ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદાએ કહ્યું કે ‘જાવો અને તેમને અત્રે બોલાવી લાવો. પણ તેમને ચેતવણી આપજો કે જે બાબતમાં તેમને લાગે વળગે નહીં તેમાં માથું ઘાલે નહીં અને આપણા બારણા પર જે લેખ કોતરેલા છે તે તેઓને વંચાવજો.’ આ હુકમથી સફીય સંતોષ પામી અને બારણું ઉઘાડવા દોડી ગઈ અને જલદીથી તે ત્રણ ફકીરોને પોતાની સાથે લઈ અંદર આવી.
તેની બહેનો તે ફકીરોને સારો આવકાર આપવા માટે ઉભી થઈ તેથી તે ફકીરોએ મહેલમાં દાખલ થતાંને વાર વાંકા વળી તેમને નમસ્કાર કીધા. વળી તે બહેનોએ તેમને કહ્યું કે તેઓ પર ઉપકાર કરવાને તેઓને અતિ ઘણી ખુશી ઉપજી છે અને તેઓની મુસાફરીની ઠાક ઉતરવાના સમાચાર જાણી વધારે ખુશાલી હાંસલ કરીશું. ત્યારબાદ તેમના નવા મેજબાનોને પોતાની સાથે બેસવાની એલતેમાસ કીધી. તે મકાનનો ભપકાભરેલો દેખાવ તથા તે સ્ત્રીઓની મર્યાદા ભરેલી ચાલથી તેઓના માન અને મરતબા વિશે તે ફકીરોને મોટો વિચાર આવ્યો પણ તેઓ બેઠા તેની આગમચ તેઓની અંચીતી નજર પેલા હેલકરી ઉપર પડી જ્યારે તેઓએ જોયું કે તેનો લેબાશ પણ પોતાના જેવોજ હતો જો કે બીજી કેટલીક બાબતોમાં તેઓ એક બીજામાં ફરક દેખાતો હતો તેઓમાંથી એકે કહ્યું કે ‘આ આદમી તો આપણા અરબ બિરાદરો, જેઓએ બળવો ઉઠાવ્યો છે, તેઓ માહેલો એક દિસે છે.’
તે હેલકરી જે કુતરાની પેઠે અરધી ઉંઘમાં હતો અને જે શરાબ પીધાથી ગરમ થયલો હતો તે ફકીરના બોલો સાંભળી ઘણો ગભરાટમાં પડયો અને ઉઠી ઉભો થયા વગર તે ફકીરની તરફ સખત નજર ફેંકીને કહેવા લાગયો ‘મુગો મુગો બેસી રહે અને જેમાં તારૂં લાગેવળગે નહીં તેમાં માથું ના ઘાલ!’ તે બારણા ઉપર કોતરેલો લેખ શું વાંચ્યો નથી? ત્યારે તમારી રીત પ્રમાણે લોકોને ચલાવવાનો ફાંકો ના રાખો પણ જે રીતભાત આપણા પોતાની હોય તે પ્રમાણે ચાલો.’ તે ફકીરે કહ્યું કે ‘મારા ભલા મિત્ર તમે ગુસ્સો ના કરો! ગુસ્સો કરવાનો કોઈ પણ સબબ તમને આપવા માટે દલગીર છીએ.’(ક્રમશ)

Leave a Reply

*