અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં.
પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને કિધુ. એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી. એકાઉન્ટ મેનેજર બોલ્યા. સાહેબ ત્રણ લાખ બિલની એમાઉન્ટ થાય છે. સાહેબ આ તમારી જાણ ખાતર. ડોક્ટર બોલ્યા દસ લાખ કેમ નથી થતા? એ દર્દીને મારી ચેમ્બરમા લાવો. તમે પણ સાથે આવજો.
દર્દી વ્હિલ ચેરમા અંદર આવ્યો.
‘ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે?’ ડોક્ટર સાહેબ માથે હાથ ફેરવી બોલ્યા.
‘હા. આપને જોયા હોય તેવું તો લાગે છે.’
‘ત્રણ વર્ષ પહેલાં એક પરિવાર પીકનીક ઉપરથી પાછું વળતું હતું. ત્યાં અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારને બાજુ ઉપર ઉભી કરી હતી. થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ ના થાય. એકાંત રસ્તો હતો. કોઈ અવર જવર નહીં. સૂર્ય આથમવાની તૈયારી તરફ. પરિવારના દરેક સદસ્યના ચહેરા ઉપર ચિંતા હતી. પતિ, પત્ની, યુવાન દીકરી અને બાળક ભગવાનને પ્રાર્થના કરતા હતા. થોડા સમયમાં ચમત્કાર થયો. કોઈ મેલા કપડાંવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો. અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો. એ તુ જ હતો ને?
તેં ઉભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું હતું. પછી તું કાર પાસે ગયો. કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો.
અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું. પરિવાર સાથે આવી એકાંત જગ્યાએ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
દસ મિનિટની મહેનત પછી તેં અમારી કાર ચાલુ કરી દીધી. અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો હતો.
મેં પાકીટ ખોલી કિધુ ‘ભાઈ પ્રથમ તારો આભાર. ઘણી વખત રૂપિયા કરતા સમયની કિંમત વધુ હોય છે. તે અમારા મુશ્કેલીના સમયમાં મદદ કરી છે તેની કિંમત હું રૂપિયાથી આંકી શકુ તેમ નથી. છતાં પણ તેં મહેનત કરી છે તો તેના વળતર નો તું હકદાર છે. કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે?’
તેં એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતા એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયા. કિધુ હતું: ‘મારો નિયમ અને સિદ્ધાંત છે. મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસેથી હું વળતર લેતો નથી. મારા વળતરનો હિસાબ ઉપરવાળો રાખે છે.’ એક ગરીબ અને મહેનતુ વ્યક્તી જો પોતાના સિદ્ધાંતથી ચાલી શકતો હોય તો આપણે કેમ નહીં? મે મારા અંતર આત્માને સવાલ કર્યો? તે કિધુ હતું ‘અહીંથી દસ કિલોમીટર ઉપર મારૂં ગેરેજ આવે છે. આપની કારની પાછળ હું બાઇક ચલાવુ છું. કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું.’ કોણ કહે છે મફતમાં સેવા નથી મળતી? વાત મફતની નથી માણસાઈની છે. ‘દોસ્ત, એ વાતને ત્રણ વર્ષ થવા આવ્યા. હું તને કે તારા શબ્દોને હજુ નથી ભુલ્યો. ભગવાન મારી અપેક્ષા કરતા મને વધારે આપી રહ્યો છે. કારણ કે હું સિદ્ધાંતથી ચાલુ છું. મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે.’ એક વાતની ખાતરી થઈ ગઇ દોસ્ત. દિલ તો મોટા નાની વ્યક્તીઓના જ હોય છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો અમારી સાથે સોદો કરી શક્યો હોત. પણ તેં એવું ના કર્યું. પ્રથમ કાર ચાલુ કરી. એ પણ કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર.
આ હોસ્પિટલ મારી છે. તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે. તારી પાસે રૂપિયા ના લેવાય.
‘સાહેબ. ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો.’ પ્રવીણ બોલ્યો.
‘મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતુ આપ્યું. કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી, હે પ્રભુ આ વ્યક્તીનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ.
આજે ત્રણ વર્ષે પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. આને ફક્ત કુદરતી સંકેત જ સમજ. દોસ્ત તારા શબ્દો જ તું યાદ કર. ‘મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી. મારા વળતરનો હિસાબ ઉપર વાળો રાખે છે. આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે.’
એકાઉન્ટ મેનેજર ડોકટર સાહેબ સામે જોતો રહ્યો. ડોક્ટરે કિધુ પ્રવીણ કોઈ પણ તકલીફ પડે અહીં આવી મને મળી લેજે.
એકાઉન્ટ મેનેજરના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા. ‘સુધરવા માટે આશ્રમ કે ગુરુની જરૂર નથી હોતી. કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્માને જગાડી જતો રહે છે.’
પ્રવીણે ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો, ‘કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મનો તું હિસાબ નથી રાખતો. હા, સમય કદાચ લાગશે પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કશ લખી રાખજો કોઈનું બાકી રાખતો નથી ગિરધારી, વ્યાજ સાથે પાછું આપે છે મુરારી.’
મિત્રો ભગવાનનો ભેદ અને કર્મ ના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે.
એ જયારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જયારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારી ને પણ બહાર કઢાવે છે.
યાદ રાખો સમય ફક્ત ચહેરો યાદ રાખે છે.
ભગવાન કહે છે “હું એક વખત તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે.”
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024