અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

ગયા અંકથી ચાલુ

આ શૂરવીર સરદારને પ્રથમ કાઈમને શહેર છોડી, એશિયા ખાતે કુચ કરી જવાને અર્જ કરી પરંતુ પોતાને સોંપવામાં આવેલું શહેર જંગ મચાવ્યા વિના શત્રુઓને શરણ કરીને  જગમશહુર ઈરાનની પ્રતિષ્ઠા કોઈપણ અંશે ઘટાડે, તેટલો તે હિચકારો હતો નહિ. એથીનિયનોનાં જબરાં બળ સામે ટકવું મૂશ્કેલ હતું. તે બિના તે દેશભિમાની વીર નર સારી પેઠે જાણતો હતો; તો પણ પ્રસિદ્ધ, પ્રતાપિ પારસીઓનાં બુલંદ નામને ખાતર છેવટ સૂધી યુદ્ધ કરીને પોતાની કીર્તિ અમર કરી, પનોતા પારસીઓની કીર્તિની સુંદર કલ્ગીરમાં કેટલાંક વધુ પીછાં ઉમેરવાનો તેણે મક્કમ નિશ્ર્ચય કર્યો. તેનાં શૂરાતન આગળ એથીનિયનો ફાવી શક્યા નહિ અને જ્યાંસૂધી ભૂખમરાના દુષ્ટ દૈત્યે તેને અધમૂઓ કરી મૂક્યો નહિ ત્યાંસૂધી તે શત્રુઓ સાથ બાથોબાથ લડ્યો. છેવટે કિલ્લામાં અનાજનો એક પણ દાણો બાકી રહ્યો નહિ. આથી પણ તે જવામર્દે હિંમત ખોહિ નહિ. દુશ્મનોને શરણ થવા જેટલું બાયલાપણું ત્હેનામાં હતું નહિ. પોતાના પ્યારા પ્રાણની પણ તેને દરકાર હતી નહિ. તેજ પ્રમાણે બહાદુર પાકદામનની, નેકખુ, ખુબસુરત પારસી બાનુુઓ ઝનુની, બદખાહ, શત્રુઓના હાથમાં સપડાય તે પણ તેનાથી સાંખી શકાયું નહિ. માટે છેવટે તે રણશૂર વીર નરે એક જબરી ચીતા સળગાવીને પોતાનાં કમનસીબ બાળકો, પ્યારી મહોરદાર, હીંમતવાન દાસીઓ અને બહાદુર ગુલામોને કત્લ કરીને તેમાં નાખ્યાં. પોતાના કમબખ્ત  પણ બહાદુર વહાલાંઓને ઘાતકી ગ્રીકોની ગુલામગીરીમાંથી એ રીતે બચાવી, તે અઝીઝ પારસી શેર નરે કિલ્લામાંનો સઘળો ખજાનો એકઠો કરીને સ્ત્રિમોન નદીમાં હોમાવી દેવડાવ્યો, કે જેથી તે હરીફોને હાથ જવા પામે નહિ. છેવટે પોતાની બહાદુરી અને વિખ્યાતીની વાત ચોમેાર ફેલાવીને તે નામાંકિત નરે બળતી ચેહમાં ઝોંકાવ્યું અને પોતાના પ્યારો  પ્રાણ પારસી શાહાનશાહતની સેવામાં જગપ્રસિદ્ધ પારસી યોદ્ધાઓની પ્રતિષ્ઠા જાળવવા તે જેહાંન મશહુર યોદ્ધાએ અર્પણ કરીને દુશ્મનને શરણે જવાના તરીકાને જગત સન્મૂખ તેણે તીરસ્કારને પાત્ર ઠેરવ્યો.

પ્યારા બોેગીઝના સાહસકર્મની તારીફ હવે ઈરાનમાં પ્રસરવા લાગી. તેના હયાત વારસો હવે ઈરાની શાહાનશાહતમાં પૂંજાવા લાગ્યા. તવારિખનવેશ હીરોડોટસ પારસીઓનો કટ્ટો વેરી હોવા છતાં બહાદુર બોગીઝને માટે સ્તુતિ કરી ગયો છે, ત્યારે તે વીરલાના વારેસો – હાલના પારસીઓ – પોતાની પવિત્ર ફરજ બજાવવામાં પાછળ હઠે એમ હું ધારતો નથી. તે નામાંકિત નરનું નામ નામધરણમાં લેવાવું જોઈએ. વળી તેના જેવા દિલશેર, મહાન શખ્સની પવિત્ર યાદ દરેક સાચા પારસીના જીગરમાં ફરવરદીગાનના પવિત્ર દિવસો ઉપર તાઝી રખાવી જોઈએ! વહાલા પારસીઓ! તમે જો કીર્તિવંત બહાદુર વડવાઓના વારેસ ગણાઓ છો, તે વડવાઓની ઝળકતી કારકીર્દિનો અભ્યાસ કરવાને ઉતાવળે બિદાર બનો! ઈરાન સરઝમીનનો યાદગાર ઈતિહાસ વાંચી તેની ઉપર ખુબ ગોર અને મનન કરીને તમે મગરૂર થાઓ. તે વતનની દાઝ, તે પવિત્ર ભૂમીના યાદગાર યોદ્ધા અને શાહાનશાહોની યાદ અને તમારા પારસી ખવાસ અને કયાની ખમીર, તમોને હમેશાં હોંશ અને હીશમતથી ભરપૂર રાખે એવી હું દુઆ કરૂં છું!

અશો બોગીઝનાં ફરોહરને માન સાથે યાદ કરીને હું રૂખસદ લઉં છું.

Leave a Reply

*