ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં પણ દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે.
વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે. જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ કાર્યો વર્જિત થઈ જાય છે એટલે કે શુભ કાર્યો થઈ શકતા નથી.
આ જ રીતે સૂર્યના ધનુ અને મીન રાશિમાં જવાથી પણ લગ્ન જેવા શુભ કાર્ય થતા નથી.
ધાર્મિક માન્યતાઓ મુજબ મકર સંક્રાતિના દિવસથી બધા માંગલિક કાર્ય ફરીથી શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે મકર સંક્રાતિ 14 અથવા 15 તારીખે ઉજવાય છે.
જ્યારે પણ સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યારે સંક્રાતિ ઉજવાય છે. આ રીતે વર્ષમાં 12 સંક્રાતિ આવે છે. પણ બધી સંક્રાતિઓમાંથી મકર સંક્રાતિનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ મકર સંક્રાતિના દિવસે જ સૂર્ય ભગવાન ઉત્તરાયણ થઈ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થતા જ દિવસ મોટા અને રાત નાની થવી શરૂ થઈ જાય છે. મકર સંક્રાતિ આમ તો દરેક રાશિ માટે ફળદાયક હોય છે પણ મકર અને કર્ક રાશિ માટે આ વધુ લાભદાયક છે. આ દિવસે આપણે તલની ચીકી અને ગોળથી બનેલી મીઠાઈઓ ખાઈએ છીએ તેની પાછળ પણ આયુર્વેદિક કારણ છે.તલ ગોળથી બનેલી મીઠાઈ ખાવાથી શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. શિયાળામાં આ બધી વસ્તુઓ ખાવાથી શરીરની અંદર ગરમી પણ
વધે છે.
ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહીએ છીએ કારણ કે આ તહેવાર દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે. મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે. કારણકે આ તહેવારમાં પતંગને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. મકરસંક્રાતિને દિવસે લોકો છાપરે, ટેરેસ પર ચઢીને પતંગ ઉડાવે છે. સાથે તલના લાડુની જયાફત પણ ઉડાવે છે. આ તહેવાર શહેરો કરતા ગામમાં વધારે ઉજવવામાં આવે છે. અને ગામ વિસ્તારમાં ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવાની મજાજ કંઈ ઓર હોય છે. બાળકોના આનંદની તો કોઈ સીમા જ નથી હોતી !
પતંગો મુક્તઆકાશમાં ઉડતી, સરસરાતી, લહેરાતી, ગુંલાટો મારતી, સુંદર, સજીલી પતંગો, કેટલાય રંગોની પતંગો, આકશમાં ઉડતા જોવાની મજા જ કંઈ ઓર છે. જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ પતંગ ઉડાવવાનો જોશ વધતો જાય છે. થોડુક અંધારુ થાય કે પતંગ સાથે તુક્કલ બાંધી દેવામાં આવે, આ દ્રશ્ય બહુ જ રમણીય લાગે છે. એવુ લાગે છે કે જાણે ખુલ્લા આકાશમાં દીવાઓ ઉડી રહ્યા છે.
ગુજરાતમાં લોકો ડિસેમ્બરથી મકરસંક્રાંતિ સુધી ઊંધિયું, ગજક અને ચિકી જેવી ગોળની બનાવેલી વાનગીની મજા માણે છે.
મહારાષ્ટ્રમાં લોકો મકરસંક્રાંતિના દિવસે પુરણ પોળી અને તલ અને ગોળના લાડુ બનાવી એકબીજાને આપે છે ‘તીળગુળ ધ્યા ની ગોડ ગોડ બોલા’ એવું બોલે છે. એટલે કે તિલગુળ લો અને મીઠું મીઠું બોલો, એમ કહે છે. તિલ-ગુળ વહેંચવા પાછળ એવું કહેવાનું હોય છે કે ભૂતકાળની કડવી ભાવના અને જૂનો ઝઘડો ભૂલી જાઓ અને મીઠું બોલો.
આ ઉત્સવ પાછળની કથા એવી છે કે સંકરાસુર નામનો એક રાક્ષસ બહુ ઘાતકી હતો અને એણે લોકોની સતામણી અને હત્યા કરવા માંડી હતી. સંકરાસુરનો વધ કરવા માટે સંક્રાતિ નામનાં દેવી પૃથ્વી પર પ્રગટ થયા અને સંકરાસુરનો નાશ કર્યો. સંકરાસુરના પતનની ઉજવણી કરવા લોકોએ સંક્રાંતિનો ઉત્સવ શરૂ કર્યો હતો.
આ તહેવારમાં મરાઠી સ્ત્રીઓ ‘હલ્દીકૂંકુ’ કરે છે અને બધા સાથે મળી એકબીજાને હળદ કંકુનો ચાંદલો કરી ભેટ સ્વરૂપ કંઈ વસ્તુઓ આપે છે.
આ પ્રસંગે મહિલાઓ ખાસ કરીને કાળી સાડી અથવા કાળા રંગનો પોશાક પહેરે છે. કાળો રંગ જે શિયાળાની મોસમ એની પરાકાષ્ઠાએ હોય છે ત્યારે સંક્રાંતિ આવે છે અને કાળાશ જળવાઈ રહે છે ને ગરમી શોષી લે છે, જેને પગલે ગરમાવો રહેવામાં મદદ થાય છે.
ભારતીયો માટે પણ મકરસંક્રાતિ બહુ પવિત્ર દિવસ છે અને લગભગ આખા ભારતમાં ધાર્મિકતાથી અસંખ્ય સાંસ્કૃતિક પ્રકારે તેની ઉજવણી કરવામાં આવે છે.
ભારતના દક્ષિણના પ્રદેશોમાં મકરસંક્રાંતિ ભપકાભેર ઊજવવામાં આવે છે.
તામિલનાડુમાં પોંગલ અને કર્ણાટકમાં એને સંક્રાંતિ કહે છે, પંજાબમાં માઘીના નામે ઓળખવામાં આવે છે.
મકરસંક્રાંતિ, દેવી સરસ્વતીને સન્માનવા, આરાધવા અને આદર આપવા માટેનું પણ પર્વ છે. આ મહત્ત્વના પ્રસંગના આરંભે વડવાઓને પ્રાર્થના કરાય છે. અંધકાર, અજ્ઞાન અને મોટા પ્રમાણના શોક-દુ:ખ દૂર કરી સુખ, શાંતિ અને સમૃધ્ધિ આપે છે મકર સંક્રાંતિ!

Leave a Reply

*