ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સફીય બોલી કે ‘એની માગણી વાજબી છે એમ મારી પતીજ થઈ છે. એણે પુરતી રીતે આપણને ગમત આપી છે તેથી તમો જો મને ચાહતા હોવો તો એને આજની રાત આપણી સાથે રાખો!’ ઝોબીદાએ જવાબ દીધો કે, ‘પ્યારી બહેન! તમારી કાંઈપણ વાત કબુલ રાખ્યા વગર અમો જવા દેનાર નથી.’ તેણીએ પછી તે હેલકરી તરફ જોઈને કહ્યું કે ‘આ તારી અરજ કબુલ રાખવાને અમો ખુશી છીએ. પણ તે એક બીજીજ સરતથી કે તારી હજુર તારે લગતું અથવા હરેક બીજી ચીજને લગતું અમો કાંઈ પણ કામ કર્યે, તે વિશે તું અમને કાંઈ પણ સવાલ પુછે નહીં! કારણ જેમાં તને કાંઈ લાગેવળગે નહીં તેમાં તું જો સવાલ પુછશે તો તને કંઈ અણગમતું સાંભળવું પડશે, તેથી સંભાળ રાખજે અને હરેક કામમાં અમારી મતલબ જાણવાની તજવિજ કરવા માટે લેશ પણ આતુરમંદ રહેતો ના!’
તે હલકરીએ જવાબ દીધો જે ‘મહેરબાન બાનુ! આ તમારી સઘળી સરતો હું એટલી તો ચોકસાઈથી પાળવાને કબુલ થાવું છું કે તેમાની એક પણ સરત મેં તોડી એમ ફરિયાદ કરવાનો અથવા ઠપકો દેવાનો સબબ હું તમને આપીશ નહીં. મારી જબાનને હું હાલવીશ નહીં અને મારી આંખો એવી રીતે વાપરીશ કે જે ચીજોનું પ્રતિબિંબ તેની ઉપર પડશે તે હું યાદ રાખીશ નહીં.’ ઝોબીદા બોલી કે ‘અમારે ત્યાં શું થાય છે તે જોવા અથવા સાંભળવાની મનાઈને માટે આ દરવાજાના મથાલા ઉપર સુનેરી હરફે જે કોતરેલું છે તે વાંચી જો!’ તેમાં કોતરેલું હતું કે ‘જેને જે વાત લગતી ન હોય તે વિશે તે વાત કરે તેને વારંવાર એવું સાંભળવું પડે છે કે જે તેને અણગમતું થઈ પડે છે.’ આ લેખ વાંચીને તે પાછો આવ્યો અને તે ત્રણે બહેનોને કહેવા લાગ્યો કે ‘બાનુઓ! હું કસમ લઈને કહું છું કે જે કોઈપણ ચીજ જેની સાથે મને લાગેવળગે નહીં પણ તમારે લાગતું વળગતું હોય તે વિશે તમો મારે મોઢેથી એક શબ્દ પણ સાંભળશો નહીં.’
આ બાબત નકકી થયા પછી અમીના ખાણું લાવી. ભાતભાતની ખુશબોની મેલવણી કીધેલી મોમબત્તી સળગાવ્યાથી તે ઓરડામાં ભપકાદાર રોશની થઈ એટલુંજ નહીં પણ તે બળતી બત્તીમાંથી ઘણીજ દિલપસંદ ખુશબો નીકળતી હતી. એટલું કામ બજાવી અમીના પોતાની બહેનો તથા તે હેલકરી સાથે જમવા બેઠી. તેઓએ ખાવી, પીવા, ગાયન ગાવા તથા બેતો કહી સંભળાવવાનું કામ ચલાવ્યું. તે બાનુઓએ પોતાની સલામતી લેવડાવાને બહાને પુષ્કળ શરાબ પાઈને તે હેલકરીને છાકટો બનાવી મેલ્યો. હસાહસ અને મજાક મશ્કરીમાં કાંઈપણ ખામી હતી નહીં. તેઓ તે હેલકરીની મોજમજાહ કરવાની હદ પણ કુદાવી આવ્યા હતા. તેટલા તે મકાનનું બારણું ઠોકવાનો અવાજ તેઓના કાનપર પડયો.
(ક્રમશ)

Leave a Reply

*