તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે. આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે તમે પોતે વિચારી લેજો. તો પણ જે ગમ મારા દિલમાં ઉત્પન્ન થયો તે દાબી નાખવાની પૂરતી તાકાત હું ધરાવતો હતો. જાણે હું ઉંઘમાંથી બેદાર થયો હોવું તેમ હું જાગી ઉઠ્યો અને તે વાતનો એક શબ્દ પણ સાંભળ્યો ન હોય એમ જાહેરમાં દેખાડ્યું.
તેટલામાં રાણી હમામખાનામાંથી પાછી આવી. અમે રાતનું ખાણું સાથે ખાધું અને જ્યારે આરામગાહમાં જવાનો વખત થયો ત્યારે ત્યાં ગયા આગમચ તેણીએ પાણીનું એક પ્યાલુ મને પીવા માટે પ્યારથી આપ્યું. પણ તે પીધા વગર, આગળ એક બારી ઉઘાડી હતી તે વાટે તે જોય નહી એવી રીતે મેં બહાર નાખી દીધું. પછી તે પ્યાલું તેને પાછી આપ્યું કે તે જાણે કે મેં તે માહેલું પાણી પીધું હોય. આ પછી અમે સુવા ગયાં. થોડો વખત રહી રાણીએ સદાની પેઠે ધાર્યું કે હું ભર ઉંઘમાં પડેલો હોઈશ તેથી કાંઈ પણ સાવચેતી રાખ્યા વિના ઉઠી ઉભી થઈ અને મોટે અવાજે બોલી કે ‘તું ઉંઘ અને હું ઈચ્છું છું કે તે ઉંઘમાંથી કદીપણ પાછો ઉઠતો ના.’ તેણીએ પોતાનો લેબાશ પહેર્યો અને ઓરડામાંથી જલદીથી બહાર ગઈ. જેવી તે રાણી બહાર પડી કે હું ઉઠયો, અને જેમ બને તેમ જલદીથી મેં મારા કપડા પહેરી લીધા અને મારી બરછી કમરે ખોસી તેની પુઠે એટલો તો લગોલગ જઈ લાગ્યો કે તેના કદમ પણ મારા સાંભળવામાં આવ્યા. જેવા કદમ તે ભરતી હતી તે પ્રમાણે મેં ચાલવા માંડયું અને મારા કદમનો અવાજ રખેને તે સાંભળે તેની ધાસ્તી થી હું ધીમે કદમે ચાલવા લાગ્યો. તે કેટલાક દરવાજા ઝડપથી પસાર કરી ગઈ તે કાંઈ જાદુઈના શબ્દો બોલતી કે તેજ વખતે તે દરવાજા ઉઘડી જતા હતા! છેલ્લો દરવાજો, જે તેણીએ ઉઘાડયો તે એક બાગનો દરવાજો હતો તે બાગમાં દાખલ થઈ. તે દરવાજા પાછળ હું ઉભો રહ્યો કે તે મને જોય નહીં, તે એક મેદાનમા ત્યાંથી વટાવી ગઈ. તે રાત અંધારી હતી તેથી મારી આંખને ખેચેલી રાખવાની મને ફરજ પડતી હતી. છેવટે એક વનમાં તે દાખલ થઈ જે ઝાડીઓથી ભરાયેલું હતું. ત્યાં હું બીજે રસ્તેથી ગયો અને રસ્તાની કિનારી પર ઝાડીઓ હતી ત્યાં હું ભરાઈ બેઠો અને મને માલમ પડયું કે તે એક આદમી સાથે ચાલતી હતી. તેઓએ એક બીજા સાથે જે વાતચીત કીધી તે મેં ધ્યાન ધરી સાંભળી, રાણી બોલી કે મને તમારો આપેલો ઠપકો ઘટતો નથી કારણ કે મારાથી જેમ જલદી આવવાનું બન્યું તેમ હું આવી છું. તેનું કારણ મારા પ્યારા તમે ધણી સારી પેઠે જાણો છો અગરજો મારા તમારી ઉપરના પ્યારની સાબેતીથી તમે ધરાતા નહીં હોવો તો મને ફરમાવો કે જોઈએ તે હું તમને પહોચતું કરૂં, કારણ કે મારામાં કેટલી શક્તિ છે તેની તમને ખબર છે. જો તમારી મરજી હોય તો સુર્યોદય થાય નહીં એટલામાં આ સુંદર શહેર આ નામીચા મહેલો તથા બાગ બગીચા સર્વે બાળી ભસ્મ કરી નાખું કે તેમાં વરૂ, વનવગડા તથા કાગડા આવી વસે. તમો બોલો એટલીવારમાં આ જગતની બાંધણીનો ફેરફાર કરી જુદુ જ ડોળ તમને દેખાડી આપું. (ક્રમશ)
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

Latest posts by PT Reporter (see all)