કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તેણી પોતાના ઓરડામાં જઈ બેઠી અને એક દુખ્યારી સ્ત્રીનો અવતાર ધરી એક આખુ વર્ષ પોતાના યારના મરણને માટે શોક અને રૂદનમાં કાઢયું. તે મુદત ગુજરવા બાદ મહેલની વચ્ચોવચમાં એક કબરસ્તાન બાંધવાની મારી રજા માગી કે તેમાં તેના બાકીના દીવસો ગુજારે. મે તેણીની અરજ પણ ના પાડી નહીં. તેણીએ ત્યાં એક ભપકાદાર મહેલ બાંધ્યો તેની ઉપર એક ગુંબજ ઉભો કીધો કે જે આ જગ્યા આગળથી દેખાય છે. તે મહેલનું નામ તેણીએ માહતમ મહેલ રાખ્યું.
જ્યારે તે મહેલ તૈયાર થયો ત્યારે તેના યારને ત્યાં લાવી રાખ્યો. જે રાત્રે મે તે નાપાકને જખ્મી કીધો હતો ત્યાર પછી તેને કોઈ બીજી જગ્યાએ રાખ્યો હતો અને તે મકાન બંધ કીધુ હતું. એક જાતની દવા પીવાની આપ્યાથી તેની હૈયાતીનો ચેરાગ તેણીએ રોશન રાખ્યો હતો અને તે મકાન બંધ કીધુ હતું. તે દવા રોજ પોતાને હાથે આપતી હતી અને માહેતમ મહેલમાં લઈ જવા પછી પણ તેને તે દવા આપવાનું જારી રાખ્યું હતું.
તેણીએ ચલાવેલા જાદુથી તેના યારને કાંઈ પણ ફાયદો થયો નહીં, કારણ કે તેના યારથી ન ચલાઈ શકાય કે ન ઉભું રહી શકાય, કે નહીં બોલી શકાય તે તદ્દન અશક્ત થયો હતો. તેના ડોળા ઉપરથી જ જણાતું હતું કે તેની ઘાટીમાં કાંઈ દમ નથી. જો કે તે રાણીને એટલો જ દિલાસો મળતો કે તેને જોવા પામતી અને પોતાના તેની ઉપર દોડતા પ્યારના જોરથી જેટલાબી મિઠાશદાર શબ્દોથી તેને દિલાસો અપાય તેમ તે આપી અને દિવસમાં બે વાર તેની મુલાકાત લેતી. એ બનાવથી હું સારી પેઠે વાકેફ હતો પણ હું જાણે જાણતો નહીં હોવું તેવું ડોળ ઘાલતો હતો.
હું ગુસ્સાનો માર્યો એક દિવસ તે રૂદન મહેલમાં ગયો કે જોવું તો ખરો કે મારી રાણી ત્યાં પોતાનો વખત શી રીતે ગુજારે છે? જે જગ્યાથી મને દેખાય તથા સંભળાય તેવી જગાએ હું ભરાઈ બેઠો. ત્યાં તેણીને પોતાના યારને આ રીતે કહેતો મેં સાંભળી, ઓ પ્યારા! આ અવસ્થામાં તને જોઈને મને કેટલું દુ:ખ પેદા થાય છે! તું જે જે દુ:ખ ખમે છે તેમાં મારો ભાગ ચાલુ જ છે પણ મારા જીગરના હાર! હું તારી સાથે હમેશ બોલ્યા કરૂ છું તો પણ તું મને એક પણ જવાબ દેતોે નથી! એ પ્રમાણે દુ:ખ ઉપજાવનારી રીતે તું કયાં સુધી ચુપકીદી અખત્યાર કરી રહેશે? એક વાર તો તુ બોલ! જો તારો એક મીઠો શબ્દ હું સાંભળીશ તો હું સંતોષ પામીશ. અફસોસ! જે વખત તારી સાથે હું ગુજારૂં છું અને તારા દુ:ખને ટાળવાની જે કોશેશ કરૂં છું તે હું મારે મનસે ઘણો જ સુખ ભરેલો ભવ ભોગવું છું. તારાથી વેગળા મારાથી રહેવાતુ નથી અને આખી જગતનું રાજ્ય મેળવી જેટલી ખુશાલી હાંસલ કરૂં તે કરતા તારી સંગતમાં રહ્યાથી મનેે વધારે ખુશાલી પેદા થાય છે.
(ક્રમશ)

Leave a Reply

*