ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન ગાઈ વગાડીએ.’ તેઓએ તેઓની માગણી ખુશી સાથે કબુલ રાખી અને સુંદર સફીય જલદીથી વાજીંત્રો લેવા ગઈ અને તે ફકીરોના હાથમાં ઈરાની વાંસળી અને તંબુરો લાવી આપ્યો. દરેક ફકીરને જોઈએ તેવાં વાજીંત્રો મળ્યાથી તેઓ સર્વે ગાયન ગાવા લાગ્યા. તે બાનુઓ ગાયન-શાસ્ત્રથી વાકેફ હતી. અને તેઓ પણ ગાવામાં સામેલ થયાથી ગાયનના તાન અને શુરને અગત્યની મદદ મળી અને જ્યારે કોઈ હસવાનું તથા રમુજ મેળવવા સરખું ગાયન આવતું તે વેળા મિજલસમાં ભારી હસાહસ ચાલતી.
આ ગમત ચાલતી હતી અને તેમાં સામેલ થયેલા આસામીઓ ઘણાજ ખુશ મિજાજમાં આવેલા હતા. તેવામાં તેઓના મકાનનો દરવાજો ઠોકવાનોે અવાજ તેઓના સાંભળવામાં આવ્યો. સફીયએ તેજ વેળાએ ગાયન મેલી દીધું અને તે દરવાજો ઠોકનાર કોણ હતો તે જોવા ગઈ.
શહેરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘મારા ખાવિંદ હાલ મારે તમને જણાવવું જોઈએ છે કે શા સબબ ઉપરથી મધરાતને વખત આ ઘરનું બારણું ઠોકવામાં આવ્યું હતું! નામદાર ખલીફ હારૂન અલ રસીદને હમેશ એવી ટેવ હતી કે રાતને વખત વેશ બદલીને શહેરમાં ફરવી નીકળી સઘળી જગ્યામાં સલાહ સંપજ ચાલે છે કે નહીં તે પોતાની નજરે જોઈલે. આ દિવસે પોતાના રાબેતા મુજબ પોતાના વડા વજીર તથા ખોજાઓના સરદાર મસરૂરને પોતાની સાથે લઈ તે પોતાના મહેલમાંથી નીકળી શહેરમાં ફરવા નિકળ્યા હતો. અને તે પહેલા તે ત્રણેએ સોદાગરનો વેશ પહેરેલો હતો. શહેરને લગતા જુદા જુદા મહોલ્લામાં ફરતા જે મોહોલ્લામાં આ બાનુઓ રહેતી હતી ત્યાં તેઓ જઈ પહોંચ્યા અને તેઓના ઘરમાંથી ગાયન, વાજીંત્ર અને સ્ત્રી તથા મરદના હસવાના અવાજ આવ્યાથી તે ઘર આગળ તેઓ અટકયા. ખલીફે પોતાના વજીરને કહ્યું કે ‘આ ઘરમાંથી નીકળતો આટલો બધો ઘોંઘાટનો સબબ જાણવા માંગુ છું.’ તે વજીરે ખલીફે તે કામમાં પડવાથી ઘણો મના કીધો અને તેને કહ્યું કે ‘તેઓ માત્ર સ્ત્રીઓ છે અને તે રાત્રે કાંઈ ગમત કરતી હશે અને શરાબની કેફમાં આવ્યાથી લેહેરી બનયા હશે તેથી તમો નામવર સુલતાનને વખતે અપમાન મળે એવી જગ્યામાં જવું બહેતર નથી. તે ઉપરાંત વખત પણ કઢંગો છે તેથી તે લોકોની ગમત અને રંગરાગમાં ખલલ નાખવી તે નકામું છે.’
(ક્રમશ)

Leave a Reply

*