1300 વરસથી ઝળહળી રહેલો જરથોસ્તી માઝદયશ્ની ધર્મનો આતશ રક્ષણ માંગે છે

1300 વર્ષ પૂર્વે પારસી સમાજ બાહ્ય પરિબળોના આક્રમણ અને ત્રાસથી છૂટકારો પામવા તોખમ ઘરમ પરંપરા, તરિકટ રીતરિવાજો સાચવવા દસ્તુરાને દસ્તુર, વિદ્યવાન નેર્યાસંગ ધવલની સરદારી નીચે આ પવિત્ર સરજમીન ભારતભૂમિ પર આવ્યા અહીંના ભૂમિપુત્રોએ પારસીકોમને ધરમ અને તોખમ સાચવવા દિલોજાનથી સહારો આપ્યો. આખી દુનિયામાં કોઈપણ દેશ છૂટ ન આપે એવી છૂટ અને બાંહધરી આ દેશના ભૂમિપુત્રોએ પારસી કોમને આપી.
પારસી કોમે પણ દેશવાસીઓ સાથે ખભેખભા મિલાવી આઝાદીના જંગમાં ઔધ્યોગિક ક્રાંતિમાં ભારત દેશની રક્ષા કરવામાં દેશની પ્રગતિમાં આગવી ઈમાનદારી ભરી પ્રતિભા ઉભી કરી. દેશવાસીઓની ચાહના મેળવી. આખી દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરવામાં આગેવાની ભર્યો ભાગ ભજવ્યો.
હાલે પારસી સમાજ જનસંખ્યા અને અસ્તિત્વના મુદ્દે ગુચવણ ભરી પરિસ્થિતમાં જીવી રહ્યો છે. દસ્તુર નેર્યોસંગ ધવલના નેતૃત્વ નીચે આવેલા અને જાદીરાણાને આપેલા, વચનોથી ગ્લોબલ વર્લ્ડ અને કલ્બકલ્ચરની ઈફેકટને કારણે સુધારાવાદી વિચારો અપનાવવાને કારણે વચનોના ધજાગરા ઉડી રહ્યા છે. જે માટે જનસંખ્યા અસ્તિત્વ તોખમ અને ધરમ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે જે માટે પારસી સમાજે મનન કરવાની જરૂર ઉભી થઈ છે.
પારસી સમાજ કદીપણ કોમીરમખાણ કે ધર્માન્તરની કાર્યવાહીમાં સંડોવાયલો આટલા વરસોમાં જોવામાં આવ્યો નથી.
આજે પરિસ્થિતિ કલ્બકલચર અને ગ્લોબલ વર્લ્ડની ઈફેકટને કારણે પરિસ્થિતિ ઉંધી બની છે. ન્યાતબહાર લગ્નો, બીનપારસી નવજોતો, પરદેશમાં જઈ ધર્મના કાયદા વિરૂધ્ધ લગ્નો, દત્તક પ્રથા જેનાથી પારસી પ્યોરિટી તોખમ કયાનીની અદ્યોગતિ, વર્ણશંકર પ્રજાની ઉત્પત્તિ આ કારણ પારસીપ્રજા, માઝદયસ્ની તોખમ ધરમ પર ઈફેકટ થઈ રહી છે.
ખરા પારસીઓ એટલા ધર્મપ્રિય છે કે જ્યાં સુધી પારસી મા અને પારસી બાપના કૂખે અવતરેલા બાળકની નવજોત ન કરાય ત્યાં સુધી પારસી છોકરા-છોકરીને જરથોસ્તીપણાનો કોઈપણ હક મળી શકતો નથી. તો સાચા-પાકકા જરથોસ્તીની પરખ શું? એની પરખ પારસી મા અને પારસી બાપના બૂંદથી જ અવતરેલું ફરઝંદ તેજ તોખમ કયાની બાકી વર્ણશંકર ઉત્પત્તિ.
પારસીઓ તમારા બાળકોને જેમબને તેમ અગિયારી આતશબહેરામ મોકલી આતશના પાસબાન બનાવો. જેટલું શિક્ષણનું મહત્વ છે એટલું જ ધરમનું પણ મહત્વ છે. જેમ જેમ માતાપિતા બદલી શકાતા નથી તેમ પારસી માબાપ ને પેટે જન્મ લીધા પછી પારસી તોખમ કે પારસી માઝદયશ્ની ધરમ પણ બદલી શકાતો નથી.
યાદ રાખજો કોમી ઉદારતા ધરાવતો આ પારસી સમાજ કોમી ઉદારતા ધરાવતો આ સુંદર ‘ધરમ’ એના સંસ્કારો એની પવિત્રતા એની મહાન સંસ્કૃતિ ધરાવનારી પારસી કોમ આ ધરતી ઉપરથી લુપ્ત ન થાય એ માટે, સદાકાળ પવિત્ર આતશની જ્યોત ઝળહળતી રહે. દેદીપ્યમાન રહી સદાકાળ પ્રકાશ ફેલાવતી રહે, સદભાવના એકાગ્રતા સલાહસંપની ઉર્જા કોમમાં ફેલાતી રહે, લઘુમતી કોમ હોવાને કારણે વધુ એકતામાં રહે, માઝદયશ્ની ધરમ-પરંપરા રીતરીવાજો પ્રણાલી સદા જીવંત રાખવા કોમ એક થઈ વડવાઓની કુરબાની દીપાવ્યે. રાતદિવસ સદાકાળ આતશની જ્યોત પ્રજવલીત રહે એ માટે જાગૃત રહીયે.
અંતમાં મારી ધર્મપ્રિય, સમજદાર શીખેલી ભણેલી પારસી કોમને વિનંતી સાથે અનુરોધ કરૂં છું
1) પારસી ઈરાની જરથોસ્તી તરીકેનો તમારો પરિચય તમારી ઓળખ કાયમ રાખજો.
2) ઉચ્ચસંસ્કાર, નેકી, નીતી, અષોઈ ચારિત્ર, પ્રગતિ, શાંતિ અને ધરમ પ્રત્યે વફાદારી સદા જાળવી રાખજો. એ માટે ભારતદેશનો ઉપકાર માનજો.
3) ગરીબો, નિર્દોષો, લાચારો દુ:ખીઓના સહાયક બનજો. તેઓની લાચારીનો લાભ લેશો નહીં. હિંદ દેશની રક્ષા કરવા આગળ આવજો.
4) ખોટું કરશો નહીં અને કુદરતના ગુન્હેગાર બનશો નહીં.
5) જે ધરમમાં જન્મ લીધો તેને સદા વફાદાર રહેજો.
6) પારસી ઈરાની જરથોસ્તી વડવાઓ અને દસ્તુરાને દસ્તુર નેર્યોસંગ ધવલે દોરી આપેલી લક્ષ્મણરેખા પ્રમાણે ચાલજો અને વડવાઓની કુરબાનીને દિપાવજો.

About  મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) પ્રેસીડન્ટ દવિએર પારસી જરથોસ્તી અંજુમન.

Leave a Reply

*