ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે લખનાર કહે છે કે ‘જે લોકો નાદાન હોય તેઓથી તમારા ભેદની વાત તદ્દન છુપી રાખજો, કારણ કે તેવા લોકો તમારા ભેદની વાત મને કહો તો એમજ જાણજો કે તે ભેદની વાત એક તિજોરીમાં બંધ કીદી છે પણ તેની કુંચી ખોવાઈ ગઈ છે અથવા તો તેના બારણા ઉપર મોહર કીધી છે.’
ઝોબીદાએ જોયું કે તે હેલકરી હુશ્યારીમાં કાંઈ કમ નથી, પણ તેણીએ વિચાર કીધો કે કદાચ તેઓ જે જ્યાફત કરનાર છે તેમાં સામેલ થવાની તેની મરજી હશે તેથી હસવામાં તેણીએ જવાબ દીધો જે ‘તને ખબર છે કે અમો આજ રોજે મેજબાની કરનાર છીએ અને તે સાથે તને વળી જાણવું જોઈયે છે કે તે કામમાં મોટો ખરચ કરવો પડે ચે માટે જમણમાં તું સામેલ થાય અને તેના ખરચમાં તારો ભાગ નહીં રાખે તે તો કાંઈ વાજબી કહેવાય નહીં!’ તેની બહેન સફીયનો પણ એવો જ વિચાર હતો. તે બોલી કે ‘મારા મિત્ર તે આ સાધારણ કહેવત કદી સાંભળી નથી શું? કે ‘તું ભરેલે હાથે આવશે તો ભરેલે હાથે પાછો ફરશે જો તું ખાલી હાથે આવશે તો ખાલી હાથે પાછો ફરશે.
અગરજો અમીના વચ્ચે પડી તેનો નીભાવ કરતે નહીં તો તે હેલકરીને ત્યાંથી આનાકાની સાથે પાછું ફરવું પડતે તેણીએ તેનો પક્ષ ખેંચી કહ્યું કે ‘મારી વહાલી બહેનો હું તમને વિનંતી કરી કહું છું કે આ હેલકરીને જવાના દો! મને તમને કહેવાની કશી જરૂર નથી કે તેનાથી આપણને રમુજ મળો કારણ કે તે એક રમુજી આદમી છે. હું તમને ખાતરીથી કહુ છુ કે અગરજો એ આદમી મારી સાથે ઝડપથી ચાલાકીથી તથા હિંમત ધરી આવ્યો ન હતે તો એટલા ટૂંક વખતમાં આ મોટી બજાર લાવવાનું કામ હું પાર પાડી શકતે નહીં. વળી બજાર લેતા રસ્તામાં તેણે મારી આગળ એટલી તો રમુજી વાતો કીધી છે કે અગરજો હું તે તમારી આગળ કહું તો તે સાંભળી ખચ્ચીત તમો કહેશો કે હું તેનો પક્ષ ખેંચી બોલું છું, તેમાં નવાઈ જેવું કાંઈ નથી.
અમીનાનું આ ભાષણ સાંભળી તે હેલકરી એટલો તો કુશાલી ભરેલા હરખમાં આવ્યો કે અમીનાના પગ આગળ જમીન પર પોતાનું સર નાકી જમીનને બોસા દેવા લાગ્યો અને ઉભો થઈ બોલ્યો કે ‘અરે નેકબખ્ત બાનુ! આજ રોજે મારા સુખનો પાયો તમે નાખ્યો છે, તેમજ મારો પક્ષ ખેંચી તે સુખમાં અતિઘણો વધારો કીધો છે કે જે વિશે તમારૂં હેશાન પુરતા શબ્દોથી હું માની શકતો નથી.’ ત્યારબાદ તે ત્રણે બહેનોના તરફ જોઈ તે બોલ્યો કે ‘બાનુઓ! તમો ધારશો ના કે તમે જે આ વેળા મને માન આપ્યું ચે તે હું ગેરરીતે વાપરીશ અથવા હું એમ ધારીશ કે ઈન્સાન તરીકે એવા માનને હું લાયક છું તેથી એ માન મને મળ્યું છે પણ તેથી ઉલટુ હું સદાનો તમારો ગુલામ છું એમ જાણીશ.’ એટલું બોલીને તેને મળેલા પૈસા તેમને પાછા આપવા માંડયા પણ ગંભીર ઝોબીદાએ તેને પરમાવ્યું કે તારી પાસે રહેવા દે.
(ક્રમશ)

Leave a Reply

*