પારસીપણું પરવરદિગારને પ્રેમ કરતા ઝોરાષ્ટ્રિયન બનવા પર ભાર આપે છે

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, પરવરદિગાર-ઈશ્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈશ્વરભીરુ એ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા માલિક કે સ્વામી તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરાના અહુરા મઝદાથી ન તો ડરવાનું છે કે ન તો તેઓ એવા માલિક છે જેને પ્રસન્ન કરવાના છે. પરવરદિગાર-ઈશ્વર સાથે ઝોરાષ્ટ્રિયનનો સંબંધ સાવ જુદો છે અને ખરા અર્થમાં અનોખો કહી શકાય એવો છે અને ખરા પારસીપણનું અભિન્ન મૂળતત્વ પણ તેમાં જ છે – ઈશ્વરને પ્રેમ કરનારા બનો, તેમનાથી ડરનારા નહીં!

ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અને ખાસ તો ગાથામાં સર્વોચ્ચ દેવત્વને ફ્રિયા (સંસ્કૃત પ્રિય એટલે કે પ્યારું) તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે મિત્ર અથવા પ્રિય. બીજા શબ્દોમાં પરવગદિગાર સાથેનો ઝોરાષ્ટ્રિયનનો સંબંધ ભય કે ધાકના પાયા પર નહીં પણ મિત્રતા કે પ્રેમના પાયા પર ઊભો કરવામાં આવ્યો છે. પરવગદિગારને પ્રેમ કરવાનો હોય, તેના કોપ કે નારાજગીનો ભય રાખવાનું કોઈ કારણ નથી; તેમને મિત્ર ગણવામાં આવ્યા છે એવા દ્વેષી માલિક નહીં જે સતત પોતાના બંદાની પરીક્ષા લીધા કરે છે અને તેની પાસે બલિદાનની માગણી કરે છે. આપણા અહુરા મઝદા પણ વળતરમાં માત્ર પ્રેમ અને મૈત્રીની જ અપેક્ષા રાખે છે અને કોઈ બલિદાન કે પ્રાયશ્ચિત તપની નહીં. અહુરા મઝદા ઇચ્છે છે કે તેમના બધા મિત્રોને ઉશ્તા એટલે કે ખુશી-આનંદનો અનુભવ કરે. ઝોરાષ્ટ્રિયન કેલેન્ડરમાં એકેય દિવસ એવો નથી જ્યારે તમારે ઉપવાસ કરવાનો હોય છે – અહુરા મઝદા તેમના મિત્રો પાસેથી બસ એટલું જ ચાહે છે કે તેઓ કોઈં બુરું કરવાનો ઉપવાસ કરે એટલે કે આવું કરવાથી બચે – પછી એ ક્રિયા વિચાર, શબ્દ કે કાર્યની કેમ ન હોય.

અશાના (સચ્ચાઈ અને ઈમાનદારી) માર્ગ પર ચાલવા જેવી સાદી બાબતથી આપણે પરવરદિગારની શાશ્વત મિત્રતા હાંસલ કરી શકીએ છીએ. આપણામાંનો દરેક જણ રોજબરોજના જીવનમાં અશાના માર્ગ પર ચાલીને અહુરા મઝદાની મિત્રતા પામવાનો પ્રયાસ કરે. જેમ યસ્ન ભારપૂર્વક કહે છે – અશાનો એકમાત્ર માર્ગ જ સાચો છે. બીજા બધા રસ્તા છે ખોટા. અને ધાર્મિક દૃષ્ટિએ આ જ વાત પારસીપણાનો આધાર છે!

કહેવાય છે કે, અર્દિબહેશ્ત માસના દ- એપ – મહેર રોજે ઝરથ્રુસ્ટને અહુરા મઝદાના પહેલા દર્શન થયા હતા. ઝરથ્રુસ્ટ નામા અનુસાર પયગંબરે અહુરા મઝદાને એક પ્રશ્ન પૂછ્યો (સૌથી પહેલો પ્રશ્ન) હતો અને અહુરા મઝદા પાસેથી તેમને જે જવાબ મળ્યો, એમાં એક સારા ઝરથ્રુસ્ટ પાસેથી શેની અપેક્ષા રાખવામાં આવે છે એનો ટૂંકસાર મળી રહે એમ છે. આને આપણે અહુરા મઝદાના આપણા માટેના દૃષ્ટિકોણ તરીકે જોઈ શકીએ છીએ, આપણને તેમના પ્રિય મિત્રોને ઝરથ્રુસ્ટ દ્વારા આ દૃષ્ટિકોણ મળ્યો છે.

ઝરથ્રુસ્ટનો સવાલ હતો: દુનિયામાંના બધા લોકોમાં સૌથી સારી વ્યકિત કઈ?

અહુરા મઝદાએ જવાબ આપ્યો: એ વ્યક્તિ જે અશાના  (ઈમાનદારી) રસ્તા પર ચાલે છે; જે દયાળુ છે; જે આતશ; પાણીને પૂજે છે અને પ્રાણીઓ પ્રત્યે પણ જેને દયા છે. કેટલો સરળ જવાબ અને છતાંય તેમાં સારી દુનિયા અને અહુરા મઝદાની વિવિધ શ્રેષ્ઠતમ નિયામતો વિશેની સમજનો સમાવેશ થાય છે.

અશાની કલ્પના

જરથ્રુસ્ટ્રના ઉપદેશોને માત્ર એક જ શબ્દમાં મૂકવા હોય તો એ શબ્દ છે અશા , જેનો અર્થ થાય છે

સત્ય અથવા સચ્ચાઈ (જૂઠાણાનું વિરોધી)

ઈમાનદારી

દિવ્ય ફરમાન (અથવા કુદરતના નિયમો સાથે મેળ સાધીને રહેવું) અને

શુદ્ધતા (વિચારો, વાણી અને કાર્યોની)

મુક્તિ મેળવવા માટે ઝોરાષ્ટ્રિયને બ્રહ્મચર્ય પાળવાની  કે લગ્ન ન કરવા એવી કોઈ જરૂર નથી. ખરેખર તો, યોગ્ય સમયે પરણી જઈ પરિવારને ઉછેરવો એ પોતાનામાં જ એક આધ્યાત્મિક લાયકાત છે. ઝોરાષ્ટ્રિયનને દુનિયાનો ત્યાગ કરવાની અને સંન્યાસી કે ત્યાગી જેવું જીવન જીવવાની પણ કોઈ જ જરૂર નથી. જીવન એ અહુરા મઝદાની ભેટ છે, અને તે આનંદ માણવા માટે છે, વેઠવા માટે કે દુ:ખી થવા માટે નથી.

આમ, લાંબા સમય સુધી ટકે એવી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની ઝોરાષ્ટ્રિયન ફોમ્ર્યુલા છે, તમામ કોશિશોને અહુરા મઝદાને સમર્પિત કરો તથા બધાં કાર્યો તેમના નામે કરો અને દરેક કામ સમજદારીપૂર્વક અને સચ્ચાઈ સાથે કરો. આવું કાર્ય દરેકને બળ આપશે પણ સાથે જ તેમાં દયા અને વિનમ્રતાનો પણ સમાવેશ હોવો જોઈએ.

 ઝરથ્રુસ્ટના ધર્મનું ખરું મૂલ્ય અને સાચી સુંદરતા તેની સરળતામાં અને જીવન તરફના પોઝિટિવ દૃષ્ટિકોણમાં રહેલું છે. ધર્મ હર કોઈ માટે ખુશીનો આદેશ આપે છે અને ભારપૂર્વક કહે છે કે સાચી ખુશી  તેને જ મળે  છે જે બીજા લોકોનેન ખુશી આપવાનો પ્રયાસ કરે છે. આપણો ધર્મ જીવન-તરફી અને ખુશી-તરફી છે. તે સોનેરી મધ્યમ માર્ગ ચીંધે છે – ઉપવાસ પણ નહીં અને ખાઉધરાપણું પણ નહીં, બ્રહ્મચર્ય નહીં અને લંપટતા પણ નહીં.

આ ધર્મની પ્રાચીનતા છતાં ઝરથ્રુસ્ટનો ધર્મ હંમેશાં યુવાન અને અમર રહ્યો છે તથા આવનારા સમયમાં પણ તે એટલો જ સુસંગત રહેશે. આપણા માટે આ ધર્મને જીવવો એ મહત્ત્વનું છે. તેને વધુ બહેતર સમજ સાથે જીવો અ અહુરા મઝદા સાથે આપણા પ્રિય મિત્ર, અમેશા સ્પેન્ટા સાથે આપણા ફિલોસોફિકલ અને નૈતિક માર્ગદર્શક તથા ઝરથ્રુસ્ટ સાથે આપણને જીવનનું જ્ઞાન આપનારા આપણા પ્યારા શિક્ષક તરીકેનો સંબંધ બાંધવાનો છે.

Leave a Reply

*