ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

પહેલી સ્ત્રી તથા પહેલકરી તે હવેલીમાં દાખલ થયાં પછી બીજી સ્ત્રી કે જેણીએ બારણું ઉઘાડયું હતું તે તેણીએ બંધ કીધું. તે ત્રણે આસામીઓ આગળ ચાલતા તે હેલકરીન માલમ પડયું કે પહેલા તો શોભીતી બાંધણીની દેવડી તેઓએ પસાર કીધી અને ત્યાંથી એક કુશાદે ચોક મુકી તેઓ આગળ ચાલ્યા. તે ચોકની આસપાસ ખુલ્લી ગેલરી હતી અને તે ગેલરી ઉપરથી ઘણાક મોટા અને ભપકાદાર ઓરડામાં જવાઈ શકાય તેવી હતી. એ ચોકને નાકે એક સુંદર દિવાનખાનું બનાવેલું હતું અને તેની વચ્ચોવચમાં કેરબાનું એક તખ્ત મેલેલું હતું. અને તે તખ્ત અબનુસના લાકડાં પર ઉભું કીધેલું હતું. તેના થાંભો ઉપર મોટા મોટા હીરા તથા મોતી જડેલા અને તેની ઉપર લાલ સાટીનની સોનેરી કોરની ચાદર પાથરેલી હતી.
જો કે તે હેલકરીને માથે ભારી બોજો હતો તો પણ તે મહેલની દબદબા ભરેલી રચના તથા તે મધેની સઘળી ચીજોની ગોઠવણ તથા સફાઈ જોવાથી તથા તેની તારીફ કરવાથી તે અટકયો ન હતો. આ વખતે વળી તેની નજર એક ત્રીજી સ્ત્રી તરફ ખેંચાઈ. તે પહેલી બન્ને કરતાં પણ વધારે સુંદર હતી અને તે કેરબાના તખત પર બેઠેલી હતી. બીજી બે સ્ત્રીઓને જોતાંવાર તે તખત પરથી ઉતરી પડી અને તેઓની તરફ ગઈ. પડેલી બે સ્ત્રીના દેખાવ તથા ચળકાટ જોઈ તે હેલકરીએ ધાર્યુ કે તે ત્રણે સ્ત્રીઓમાં તખત પરથી ઉતરી આવેલી સ્ત્રી વધારે મોભાદાર હતી અને તેની ધારણા કઈ ખોટી ન હતી. એ છેલ્લી સ્ત્રીનું નામ ઝોબીદા કરીને હતું. બીજીનું નામ સફીયા અને ત્રીજીનું નામ અમીના કરી હતું.
ઝોબીદા તેઓની આગળ આવી કહેવા લાગી કે ‘મારી પ્યારી બેનો તમે જોતાં નથી કે આ ગરીબ આદમી પોતાના બોજા તળે લગભગ દબાઈ જાય છે માટે એને જવા કાં નથી દેતા?’ અમીના અને સફીયા બન્ને જણે પોતાને હાથે તે ટોપલો ઉતારવા માંડયો પણ તે ઘણોજ ભારી હોવાથી ઝોબીદાએ પણ મદદ કરી ત્યારેજ તે ટોપલો ત્રણે જણાંની મદદથી ઉતારી ભોય પર મેલી શકયા. ત્યાર પછી તે ખાલી કરવા માંડયો તે ખાલી કીધા પછી અમીનાએ પોતાની પાસેથી એક થેલી કાઢી તેમાંથી તે હેલકરીને એટલા પૈસા આપ્યા કે તે ઘણોજ ખુશી થયો અને તે ત્યાંથી જવા માટે પોતાનો ટોપલો ઉંચકતો હતો પણ ત્યાંથી જવાની તેની મરજી ન હતી કારણ કે તે પેલી ત્રણ ખુબસુરત બાનુઓને જોઈ ઘણોજ ખુશી થયો હતો. વળી તે ઘરમાં એક પણ મરદ ન જોવામાં આવ્યાથી તે વધારે ગજબ થયો હતો અને તે સાથે બજારમાંથી જે સુકો મેવો કે મિઠાઈ તે ઉચકી લાવ્યો હતો તે ખોરાક જે લોકો દારૂ પીનારા અને ઉચા ખોરાક ખાનારા હોય તેઓને લાયકનો હતો.
(ક્રમશ)

Leave a Reply

*