કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

ખરેખર તેજ ઘડીએ તે ગઈ અને જ્યારે તે તળાવના કિનારા ઉપર આવી પહોચી ત્યારે તેણીએ પોતાના હાથમાં થોડું પાણી લઈ આસપાસ છાટયું તથા તેની સાથે કાઈ મંત્ર ભણી જેથી તે શહેર પાછું સજીવન થયું તે તળાવ માહેલા માછલા આદમીઓ, સ્ત્રીઓ, અને બાળકો બની જયા જે મુસલમાન હતા તે મુસલમાન દેખાયા જે કિશ્ર્ચિયન હતા તે ક્રિશ્ર્ચિયન થયા અને જે ઈરાની હતા તે પણ તેવાજ બની ગયા. ગુલામો તથા આઝાદ લોકો બહાર નીકળ્યા. ટૂંકમાં જેવા લોગો આગળ હતા તેવાંજ સર્વ થઈ ગયા. ઘરો તથા દુકાનો આગળની પેઠે વસ્તીથી ભરાઈ ગઈ! તેઓ જોય શું કે પેલી રાણીની જાદુઈ અસરથી કાંઈ પણ ફેરવાયું ન હોય એમ તેમને લાગ્યું, સુલતાનના અમલદારો તથા બીજા અમલદારોએ જ્યાં છાવણી કીધી હતી ત્યાં એ રચનાભરેલું અને આબદ શહેર નિકળી આવેલું જોઈ તેઓ ઘણાજ અજબ થયા.
પણ હવે તે જાદુગર ભણી આપણ પાછા ફર્યે. આ ઉપર કહેલો ફેરફાર કરવા પછી માહેતમ મહેલમાં પોતાની મહેનતનું ફળ ચાખવા તેણી પાછી ફરી. તે ત્યાં દાખલ થતાં વાર બોલી કે ‘મારા પ્યારા ખાવિંદ! તમારી નવેસરથી તાજી થયેલી જીંદગીના સુખમાં ભાગ લેવાને હું પાછી ફરી છું કારણ કે જે કાંઈ તમે મને ફરમાવ્યું તે મેં બજાવ્યું છે માટે ઉઠો અને તમારો હાથ મને આપો.’ સિધિ જેવી ઢપ પકડી રાખી તે સુલતાન બોલ્યો ‘ત્યારે મારી આગળ આવ.’ તે પ્રમાણે તેણીએ કીધું. તે બોલ્યો કે હજુ નજદીક આવ.’ તેમજ તેણીએ કીધું. જેવી તેણી લગોલગ આવી તેવોજ તે જલદીથી ઉઠયો અને એટલી તો ઝડપથી તેણે તેણીના હાથ પકડી લીધા કે કાંઈ પણ વિચાર કરવાને તેણીને તક મળી નહીં. સુલતાને પોતાની તલવારના ફટકાથી તે જાદુગર રાણીના બે ફાડચા કરી નાખ્યા અને તે દરેક ભાગ સામ સામે ફેકયા. એટલું કામ કીધા પછી જ્યાં તે મડદું પડેલું હતું ત્યાં રહેવા દઈ કાળા ટાપુઓના શાહને તે શોધવા નીકળ્યો. તે જવાન શાહ તેની રાહ જોતો બેઠો હતો. તેને બગલગીરી કરીને કહ્યું કે ‘શાહજાદા! તમે ખુશી થાઓ! હવે તમારે કાંઈપણ પ્રકારની ધાસ્તી રાખવી નહીં કારણકે તમારી કરપીણ શત્રુનો મેં નાશ કરી નાખ્યો છે.’ તે જવાન શાહજાદાએ સુલતાનનો ઉપકાર એવી રીતથી માન્યો કે જે ઉપરથી સાબેત થયું કે તેના દિલમાં ઉપકાર ઘણોજ મજબુતીથી ઠસી બેઠેલોે હતો અને તેના છુટકારો કરનારે તેની આવી નોકરી બજાવી તેના બદલામાં તેની ઉમરદરાજી તથા આબાદાની તેણે ચાહી. સુલતાને જવાબ દીધો કે ‘તમો પણ તમારી રાજધાનીમાં સુખ અને શાંતિથી લાંબી જીંદગી ભોગવતા રહો અને અગરજો તમો મારી રાજધાની જે કાંઈ દૂર નથી, ત્યાં આવવાની મરજી દેખાડશો તો હુ તમને દીલો જાની ભર્યો આવકાર આપશ.
(ક્રમશ)

Leave a Reply

*