પાદશાહે પોતાની પાસે ખુરસી મંગાવી તે હકીમને સાથે જમાડયો અને જીયાફતની મિજલસ બરખાસ્ત થયા પછી તમામ દરબારીઓની હજુરમાં સરપેચ સાથનો ઉંચી કિંમતનો સરપાવ ભેટ કીધો તથા બે હજાર અશરફી આપી. ત્યારબાદ કેટલાકએક દિવસ સુધી પાદશાહે તેને પોતાનો વહાલો મિત્ર તરીકે ગણ્યો અને ટૂંકમાં બોલીએ તો પાદશાહ તે હકીમની હિકમત ઉપર એટલો તો કુરબાન થયો હતો કે તેના ઉપકારમાં દરરોજ કંઈ નવી પ્રકરની નવાજેશ તેની ઉપર કરતો હતો. આ યુનાની પાદશાહનો જે વડો વજીર હતો તે લોભી, અદેખો અને એટલો તો બદખવાસનો હતો કે પોતાની મતલબ સાંધવાને ગમે એવો બદ ગુનાહ કરવો પડે તે કરવાને જરા પણ આંચકો ખાતો ન હતો. હકીમને પાદશાહે ઉપરા સાપરી જે ભેટો આપી તે તેનાથી દેખી શકાયું નહીં તેથી કીનાથી કપટ રચી અને ઠરાવ કીધો કે કોઈપણ રીતે પાદશાહના દિલપર તેના મન પર તેની સારી અસર કીધી છે. તે બરબાદ કરાવવી. એ બુરી મતલબનું કામ પાર પાડવા માટે તે પાદશાહ પાસે ગયો અને એકાંત જઈ પાદશાહને કહ્યું કે ‘બંદેનવાજને કાંઈ ઘણીજ અગત્યની ખબર કહેવી છે.’ પાદશાહે પૂછયું કે ‘તે શું ખબર છે?’ તેણે કહ્યું કે ‘સાહેબ! જે આદમીની ઈમનાદારી ઉપર ભરોસો નહીં હોય તેવા આદમીની ઉપર પાદશાહી ઈતબાર રાખવો એક ઘણું જ ભય ભરેલું છે. તમો નામદાર દુબાન હકીમની ઉપર નવાજેશ ઉપર નવાજેશ કરો છો તેની ઉપર દિનપરદિન હેત અને પ્રીત વધારે રાખતા જાઓ છો પણ તમો સાહેબને ખબર નથી કે તે એક પાપી ચંડાળ છે અને તે આ દરબારમાં તમને મારી નાખવા માટે દાખલ થયો છે. પાદશાહે પૂછયું કે એ તું શું મને કહેવાને છાતી ચલાવે છે? તું વિચાર તો કર કે તે કોણ સાથે બેસે છે અને તું એક વાત એવી કરે છે કે જે કદીપણ હું આશાનીથી માનનાર નથી. તે વજીરે કહ્યું કે ઓ ભોળા પાદશાહ જે હું તમને ખબર આપું છું તે મેં ખરેખરી મેળવેલી ખબર છે તેટલા માટે એ હકમી ઉપર એટલો ભરેલો ભરૂસો ના રાખો. અગરજો તમો નામદાર ઉંઘમાંને ઉંઘમાં ફરતા હોવો તે કાઢી નાખો અને ફરીથી કહું છું કે દુબાન હકીમ યુનાન સરખા દૂર દરાજ મુલકમાંથી અત્રે આવ્યા છે તે પોતાનો ભય ભરેલો વિચાર પાર પાડવાજ આવ્યો છે. પાદશાહે તેને કહ્યું કે ‘નહીં નહીં મારી ખાતરી છે કે જે માણસને તું પાખંડી અને દગલબાજ વિચારે છે તે માણસ ઘણુંજ નેક ને અસીલ આદમી છે. હું જેટલું માન અને આદરભાવ એ હકીમને આપુ છું એટલું બીજા કોઈને આ જગતમાં આપતો નથી. તું સારી પેઠે જાણે છે કેવા ઉપાય બલકે કેવા મોજેજાથી કોનો બુરો મરજ મારા શરીરમાંથી કાઢી તે કાબેલ હકીમે મને સાજો કીધો છે. જ્યારે એ મને મારી નાખવાજ આવ્યો છે ત્યારે તેણે મારા પ્રાણ બચાવ્યા શા સારૂં? તેથી મારા મનમાં ગેરવાજબી વહેમ રોપવાનું કામ છોડી દે. કારણ કે તારી વાત સાંભળ્યાને બદલે આજ રોજથી એ હકીમને જીવે જાગે ત્યાં સુધી દર માસે એક હજાર અશરફીનું લવાજમ આપવાને ઠરાવ કીધો છે.
(ક્રમશ)
- ક્રિકેટ અને મીડિયા પર્સનાલિટી દારા પોચખાનાવાલાનું નિધન - 7 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ ભવ્યરીતે 150મી સાલગ્રેહની ઉજવણી કરી - 7 September2024
- સિંગાપોરના પારસીઓએ ધામધૂમથીનવા વર્ષની ઉજવણી કરી! - 7 September2024