ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદા કેટલોક વખત સુધી તે દિવાનખાનાની વચોવચ થોભી રહી કારણ કે પેલા બે કુતરાને માર મારતા તે થાકી ગઈ હતી તેથી તેણીને વિસામો આપવા માટે સુંદર રૂપની સફીયએ તેણીને કહ્યું કે ‘મારી પ્યારી બહેન! તમો તમારી જગ્યા પર આવો કે મારૂં કામ જે કરવું છે તે હું કરૂં.’ ઝોબીદા તેજ વેળા સોફા પર જઈ બેઠી. તેની એક બાજુએ ખલીફ, જાફર તથા મસરૂર બેઠા હતા અને બીજી બાજુએ ત્રણ ફકીરો તથા પેલો હેલકરી હતો.
તે મંડળીમાં કેટલોક વખત સુધી તદ્દન ચુપકીની પથરાઈ હતી. અંતે સફીય, જે ઓરડાની વચમાં મેલેલા તખ્ત પર બેઠેલી હતી, તેણીએ અમીનાને કહ્યું કે ‘બહેન ઉઠ! તારી પાસે હું શું કરાવવા માંગુ છું તે તમો સમજો છો?’ અમીના ઉઠીને એકબીજા ઓરડામાં ગઈ અને ત્યાંથી પીળી સાટીનથી જડેલો એક બોકસ લાવી અને તેની ઉપર સોનાના કસબની કિનારી કીધેલી હતી. તેણીએ તે ઉઘાડયો અને તેમાંથી એક વાંસળી કાઢી પોતાની બહેનને આપી. સફીયએ તે વાંસળી લીધી અને ઘણા મધુર અવાજથી તે ગાવા લાગી. જુદાઈના ગમનું તેણીએ એવું તો અસરકારક બ્યાન પોતાના ગાયનમાં કીધું કે તેથી ખલીફના તથા તે આખી મંડળીના મન પર જાદુઈ અસર થવા લાગી. જ્યારે તેણીએ તે ગાયન પૂરૂં કીધું ત્યારે તે તાન સુરથી ગાતા થાકી ગયેલી દેખાઈ પછી તેણીએ વાંસળી અમીનાને આપી કહ્યું કે ‘બહેન! હવે મારો હલક ચાલતો નથી. વાંસળી તમે લેવો અને મારે બદલે ગાઈ તથા વજાડી આ મંડળી પર ઉપકાર કરો’
તે વાંસળીને બરાબર શુરપર લાવી તેણીએ ઘટતા ગાયનની રાહપર ગોઠવી તેજ બાબત પર ગાયન ચાલુ રાખ્યું, પણ તેણીએ જે ગાયન ગાયું તેથી તેના પોતાના દિલ પર એટલી તો અસર થઈ કે તેનાથી તે ગાયન પૂરૂં કરી શકયું નહીં. ઝોબીદા પોતાની બહેનની તારીફ કરવા લાગી. તેણીએ કહ્યું કે ‘તમે મોટા પરાક્રમો કીધા છે. તમારા દેખાવ પરથી સાફ માલમ પડે છે કે જે દુ:ખના બ્યાનમાં તમે ગાયન કરો છો તે તમારા મન પર ઘણી અસર કરે છે.’ આનો જવાબ આપવા માટે અમીનાને વખત ન હતો. આ વખતે તેણી એટલા તો ઉકળાટમાં પડી કે પોતાના શરીર પર હવા આવે તેવી કાંઈ હિકમત કરવાના ફાંફામાં તે પડી. છેવટે તેણીએ પોતાના દિલમાં પહેરેલા જભ્ભાના બંધ ખોલી પોતાની છાતી ખુલ્લી કીધી. મંડળી જોઈને અજાયબ થઈ કે જેવી તેણીની શિકલ ગોરી ચામડીની હતી તેવી તેણીની છાતી ન હતી. તે ડહામના ચાંઠાથી ભરાયેલી, કાળી મારી ગયેલી હતી જેથી જોનારાઓને તે વખતે ઘણોજ કમકમાટ છુટયો. જે કે આંગ પર પવન લીધાથી તેને આરામ થવાની વકી રાખી હતી પણ તેને બદલે ઉલટી બેહોશ થઈ ગઈ.
ઝોબીદા તથા સફીય પોતાની બહેનની મદદે દોડી ગઈ તેટલાં એક ફકીર બોલ્યો કે ‘આ જગ્યા પર આવી એવો દેખાવ જોયા કરતા હું બહાર ખોલ્લી હવામાં સુતો હતે તો બેહતર થતે.’
ખલીફ તેને બોલતો સાંભળી તેની પાસે આવ્યો અને પુછવા લાગ્યો કે ‘આ બધા ઢોંગ શાના છે?’ તે ખલીફે જવાબ દીધો જે ‘આ બાબતમાં તમારા કરતા અમો કાઈપણ વધારે જાણતા નથી.’ ખલીફે પુછયું કે ‘શું ત્યારે તમે આ ઘરના આદમી નથી? આ બે કાળા કુતરા વિશે તથા સ્ત્રી જેને આવી રીતનું અપમાન આપવામાં આવ્યું છે તેને વિશે તમે મને કાંઈપણ ખબર આપી શકતા નથી?’ તે ફકીરે જવાબ દીધો જે ‘સાહેબ! આગળ કોઈ દહાડે પણ આ ઘરમાં અમો આવ્યા નથી અને આજ રોજે તમારેથી થોડીજ પળ આગમચ અમો અત્રે આવ્યા હતા.’ આ વાત સાંભળ્યાથી ખલીફને વધારે અચરતી ઉત્પન્ન થઈ. ખલીફે કહ્યુ ‘કદાચ જે આદમી તમારી સાથેજ હતો તે આ બાબતો પર કાંઈ અજવાળું નાખશે.’ તે ફકીરે હેલકરીને ઈસારત કરી પોતાની આગળ બોલાવ્યો અને તેને પૂછયું કે ‘આ કાળા કુતરાઓને શા માટે માર મારયો તથા અમીનાની છાતી પર દહામ શાને માટે દીધા છે તે બાબતમાં તમને કાંઈ ખબર છે?’ તે હેલકરીએ કહ્યું કે ‘સાહેબ! હું અલ્લાહના કસમ લઈ કહું છું કે જેમ તમે એ બીનાથી અજાણ છો તેમ હું પણ છું. અત્રે જે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડલીમાં હું આવી પડયો છું તેથી હું પણ તેટલો જ અજબ થયો છું.

(ક્રમશ)

Leave a Reply

*