લગ્નજીવન

અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા.
સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો. ખોરશેદને ખબર નહીં શું સૂજ્યું તેણે અદીને જણાવ્યું થોડા સમયથી એવું લાગી રહ્યું હતું કે જાણે આપણા સંબંધો ઉપર સમય નામની ધૂળ જામી રહી છે. ફરિયાદો ધીમેધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેણે અદીને કહ્યું મને તમને કેટલી બધી વાતો કહેવી હોય છે પણ તમારી પાસે સમય જ નથી હોતો. ખોરશેદ બે ડાયરીઓ લઈ આવી અને અદી આપતા જણાવ્યું કે આપણી જે પણ કંઇ ફરિયાદ હોય તે આપણે આખા વર્ષ સુધી આ ડાયરીમાં લખતા રહીશું. અને આવતા વર્ષે બિલકુલ આ જ દિવસે આપણે આ ડાયરી વાંચીશુ જેથી આપણને ખબર પડી શકે કે આપણામાં શું ખામી છે અને તે ખામીની ભરપાઈ કરી શકીએ.
અદીએ ખોરશેદની વાતને સમર્થન આપ્યું અને જણાવ્યું ‘તારો વિચાર તો ખૂબ જ સારો છે મને વિચાર ખૂબ જ પસંદ આવ્યો.’ અને જે રીતે ચર્ચા થઈ હતી તે રીતે લખવા માંડ્યા, સમય વીતતો ગયો. જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને આવતા વર્ષે ફરી પાછા પોતાના લગ્નના દિવસે એટલે કે પોતાની એનિવર્સરીના દિવસે બંને તે જગ્યા ઉપર ભેગા થયા અને બંને પોતાની ડાયરી સાથે આવ્યા હતા. અદીએ પહેલા ખોરશેદની ડાયરી વાંચવાનું શરૂ કર્યુ.
જેમાં ખોરશેદે ઘણી ફરિયાદો કરી હતી જેમાં લખ્યું હતું કે આજે લગ્નના એનિવર્સરીના દિવસે પણ મને તમે સારી એવી ગિફ્ટ ન આપી. આજે વાત થઈ હતી કે આપણે ક્યાંક બહાર ડિનર કરવા જશું પરંતુ એ પણ વાયદો કરી ને લઈ ન ગયા. આજે મેં ફિલ્મ જોવાની વાત કરી તો મને જવાબ મળ્યો કે હું તો ખૂબ થાકી ગયો છું. આજે મારો ભાઈ આવ્યો હતો, તેની સાથે તમે સરખી રીતે વાત ન કરી. વર્ષો પછી મારા માટે સાડી તો લઇ આવ્યા પરંતુ આ ખૂબ જ જૂના ડિઝાઈન ની સાડી છે. એવી નાની નાની ઘણી ઘણી ફરિયાદ ખોરશેદે પોતાની ડાયરીમાં લખી હતી.
ડાયરી વાંચતા-વાંચતા અદીની આંખમાં આંસુ આવી ગયા, આખી ડાયરી વાંચીને કહ્યું કે મને ખબર જ ન હતી કે હું આટલી બધી ભૂલ કરી રહ્યો છું હવેથી હું ધ્યાન રાખીશ કે આ કોઈપણ ભૂલ ફરીથી ન થાય.
પછી પોતાની ડાયરી ખોરશેદ આપી, ખોરશેદે ડાયરી ખોલી તો જોયું પહેલું પાનુ કોરૂ હતું. બીજા પેજ પર ફરિયાદ વાંચવાની આશા સાથે ખોરશેદે ફેરવીને જોયું તો એ પાનામાં પણ કંઈ લખેલું ન હતું. પાના ફેરવતા તે ખાલી હતા. એક પણ ફરિયાદનું નામોનિશાન હતું નહીં.
ખોરશેદે કહ્યું કે મને ખબર જ હતી કે તમે આ ડાયરી નહીં ભરો, મેં આટલી મહેનત કરીને આખા વર્ષ દરમિયાન તમારી બધી ભૂલ લખી જેથી તમે તેને સુધારી શકો, પરંતુ તમારાથી આટલું પણ થઇ શક્યું નહીં કે તમે મારી ભૂલ ડાયરીમા લખો. પત્નીએ આવું કહ્યું એટલે પતિએ તેની સામે જોઈને થોડું હસ્યા અને કહ્યું કે મેં બધું છેલ્લા પેજ ઉપર લખી દીધું છે.
આથી પત્નીએ આશ્ર્ચર્ય અને ઉત્સુકતા બંને સાથે ડાયરીનું છેલ્લુ પેજ ખોલ્યું અને એમાં લખ્યું હતું કે, હું તારા માટે ગમે તેટલી ફરિયાદ કરી લઉં પરંતુ તે જે મારા અને મારા પરિવાર માટે ત્યાગ કર્યો છે જે બલિદાન આપ્યું છે અને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો છે તેની સામે આ ડાયરીમાં લખી શકું એવી કોઈ ભૂલ, કોઈ ફરિયાદ મને તારામાં જણાઈ રહી નથી. આ વાતનો મતલબ એવો નથી કે તારામાં કોઈ ખામી નથી પરંતુ તારો પ્રેમ, તારું સમર્પણ, પરિવાર માટે તારો ત્યાગ આ બધી ખામીઓથી ઉપર છે. મારી અગણિત ભૂલ થઈ હોવા છતાં મારા જીવનના દરેક ચરણમાં પડછાયો બનીને મારો સાથ નિભાવ્યો છે. હવે મારા જ પડછાયામાં મને કઈ રીતે ખામી નજરે આવે. આટલું વાંચ્યા પછી ખોરશેદના આંખમાંથી આસુ નીકળી આવ્યા. તેણે અદીના માથા પર કીસ કરી જાણે આજે તેના મનમાં રહેલી દરેક શંકા, ખામીઓ તેણે હમેશાના માટે દૂર કરી દીધી હતી. આજે 26 વર્ષ પછી જાણે ફરી એક વખત નવ પરિણીત કપલની જેમ તેનું લગ્નજીવન મહેકી ઉઠ્યું.

Leave a Reply

*