કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

જો તેની ઉપરથી જાદુઈની અસર તે કાઢી નાખી હતે તો આજ સુધીમાં હું સાજો થઈ મારી જબાન વાપરી શકે. ઓ જાદુગર! મેં જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો મૂળ સબબ એજછે.’ ત્યારે તે જાદુગર રાણીએ કહ્યું કે ‘તારી મરજી રાખવા માટે તું એ બાબમાં જેમ ફરમાવે તેમ કરવાને હું તૈયાર છું. શું તારી મરજી એમ છે કે તેને તેના આગલા અવતારમાં પાછો લાવું!’ સુલતાને કહ્યું ‘હા! તું જલદી જઈને તેને આઝાદ કર કે મારી ઉંઘને ખલલ પહોંચે નહીં.’
રાણી શિતાબીથી ‘માહેતમ મહેલ’માંથી બહાર ગઈ અને પોતા સાથે પાણીનું એક વાસણ લઈ તે ઉપર કાંઈ મંત્ર ભણી જેથી તે પાણી ગોયા આતશ પર મેલેલું હોય તેમ ઉકલવા લાગ્યું પછી જે ઓરડામાં તેણીનો ખાવિંદ પડેલો હતો ત્યાં તે ગઈ અને તેના બદન પર તે પાણી છાટી બોલી કે ‘અગરજો આ અવતાર તને ખોદાએ આપ્યો હોય અથવા ખોદા તારી ઉપર ખફા હોય તો હાલ તું જે હાલતમાં છે તેમનો તેમ જ રહેજે, અગરજો મારી જાદુની ખુબીથી તું જો એ અવતાર પામ્યો હોય તો તું તારી અસલ હાલતમાં પાછો આવ અને આગળ જેવો હતો તેવો પાછો બની જા.’ એ શબ્દો સાંભળતાને વાર તે શાહજાદો પોતાના આગલા આકારમાં આવ્યાથી ઘણી જ ખુશાલી સાથ ઉઠયો અને ખોદાના હજારો શુકરાના કરવા લાગ્યો. ત્યારે તે રાણીએ પોતાના ખાવિંદને કહ્યું કે ‘જલ્દીથી આ મહેલમાંથી બાહેર જા અને કદીપણ અત્રે પાછો ફરતો ના, નહીં તો તું તારો જાન ખોહી બેસશે.’ તે જવાન શાહજાદો પોતાના કિસમતને તાબે થયો અને એક હરફ પણ બોલ્યા વગર તે નાપાક રાણી આગળથી જતો રહ્યો. તે કોઈ છુપી જગાએ ભરાઈ બેઠો અને સુલતાનની ગોઠવણ જેની પહેલી ફત્તેહમંદીમાં તેનો છુટક થયો તે ગોઠવણ પુરતી રીતે પાર પડેલી જોવાની રાહ જોવા લાગ્યો.
પેલી જાદુગર આવી ‘માહેતમ મેહલ’ તરફ પાછી ગઈ અને પોતાના યારની જગાએ સુલતાન ભરાઈ સુતેલો હતો તેને કહેવા લાગી કે ‘મારા પ્યારા! તે જે મને ફરમાવ્યું હતું તે કામ મેં કીધું છે. માટે તું હવે ઉઠી ઉભો થઈ જે સુખ તે મારી પાસેથી આટલી લાંબી મુદત થઈ છિનવી લીધું છે તે મને પાછું આપવાને હવે તો તમને કશો વાંધો નથી?’ સુલતાન સિધિઓની ભાષાની નકલ કરી સખત શબ્દોથી બોલ્યો કે ‘તે જે હાલ કામ કીધું છે તે મારા આરામને માટે બસ નથી. જે ખામી તે કીધી છે તેનો હજુ તો થોડોજ ભાગ તે સુધાર્યો છે પણ તું હવે મુળથી સુધારો કર!’ તેણીએ પછયું કે ‘મારા પ્યારા આશનાવ તમો જે કહો છે તેનો અર્થ શું છે.’ સુલતાને કહ્યું કે ‘અર્થ શું હોય? હું એમ કહેવા માંગુ છું કે આ શહેર અને તેના રહેવાસીઓ તથા ચાર નાના બેટો, જે તે તારી જાદુઈથી બરબાદ કીધા છે તે યાદ કર! દરરોજ મધરાત્રને સમયે તે તળાવમાંથી માછલા પોતાના ડોકા બાહેર કાઢી આપણ બન્ને પર વેર લેવાના પોકારો મારે છે. આટલી લાંબી મુદત સુધી મને આરામ થયો નથી તેનો બીજો ખરેખરો સબબ એજ છે, તેથી હવે પુરે પુરે સુધારો કરી જે તારી જાદુઈથી નાશકારક ફેરફાર તે કરી નાખ્યો છે તેને પાછો અસલ માફક કરી નાખવાને જરાબી વખત ના લગાડ અને સર્વે સમાધાન કરી નાખી જ્યારે તું પાછી આવશે ત્યારે હું તને મારો હાથ આપીશ કે તું તારી મદદથી મને ઉઠાડી ઉભો કરજે.’ તે જાદુગર રાણી આ શબ્દોથી ઘણી આશાવંત થઈ તે ઉલટમાં આવી ખુશી થતી બોલી કે ‘ઓ મારા જીગરના હાર! તમો જલદીથી તમારી તંદુરસ્તી પાછી પામશો કારણ કે તમે જે ફરમાવ્યું છે તે હું જલદી જઈને પાર પાડી આવું છું.’
(ક્રમશ)

Leave a Reply

*