ઘડપણનો સાચો સહારો કોણ?

આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણમાં સહારો રહે.
દીકરો ઘરમાં વહુ લાવે છે, વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે અને પછી પત્ની આ જવાબદારી નિભાવતા નિભાવતા પોતાના ઘરડા સાસુ સસરાનો ઘડપણનો સહારો બની જતી હોય છે. ખાસ કરીને સમાજના દરેક ઘરમાં મોટાભાગે આવું જ જોવા મળતું હોય છે. અમુક ઘર અપવાદ પણ હોય છે. પરંતુ મોટાભાગે આ બધે જ જોવા મળે છે.
એક વહુ ને પોતાના સાસુ-સસરાની આખી દિનચર્યા ખબર હોય છે. જેમકે સસરા કેવી ચા પીવે છે સાસુ ને ક્યારે ચા પીવાની આદત છે, સાસુ ને કેવી ચા ભાવે છે, સસરાને ખાવામાં શું પ્રતિબંધિત છે, આખા ઘરમાં દરેક લોકોને શું ભાવે છે શું નથી ભાવતું, સવારે શું નાસ્તામાં બનાવવું છે, બપોરે શું જમવાનું છે. અને રાત્રે દરેક લોકો સાથે એક સમય મર્યાદા પહેલા જમવાનું તૈયાર કરી લેવાનું છે આ બધી વસ્તુઓ ધ્યાન એક વહુ રાખતી હોય છે.
જો સાસુ અને સસરા બીમાર પડી જાય તો તે તેની દેખભાળ કરે છે. ભલે એ પછી પૂરા મનથી કરે કે નહીં પરંતુ તેની દેખભાળ તે જ કરતી હોય છે. જો એક દિવસ માટે પણ વહુ ક્યાંય બહાર ગઈ હોય તો તેની સૌથી વધારે અસર સાસુ-સસરા ઉપર પડે છે કારણકે તેઓને તો એવું જ લાગે છે કે જાણે તેની લાકડી કોઈએ છીનવી લીધી હોય.
ચા નાસ્તાથી માંડીને સમયસર દવા લેતી વખતે કે જમતી વખતે વહુને અચૂક યાદ કરે છે. કારણકે વહુ એક દિવસ પણ ન હોય તો જાણે તેઓનો સમય અસ્તવ્યસ્ત થઈ જાય છે, એ વાતમાં કોઇ શંકા નથી કે દીકરો પણ તેના માતા-પિતાનું ખુબ જ ધ્યાન રાખે છે. પરંતુ ઘરની જવાબદારી વહુ ને માથે હોવાથી અમુક નાની નાની વસ્તુઓ દીકરાને પણ ખબર હોતી નથી અને પાછું દીકરાને પણ કામ ધંધામાંથી સમય મળે ત્યારે જ તે માતા-પિતાને સમય આપી શકે છે, આપણા સમાજમાં એવી વહુઓ પણ જોવા મળે છે જે પોતાના સાસુ-સસરાની સેવા કરવાનું ટાળતી હોય છે અને એવી પણ વહુ જોવા મળે છે જે કોઈપણ પ્રકારની બિમારીમાં સાચા ભાવથી સેવા કરે છે. હવે તમે જ નકકી કરો ઘડપણનો સાચો સહારો કોણ?
– ગુજ્જુ ટીમ

Leave a Reply

*