અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

સુલતાને નાના ડુંગર તરફ જવાનો રસ્તો ધર્યો. ડુંગર ઉપર ઝાઝી મેહેનત વગર તે ચહડ્યો અને પેલી મેર ઉતરવાનું કામ તો કાંઈ પણ તેને ભારી પડ્યું નહીં અને સૂર્ય ઉગે ત્યાંસુધી મેદાનમાં ચાલ્યો. એ વખતે તેણે દુરથી એક ઈમારત નજરે આવી જે જોવાથી તેને ઘણીજ ખુશાલી  ઉત્પન્ન થઈ; કારણ કે જે બિના જાણવાની તેની ખાયશ હતી તે હવે જણાઈ આવશે એવી તેને ઉમેદ આવી. જ્યારે તે ઈમારતની નજદીક આવી પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે એક સુંદર મેહેલ હતો બલ્કે એક મજબુત કિલ્લો હતો. તે સફા કીધેલા કાળા સંગેમરમરના પથ્થરનો બાંધેલો અને તેની ઉપર બારીક લોખંડના સફાઈદાર પતરાં જડેલાં હતાં. તે એટલાં તો ચળમતાં હતાં કે તેમાંથી આપણી શિકલ દેખાઈ આવે. પોતાની ધારણા મુજબ તપાસ કરવાને બની આવે એવી તક એટલી જલદીથી મળી આવ્યાથી તે ખુશી થયો અને કિલ્લાની સામે ઉભો અને ખુબ ધ્યાન રાખી તેની તપાસ કીધી. ત્યાર બાદ કિલ્લાના દરવાજા આગળ તે આવ્યો. તે માંહેલો એક દરવાજો ખૂલ્લો હતો. તે અંદર જવા માગતે તો જઈ શકતે પણ બારણું ડોકવાનું તેણે દરૂસ્ત વિચારયું. પહેલા તે આસ્તેથી ડોક્યું અને જરાક વાર થોભ્યો, પણ જ્યારે તેણે જોયું કે તેના ડોકવાનો કાંઈ ઉત્તર મળ્યો નહીં ત્યારે તેણે ધારયું કે ડોકવાનો અવાજ સંભળાયો હશે નહીં તેથી બીજીવાર વધારે જોરથી તે બારણું ડોક્યું, તો પણ કોઈ આવ્યું નહીં. વળી ઘણાજ જોરથી ડોક્યુંં પણ તેનું કાંઈ વળ્યું નહીં. આ બનાવથી તે ઘણોજ અજબ થયો અને જે કિલ્લો આવી સરસ બાંધણીથી બાંધેલો હતો તેમાં કોઈ પણ વસનાર નહીં હોય એમ તેણે માન્યું નહીં. તે સુલતાન પોતાના મન સાથે બોલવા લાગ્યો કે “અગર જો તેમાં કોઈનો પણ વસવાટ ન હશે તો ચિન્તા નથી અને અગર કોઈ સામે થશે તો મારો બચાવ કરવા સારૂ મારી પાસે હથિયાર છે.”

અંતે કિલ્લામાં તે દાખલ થયો અને તેના ચોકમાં થોડો વાર ઉભો રહ્યો અને પોકાર મારી બોલ્યો કે “એક પરદેસી જે ભુખ્યો તરસ્યો છે તેની દાદ લેનાર શું અત્રે કોઈ નથી?” એ પ્રમાણે તે બે-ત્રણ વાર પોતાની બોલાયા તેટલા મોટા સાદે તે પોકારયો તો પણ તેને જવાબ મળ્યો નહીં. આ સમસાનપણું જોઈ તેને ભારી અચરતી ઉપજી. ત્યાંથી બીજી જગ્યા તરફ જઈ લાગ્યો, અને ચોતરફ નજર દોડાવતાં તેને કોઈપણ જીવતું પ્રાણી દિસ્યું નહીં. તે જગ્યા છોડી મોટા દિવાનખાનામાં પેઠો. ત્યાં રેશમી ગાલીચા બિછાવેલા અને થોડે થોડે અંતરે સોફા ગોઠવેલા હતા. જેની ઉપર મક્કાના કિંમતી કપડાં જડેલા હતાં. બારણા બારી ઉપર હિંદુસ્તાનની બનાવટના ઉંચી કિંમતના પરડા નાખેલા હતા જેની ઉપર સોનેરી કસબ ગુંથેલો હતો. તેછોડી સુલતાન આગળ ચાલ્યો. ત્યારે તેના દિઠામાં એક ઘણુંજ તારીફ લાયક મોટું દિવાનખાનું આવ્યું. તેની વચ્ચોવચમાં એક પાણીનો મોટો ફૂઆરો ઉભો કીધો હતો. જેના દરેક ખુણાપર સોનેરી બનાવટનો એકેક સિંહ બેસાડેલો હતો. તે ચાર સિંહના મુખમાંથી પાણીની ધારો નિકળતી હતી. અને તેમાંથી પડતા પાણીથી હજારો મોતર તથા હીરા બંધાતા હતા. તે કિલ્લાની ત્રણ બાજુએ બાગો બનાવેલા હતા. ફુલના ક્યારા, ફળવંત ઝાડો, પાણીના ફૂઆરા વગેરેથી શણગાર આપ્યો હતો, પણ એ બાગ વધારે દિલ ખુશ કરનારો હોવાનો એક બીજો ગજબ એ હતો કે સેંકડો પક્ષીઓ તરેહવાર રંગના અને ખુબસુરત, હ્યાં ત્યાં નજરે આવતાં, જેઓ તે બાગની ગલાબી લંપેટને મધુર અવાજના તેમના શરોદથી વધારે ખુશાલી આપતાં હતાં.

સુલતાન એક ઓરડામાંથી બીજા ઓરડામાં અને એક દિવાનખાનામાંથી બીજા દિવાનખાનામાં ઘણીક વાર સુધી ફરયો અને તેમ કરતાં તેની આસપાસ જે જે ચીજો તેણે જોઈ, તે એવી હતી કે તેનું બ્યાન આ જગાએ થઈ શકતું નથી.

તે સુલતાન ઘણા વખત સુધી એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરવા લાગ્યો અને કાંઈક થાકેલો હતો તેથી તે એક ખૂલ્લા ઓરડામાં બેઠો. જે જે ચીજ તેની નજરે પડી હતી તે ઉપર તે વિચાર કરવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે હવે પછી કાંઈ મોટા બનાવો નજર આવશે. એવા વિચારમાં તે ગર્ક થયેલો હતો એવામાં અણચિતો તેના કાન ઉપર શોક ભરેલો અવાજ આવ્યો. જે રૂદન અને શોક એટલા તો દુ:ખ ભરેલી રીતે કરવામાં આવ્યાં હતા કે આપણું કલેજું પણ ફાડી નાખ્યા વિના રહેજ નહીં. તે રૂદમાં આ પ્રમાણે શબ્દો બોલવામાં આવ્યા હતા કે “રે કિસ્મત! મારા સારા ભાગ્યનાં ફળ તેં મને લાંબા દિવસ ચાખવા દીધા નથી અને મને ઘણોજ દુ:ખી અને દર્દમંદ કીધો છે. હવે તું મને હેરાન કરવાનું બંધ કર, નહી તો મને શિતાબોથી મારી નાખ! આટલું બધું દુ:ખ ખમ્યા છતાં હતાં હું હજુર હયાત છું એ કેવું અજબ સરખું છે!”

આ શોકભરેલાં રૂદનથી સુલતાનના દિલમાં ઘણુંજ દુ:ખ ઉત્પન્ન થયું તેથી તે જગ્યા ઉપરથી તરત ઉઠી જે તરફથી તે અવાજ નિકળતો હતો તે તરફ તે ગયો. તે એક મોટા દિવાનખાનાના દરવાજા આગળ આવ્યો, અને ત્યાંથી પરડો ખસેડી જોયું તો એક જવાન આદમીને એક તખ્ત ઉપર બેઠેલો જોયો, તે તખ્ત જમીનથી થોડુંક ઉંચુ ઉભું કીધેલું હતું. આ આદમી દેખાવે ખુબસુરત હતો અને ઉંચી કિમ્મતનો લેબાશ તેણે પહેરેલો હતો. તેની શિકલ ઉપર ગમે બેઠક કીધેલી હતી.  તે સુલતાન તેની પાસે ગયો અને તેને નમીને સલામ કીધી; તે જવાને ઘણીજ ગંભીરાઈથી પોતાનું માથું વાકું કરી પોતાની તરફથી પાછી સલામ કીધી પણ તે ઉભો થયો નહી. તેણે સુલતાનને દલગીર ચહેરે કહુંં કે “અલબતા મને ઉઠીને તમને આવકાર આપવો, તથા જેટલું તમને ઘટે એટલું માન આપવું જોઈએ. પણ એક ઘણોજ સબળ સબબ તેમ કરતાં મને અટકાવ કરે છે માટે તમારે એ બાબતમાં તમારા દિલમાં કાંઈ ઓછું લાવવું નહીં.” સુલતાને જવાબ દીધો કે “સાહેબ! તમે મારે માટે સારો વિચાર આપ્યો તેથી મને તે વિષે દરગુજર કરવા કહ્યું તે મોટી ખુશીથી કરૂં છું. તમને મોટા રૂદન અને ગમથી ફરિયાદ કરતા સાંભળી હું તમારી આગળ આવ્યો છું તે તમને મારી તરફથી બનતી કાંઈ મદદ આપું. હું ઉમેદ રાખુ છું કે આ તમારી આફતમાં મારી તરફથી કાંઈ પણ દિલાસો તમને આપવાને મને રજા આપશો; હું તમને દિલાસો આપવાને મારાથી બનશે એટલી કોશેશ કરીશ. તમો તમારા ગમને લગતી હકીકત મારી આગળ ખુલાસાવાર કહી સંભળાવવાને કશી અડચણ લેશો નહી. પણ પેહેલાં તો મને કહોે કે પેલા સરોવરમાં ચાર જુદા જુદા રંગના માછલા છે તેનું કારણ શું? અને મને તમે કહો કે આ કિલ્લો આ જગ્યાએ કેમ બંધાયો અને તમે એમાં એકલા કેમ રહ્યા છો?”

આ સવાલોનો જવાબ આપવાને બદલે તે જવાન ઝારબેઝાર રડવા લાગ્યો. તે બોલ્યો કે “કિસ્મત! તું કેવું ફરેબબાજ છે. જે લોકોને તે આસમાન જેવા બુલંદ કીધા તેઓને તું નીચે ગગડાવી લાવવાને હરખ પામે છે. કયો શખ્સ એમ કહી શકશે કે મેં કિસમતના બળથી સ્થીર જીંદગી અને સુખી ભવ કાઢ્યો છે?” તેની હાલત ઉપર દયા ખાઈને સુલતાને તેને ફરીથી વિનંતી કીધી કે તેને જે આટલો બધો ગમ થયો છે તે વિષેનો સબબ જણાવવો. તે જવાને જવાબ દીધો “જે મારા દયાળુ સાહેબ! અફસોસ છે કે હું ગમ નહીં કરૂં તો બીજું શું કરૂં? આ મરી આંખો ગમનાં આંસુ રડતી ક્યારે બંધ પડશે તે હું કહી શકતો નથી!” એટલા શબ્દો બોલી તેણે પોતાનો ઝભ્ભો  ઉંચક્યો અને સુલતાને કમકમાટ સાથે જોયું કે તે કમર સુધીજ ઈનસાન્યતમાં હતો અને ત્યાંથી તે પગ સુધી કાળો સંગમનેરનો પથ્થર થઈ રહ્યો હતો.

તે જવાન આદમીની આવી અફસોસ ભરેલી હાલત જોઈ તે સુલતાન કેટલો અજબ થયો હશે તે સેહેલથી વિચારી લીધામાં આવશે. તે બોલ્યો કે “ઓ કમનસીબ જવાન! તમે જે મને દેખાડો છો તેથી મારા દિલમાં કમકમાટ છુટે છે, પણ તેજ વેળા તમારી તવારિખ જાણવાની મારી ઈંતેજારી વધે છે. તમારી તવારિખ જાણવાને હું ઘણોજ ખંતી છું. તે હકિકત બેશક ઘણીજ અચરતી ભરેલી હશે અને પેલું તળાવ તથા તે માહેલાં માછલાં તેની સાથે કાંઈ પણ સંબંધ ધરાવતા હશે, તેથી હું તમને વિનંતી કરી કહું છું કે તમારી તવારિખનું વર્ણન કરો અને તેમ કરવાથી ખચ્ચીત તમને દિલાસો મલ્યા વિના રેહેનાર નથી. કારણ કે દુ:ખી લોકો પોતાના દુ:ખની કહાણી કહી સંભળાવ્યાથી તો તેથી તેમાં ઉલટો વધારો થશે તો પણ તે કહી સંભળાવવાને હું ના પાડતો નથી. માટે તમો ધ્યાન આપી તે સાંભળજો…

(ક્રમશ)

Leave a Reply

*