કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ સરેાવર થયલું છે તે જગ્યા તરફ મારા બાપના રાજની રાજધાણી હતી. જેમ જેમ મારી વાર્તા કહેતો જઈશ તેમ તેમ તમને સમજ પડશે કે એ ફેરફારો કેમ થયા છે.

મારો બાપ સિતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. તેના ગુજરવાબાદ મેં નેકા કીધા. જેણીને મેં મારા રાજ્યની ભાગ્યણ કીધી તે મારી સગી હતી. તેણીના પ્યારની સાબેતી મેં જે તેની તરફથી મેળવી હતી તે ઉપર સંતોષ રાખવાને મારી પાસે પુરતા કારણો હતાં. મારો પ્યાર પણ તેની ઉપર કાંઈ ઓછો નહી હતો. અમારા એક બીજા સાથે લગ્ન થયા પછી પાંચ વર્ષ સુધી અમો એક બીજા સાથે સુખચેનથી રહ્યા હતાં. પણ તે મુદ્દતની આખરીએ મને માલમ પડ્યું કે મારી રાણી અને સગી આગળની પેઠે મને ચાહતી ન હતી.

એક દિવસે ભોજન કીધા પછી જ્યારે તે સ્નાન કરવા ગઈ ત્યારે મને આરામગાહમાં જવાનો શોખ થયો તેથી એક કોચ ઉપર હું સુતો. તે વેળા મારી રાણીની બે બાંદીઓ ઓરડામાં હતી તેથી એક મારા પગ આગળ અને બીજી મારા માથા આગળ આવી બેઠી અને પંખાથી પવન નાખવા લાગી કે મારી ઉપરથી માખોને ઉરાડી મેલે તે સાથે ઠંડા પવનની લેહેકી આવે તો મારી ઉંઘમાં ખલેલ પહોંચે નહી.

એ બાંદીઓએ મને ઉંઘમાં પડેલો જાણી એક બીજા સાથે ધીમેથી વાતો કરવા માંડી. પણ મેં મારી આંખો મિચેલી રાખી અને તેમની વાતચીત ધ્યાન દઈ સઘળી સાંભળી.

એક બાંદીએ બીજીને કહ્યું કે “આપણો પાદશાહ જે આટલો યારબાજ પુરૂષ છે તેને રાણી ચાહતી નથી એ શું અફસોસ કરવા જોગ નથી?” બીજી બાંદી બોલી “અલબતાં એમજ છે અને મને સમજ પડતી નથી કે તેને એકલો મેલી દરરોજ રાતને સમે તે શા સારૂં બહાર જતી રહેછે? શું તે શાહને માલમ પડતું નથી?  પેહેલી બાંદી બોલી કે “તેને તે કેમ ખબર પડે? કારણ કે દર રાત્રે બહાર જતી વેળા તે રાણી રાજાને કાંઈ વનસ્પતિનો રસ દોહીને પાયછે કે જેની કેફથી તે એટલોતો ચકચૂર થાયછ કે આખ્ખી રાત એક મડદાની પેઠે સુઈ રહેછે; અને તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે.

આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે તમે પોતે વિચારી લેજો. તો પણ જે ગમ મારા દિલમાં ઉત્પન્ન થયો તે દાબી નાખવાની પૂરતી તાકાત હું ધરાવતો હતો. જાણે હું ઉંઘમાંથી બેદાર થયો હોવું તેમ હું જાગી  ઉઠ્યો અને તે વાતનો એક શબ્દ પણ સાંભળ્યો ન હોય એમ જાહેરમાં દેખાડ્યું.

તેટલામાં રાણી હમામખાનામાંથી પાછી આવી. અમે રાતનું ખાણું સાથે ખાધું અને જ્યારે આરામગાહમાં જવાનો વખત થયો ત્યારે ત્યાં ગયા આગમચ તેણીએ પાણીનું એક પ્યાલુ મને પીવા માટે પ્યારથી આપ્યું. પણ તે પીધા વગર, આગળ એક બારી ઉઘાડી હતી તે વાટે તે જોય નહી એવી રીતે મેં બહાર નાખી દીધું. પછી તે પ્યાલું તેને પાછી આપ્યું કે તે જાણે કે મેં તે માહેલું પાણી પીધું હોય. આ પછી અમે સુવા ગયાં. થોડો વખત રહી રાણીએ સદાની પેઠે થાર્યું કે હું ભર ઉંઘમાં પડેલો હોઈશ તેથી કાંઈ પણ સાવચેતી રાખ્યા વિના ઉઠી ઉભી થઈ અને મોટે અવાજે બોલી કે “તું ઉંઘ અને હું ઈચ્છું છું કે તે ઉંઘમાંથી કદીપણ પાછો ઉઠતો ના.”

તેણીએ પોતાનો લેબાશ પહેર્યો અને ઓરડામાંથી જલદીથી બહાર ગઈ.

(ક્રમશ)

Leave a Reply

*