ગુશ્તાસ્પની બાનુ કયટાયુન કયસર કયતાયુનને ગુશતાસ્પને આપે છે

કયસરના મહેલમાંથી કયટાયુન અને ગુશ્તાસ્પ દુ:ખી દિલ સાથે બહાર નીકળ્યા તેઓ પેલો દેહકાન, જેને ત્યાં ગુશ્તાસ્પ ઉતર્યો હતો તેને ઘેર ગયા. તેણે તેઓને દિલાસો દીધો કે ‘ફીકર નહીં સંતોષ પકડો.’ એમ કહી તેણે તે ધણી-ધણીયાણી માટે બીસ્તરો પાથર્યો અને તેઓને બેસાડયા. ગુશ્તાસ્પે તે ઉપરથી તેની ઉપર ઘણી આફ્રીન કીધી.
હવે કયટાયુન જો કે ઉપર મુજબ પોતાના બાપની ઈતરાજી વચ્ચે તેનો મહેલ છોડી આવી હતી તો પણ તેણીના શરીર પર ઘણું કીમતી જરજવાહેર હતું. તેણી પોતાના ખાવિંદ સાથે તે જરજવાહરમાંથી એક નંગ ઝવેરીને ત્યાં લઈ તો તેનાં તેણીને 6000 સુદાદા સીકકા મળ્યા તેમાંના થોડાક પૈસામાંથી તેઓએ પોતાની ગરીબ ઘરસંસાર માટે જે જોઈતું હતું તે સઘળું ખરીદયું અને બાકીમાંથી પોતાનો ગુજારો કરવા લાગ્યા.
ગુશ્તાસ્પનું મુખ્ય કામ શિકારે જવાનું હતું. તે એક દહાડો હુએશુઈ, જે જગાતખાતાનો અમલદાર હતો. અને જેની સાથે તેને રૂમમાં દાખલ થતાં ઓળખાણ પડી હતી. તેનાં મકાન આગળથી પસાર થતા તેને મળ્યો. તેણે તેને આવકાર દીધો. તેણે પછી તેની સાથે દોસ્તી બાંધી. પોતે જે શીકાર મારી લાવતો હતો તેમાંથી તે હુએશુઈને બે ભાગ આપતો હતો. અને એક ભાગ અવારનવાર પોતાના ગામના વડા દેહકાનને આપતો હતો. એમ તે જીંદગી ગુજારવા લાગ્યો.
મીરીને પાદશાહની બીજી છોકરીના માગણી કરવી
હવે કહે છે કે રૂમમાં મીરીન નામનો એક શખ્સ હતો. તેણે પાદશાહની બીજી છોકરીની શાદી માટે માગણી કીધી. તેણે કડેવાડયું કે ‘હું મોટા દરજ્જાનો અને તવંગર છું, માટે મને તારી છોકરી આપ.’ કયેસરે કહેવાડયું કે ‘હવે ગુશ્તાસ્પ અને કયટાયુનના દાખલા પછી. હું મારી બેટીને એવી રીતે પરણાવવાનો નથી પણ જે ધણીએ કોઈ મોટું નામ કાઢયું હશે તેની સાથે પરણાવીશ. માટે ફાસકુનનાં જંગલમાં હાલ જે એક મોટું જીઆનગાર વરૂ છે તે વરૂને જે ધણી મારી લાવશે તેનેજ હું મારો જમાઈ કરીશ.’
મીરીન આ પેગમા સાંભળી વિચારમાં પડયો, કે ‘મારા બાપ દાદાઓએ મોટા પહેલવાનો સાથે લડાઈ કરી છે. પણ હાલ કયેસર મને એક જીઆનગાન વરૂ સાથે જે લડાઈ કરવા જવા કહે છે, તે કદાચ મારે માટે મનમાં કીનો રાખીને હશે કે હું તે વરૂને હાથે માર્યો જાઉ.’ આવા ખ્યાલથી તે કોઈ તદબીરના વિચારમાં પડયો. કહે છે, કે તેણે સેતારેશનાસીની મદદ લીધી અને તેને માલમ પડયું કે ‘ઈરાનથી રૂમના મુલકમાં એક બહાદુર મરદ આવશે કે જે ત્રણ મોટો કામો કરશે. પહેલું આ કે તે કયેસરનો જમાઈ થશે. બીજું અને ત્રીજું આ કે તે બે જીઆનગાર જાનવરો કે શાહનામાની સુંદરીઓજેઓ આલમને ત્રાસ પમાડે છે તેઓનો એક પછી એક નાશ કરવો.’ હવે મીરીન કયટાયુન અને ગુશ્તાસ્પની વાતથી જાણીતો થયેલો હોત. તેથી તેણે ધાર્યુ કે સેતારેશનાસીમાં એક ઈરાનીથી જે ત્રણ કામો થવાના જણાવ્યા છે, તેમાંનું એક તો ગુશ્તાસ્પથી બન્યું છે, એટલે તે કયેસરનો જમાઈ થયો છે. ત્યારે તેને જ હાથે બીજા બે પણ બનશે અને તે બેમાં આ વરૂને મારવાનું એક છે. એવો વિચાર કરી તે પેલા હુએશુઈ આગળ ગયો. હુએશુઈએ તેની હકીકત સાંભળી તેને બેસાડયો કે ગુશતાસ્પ આવે અને તેની સાથે એ બાબે વાત કરે. એવામાં ગુશ્તાસ્પ આવ્યો. હુએશુઈએ તેને આવકાર દીધો અને મીરીને કહેલી સઘલી હકીકત કહી અને કહ્યું કે ‘મીરીન બીજા શિકારમાં બહાદુર છે પણ પેલુ વરૂ જે એક ઉટ કરતા પણ મોટું છે તેને મારવા જવાની હિંમત કરતો નથી. તેને મારવા ઘણા જણાઓ ગયા છે પણ કોઈ તેને મારી શકયું નથી.’ ગુશ્તાસ્પે તેને તે જાનવર બાબે સઘળી હકીકત પૂછી. પછી તે મીરીન તે જીઆનગાર જાનવરને મારવાને કબુલ થયો અને મીરીન પાસે ઘોડો અને બખ્તર માંગ્યા. મીરીન દોડતો પોતાને મકાને ગયો અને ગુશ્તાસ્પે ઘોડો અને જીન કબૂલ રાખ્યા અને ભેટસોગાદ પોતાના મિત્ર હુએશુઈને અપાવી. પછી બખ્તર પહેરી ઘોડા ઉપર સવાર થઈ પેલા જંગલમાં દાખલ થયો અને ઘણી હિંમત અને કુનેહ અને જોરથી તે વરૂને માર્યુ. ગુશ્તાસ્પે ખોદાતાલાનો ઉપકાર માન્યો અને પાછો ફર્યો. હુએશુઈ અને મીરીને તેને આવકાર દીધો અને તેની ફત્તેહ જોઈ તેની તારીફ કીધી.
ગુશ્તાસ્પ ઘરે ગયો. ત્યારે કયેટાયુને તેને પુછયું કે ‘એ ઘોડો અને બખ્તર કયાંથી લાવ્યો?’ ગુશ્તાસ્પે કહ્યું કે ‘મારા ગામથી થોડાક શખ્સો આવ્યા છે. તેમાંથી મારા ખેશીઓએ મને ભેટ આપ્યા છે.’ ખાઈ પીને સુતાં, ગુશ્તાસ્પ ઉંઘમાંથી ભડકી ઉઠયો કારણ કે તેના સ્વપ્નામાં પણ તેને પેલું જીઆનગર વરૂ નજરે પડયું ત્યારે કયેટાયુને તેને બીહ ઉઠવાનો સબબ પુછયો. ગુશ્તાસ્પે કહ્યું કે ‘મને મારા નસીબ બાબે અને તખ્ત બાબે સ્વપ્નું આવે છે.’ કયેટાયુને તેની કેટલીક વાતચીત ઉપરથી હવે ધારવા માંડયા કે ગુશ્તાસ્પે કોઈ મોટા ખાનદાનનો છે પણ પોતાની નસલ છુપાવે છે. પેલી બિસાજુ મીરીન કયેસર આગળ ગયો અને કહેવા લાગ્યો કે ‘મેં તારા કહેવા પ્રમાણે વરૂને હિંમતીથી માર્યુ છે.’ એ મુજબર પોતે તેની ખોટી ર્કિતી લેવા લાગ્યો અને કયેસરની છોકરીના હાથની ફરીથી માગણી કીધી. ત્યારે કયેસરે તેને પોતાની બીજી બેટી સાથે પરણાવ્યો.
(ક્રમશ)

Leave a Reply

*