું તો શું પણ તારો એક પગ પણ સમાય?’ તે જીન બોલ્યો ‘હું તારા પોતાના કસમ લઈ કહુ છું કે જેમ તું મને હાલ જોય છે તેમજ તેમાં હું સમાયેલો હતો. આ પ્રકારના ભારી કસમ ખાતા છતાં પણ તું હજું માનતો નથી?’ તે માછીએ જવાબ દીધો કે ‘હું તારા પોતાના કસમ લઈ કહું છું કે જેમ તું મને હાલ જોય છે તેમજ તેમાં હું સમાયેલો હતો. આ પ્રકારના ભારી કસમ ખાતા છતાં પણ તું હજુ માનતો નથી?’ તે માછીએ જવાબ દીધો કે ‘હા, ખરેખર તું જે કહે છે તે મારાથી માની શકાતું નથી, અને જ્યાં સુધી હું મારી નજરે જોઉં નહીં ત્યાં સુધી હું તારી વાત માનનાર નથી.’

તેજ વેળા તે જીનનું શરીર બદલાઈને ધુમાડો થયો અને આજળની પેઠે તે ધુમાડો કિનારે તથા સમુદ્ર ઉપર પથરાઈ ગયો અને તે એકઠો થઈને તે વાસણમાં દાખલ થયો અને જ્યાં સુધી બહાર કશું રહ્યું નહીં ત્યાં સુધી સરખી ગતીથી આસ્તે આસ્તે તે સઘળો વાસણમાં દાખલ થયો. તેજ વેળા તે વાસણમાંથી અવાજ નિકળ્યો કે ‘ઓ અવિશ્ર્વાસુ માછી હવે કેમ? તારી ખાતરી થઈ કે હું આ વાસણમાં દાખલ થયો છું?’ પણ તે જીનને જવાબ આપવાને બદલે તે માછીએ તે શીશાનું ઢાંકણ લઈ તે વાસણ ઉપર ઢાંકી દીધું અને તે બોલ્યો કે, ‘ઓ જીન હવે માફી માગવાની તારી વારી આવી છે અને તને કઈ રીતે મરવા ગમે છે તે કહે’ પણ નહીં હું તને સમુદ્રમાં પાછો નાખી દઉ છું તેજ બહેતર પડશે અને જગા પર એક છાપરી બાંધી તેમાં હું વસવા માંગું છં કે જે કોઈ માછી માછલા મારવા આવે અને તે તારા સરખા બેવફા અબલીશને બહાર કાઢે તો તેને હું અટકાવી શકું.’

આ ભાષણ સાંભળી તે જીન ઘણો રસ પર આવ્યો તેણે તે વાસણમાંથી બહાર પડવાના ઘણા પણ ગોથાં મારયા પણ તેનું કાંઈ વળ્યું નહીં. જ્યારે તે જીને જોયું કે તે માછીની ચઢતી થઈ, ત્યારે તેણે પોતાનો ગુસ્સો નરમ પાડી નાખ્યો અને કહ્યું કે ‘ઓ માછી! તું જે કાંઈ કરે તે સંભાળી કરજે. મેં જે કાંઈ તને કહ્યું છે તે માત્ર મજાક કરવા કહ્યું છે. અને તારે કાંઈ તે ખરેખરૂં માનવું નહીં.’ તે માછીએ જવાબ દીધો ‘ઓ અબલીશ! તું એક પળની વાત પર જીન લોકોમાં સર્વેથી મોટો અને મસ્તાન જીન કહેવાતો હતો અને હવે એક કોડીનું પણ વજન ધરાવતો નથી તેથી આ તારી ચાપલુસી ભરેલી વાત છોડી દે! એમાં કાંઈ તારૂં વળવાનું નથી, તને ખચ્ચિત સમુદ્રને તળિયે જવું પડશે અને તારા કહ્યા પ્રમાણે તું લાંબી મુદત થઈ ત્યાં વસી આવ્યો છે ત્યારે હવે તો કયામત સુધી તું પડી રહેશે તો કાંઈ ચિન્તા નહીં. મેં તને ખોદાને ખાતર વિનંતી કીધી હતી કે મને મારી ના નાખ અને જ્યારે મારી પ્રાર્થનાને તે તુચ્છકારી કાઢી ત્યારે હવે તારી અરજને હું કેમ માન આપું?’

તે જીન પોકાર કરી બોલવા લાગ્યો કે ‘ઓ સુલેમાન-સુલેમાન! અલ્લાહના મોટા પેગમ્બર! હું તને અરજ કરૂં છં કે તું મનેમાફ કર! હું તારી મરજીની સામે કદી થનાર નથી પણ તારા સઘળા હુકમોને માન આપીશ.

(ક્રમશ)

Leave a Reply

*