રોશન અને બોમીના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. તેઓ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા નવસારીમાં રહેતા હતા. બોમી બેચાર દિવસમાં એકવાર પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી લેતો હતો અને પ્રસંગોપાત નવસારી પણ જઈ આવતા હતા.
બોમીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે ધંધો બંધ કરવો પડ્યો હતો. પરંતુ બોમી સારૂં ભણેલો હોવાથી એને એક જગ્યાએ નોકરી લાગી ગઈ. પગાર ઓછો હતો પરંતુ તેનું અને રોશનનું ગુજરાન ચાલી જતું હતું પરંતુ બચત કોઈ પણ પ્રકારે
નહોતી થતી.
એવામાં એક વખત સાંજે તે નોકરીએથી છૂટીને ઘરે જતો હતો, ઘરે પહોંચીને ઘરનો દરવાજો ખોલ્યો તો સામે જ ઉભેલી રોશને કહ્યું નવસારીથી પપ્પા આવ્યા છે અને ચહેરા પરથી તે કાંઈક તકલીફમાં હોય એવું લાગી રહ્યું છે. આવું કહેતી વખતે રોશને પણ પોતાનું મોઢું બગાડી નાખ્યું હતું.
આટલું સાંભળ્યું ત્યાં જ બોમીના ચહેરા પરના હાવભાવ ફરી ગયા અને માંડ માંડ ઘરનું ગુજરાત ચાલતું હોય એવામાં જો ગામડેથી પપ્પા આવ્યા હશે તો એ ચોક્કસ કંઈક મદદ માગવા માટે આવ્યા હશે આ સમયે હું કઈ રીતે પપ્પાની મદદ કરીશ? આ વિચાર માત્રથી તે અંદરથી ધ્રુજવા માંડ્યો.
ઘરમાં પ્રવેશતાની સાથે મુરઝાયેલા ચહેરા સાથે જ પોતાના પપ્પાને મમ્મીના હાલચાલ પૂછ્યા.
રાત પડી ગઈ હતી અને જમવાનો પણ સમય થઈ ગયો હતો એટલે બોમીએ પપ્પાને કહ્યું, ચાલો પપ્પા આપણે સાથે જમી લઈએ, હજુ પણ તે પપ્પા સાથે આગ્રહ કરીને વાત તો કરી રહ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપર હસવું બહાર નહોતું આવી રહ્યું કારણકે અંદરો અંદર તેને એવું જ લાગી રહ્યું હતું કે પપ્પા કોઈ મદદ માટે જ આવ્યા હશે.
રાતનું ભોજન પતાવીને પપ્પાએ બામીને કહ્યું કે બેટા તારી સાથે થોડી વાત કરવી છે.
પપ્પાની આવી વાત સાંભળતાં જ બોમીના હૃદયમાં ફાળ પડી કે હવે નક્કી પપ્પા પૈસાની માંગણી જ કરશે. શું પપ્પાને જરા પણ વિચાર નહીં આવતો હોય કે મારી પરિસ્થિતિ કેવી છે? કોઈપણ જાતનો ફોન કર્યા વગર સીધા જ અહીંયા પહોંચી ગયા જો તેને અહીંયા આવતા પહેલા મને ફોન કર્યો હોત તો હું ફોન પર પણ તેમણે મારી મુશ્કેલી સમજાવી શક્યો હોત.
આવું વિચારીને બોમી ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો, બાજુમાં આવીને પપ્પાએ બોમીના ખભા પર હાથ મૂક્યો ત્યારે બોમીને ખબર પડી કે પપ્પા તેની બાજુમાં આવી ચૂક્યા છે. પપ્પાએ બોમીને કહ્યું કે તું મહિને એકાદ બે વખત અથવા તો અઠવાડિયે અઠવાડિયે અમને ગામડે ફોન કરી લેતો હતો દીકરા પરંતુ છેલ્લા ચાર મહિનાથી તારો એક પણ ફોન આવ્યો નથી. એટલે તું કોઇ તકલીફમાં હોય એવું મને અને તારી મમ્મીને લાગ્યું હતું. હું તને અત્યારે બીજી તો કાંઈ મદદ કરી શકું નહીં પરંતુ હા થોડા રૂપિયાનો બંદોબસ્ત કરી ને તારા માટે લઈ આવ્યો છું, હું કાલે સવારની ગાડી પકડી નવસારી જતો રહેવાનો છું. પણ આ તને 50000 રૂપિયા આપું છું, તારી મમ્મી તારી ખૂબ જ ચિંતા કરતી હોય છે. આથી તને દીકરા એટલી એક વિનંતી કરૂં છું કે મારી સાથે વાત ન કરે તો પણ વાંધો નથી પરંતુ તારા મમ્મીને ફોન કરતો રહેજે. અને હા કોઈપણ જાતની તને મુશ્કેલી હોય તો મને કોઈપણ જાતના સંકોચ વગર બેધડક કહી દેજે. તારા માટે કદાચ જો આપણે જમીન વેચવી પડશે તો એ પણ વેચી નાખશું.
આટલું કહીને પપ્પાએ બોમીના હાથમાં નોટનું બંડલ મૂકી દીધું, બોમીના મોઢે જાણે ડૂમો ભરાઈ ગયો હોય તે રીતે તે કંઈ જ બોલી શક્યો નહીં તેને પોતાના વિચારો પ્રત્યે પણ સહેજ નફરત જેવું થવા લાગ્યું કે જે પપ્પા મદદ માંગવા આવ્યા હશે એવી કલ્પના કરી હતી એ પપ્પા તો મારા માટે હકીકતમાં ભગવાન બની ને આવ્યા હતા.
બોમી એક પણ શબ્દ બોલી શકયો નહીં માત્ર પોતાની ભીની આંખોથી પોતાના પપ્પાના ચહેરા સામે જોઈ જ રહ્યો અને તરત જ તેના પપ્પાને ભેટી પડ્યો.
મા-બાપ ને ભુલશો નહીં!

Latest posts by PT Reporter (see all)