જીવનમાં ‘છોડી દેવું’ શીખવા જેવું છે!!

મુંબઈ શહેર સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ જાણીતું શહેર છે, એવું ઘણી વખત ફિલ્મોમાં પણ કહેવામાં આવ્યું છે અને કદાચ હકીકતમાં પણ બનતું હશે કે રોજના હજારોની સંખ્યામાં લોકો ત્યાં નવા સપના લઈને આવતા હોય છે.

એવી જ રીતના કલાકાર બનવાનું સપનું લઈને 10 વર્ષ પહેલા એક નવયુવાન આવ્યો હતો, અને ત્રણ વર્ષની મહેનત પછી આખરે તેની મહેનત રંગ લાવી અને તેને નાટકમાં કામ મળવા લાગ્યું.

તેના કામથી લોકો વચ્ચે તે ઘણો લોકપ્રિય કલાકાર બની ગયો હતો, અને તે કલાકારને પણ તેનું સ્ટેજ ખૂબ જ વ્હાલુ હોવાથી તે ઘણી વખત નાટકમાં પોતાની રીતે ડાયલોગ ઉમેરીને પણ પોતાની કલાકારીમાં જાન રેડી દેતો જેથી તેની કલાકારી પ્રેક્ષકોને ખુબ જ પસંદ આવતી.

હજુ તો બે વર્ષ નાટકોમાં કામ કર્યું હતું ત્યાં જ એ કલાકારને ખૂબ જ લોકપ્રિયતા મળી ગઈ હતી અને હવે તે નાટકોમાં સાઈડ રોલની જગ્યાએ મુખ્ય પાત્રોમાં જોવા મળતો.

તેમ છતાં એ કલાકારમાં જરા પણ અભિમાન હતું નહીં, અને તેનો સ્વભાવ પણ એકદમ સારો હતો જે પ્રેક્ષકો અને નાટક ઇન્ડસ્ટ્રીના દરેક લોકોમાં જેની ચર્ચા રહેતી.

કોઈપણ માણસ કે જેને અચાનક સફળતા મળી ગઇ હોય તેમાંથી ઘણા લોકોના અંદર અહમ આવી જતો હોય છે પરંતુ આ કલાકારમાં જરા પણ અહમ હતો નહિ, અને તેની આ જ વાતને કારણે તેને પ્રેક્ષકો પણ ખૂબ જ પસંદ કરતા.

નાટક પતી ગયા પછી પણ પ્રેક્ષકો તેને મળવા આવે તો તે બધાને આદરથી બોલાવતો અને લોકો જોડે સેલ્ફી પણ ખેંચાવતો.

એક દિવસની વાત છે ત્યારે નાટક પૂરું થયું અને સુપરહિટ શો થયા પછી તે બેઠો હતો એવામાં તેનો જ કોઈ એક ચાહક તેને મળવા આવ્યો એટલે પેલા અભિનેતાએ તરત જ તેને આવકારો આપીને તેની સાથે હાથ મિલાવ્યા નમસ્કાર કર્યા.

પેલા માણસે તરત જ અભિનેતાને પૂછ્યું કે મેં ઘણા લોકોને જોયા છે જેને ટૂંક સમયમાં બહુ મોટી સફળતા મળી ગઇ હોય, પરંતુ એમાંથી ઘણા લોકોમાં ટૂંક સમયમાં જ અહમ આવી જતો હોય છે. પરંતુ તમારો સ્વભાવ જાણીને ખૂબ જ આનંદ થયો.

મારે એક સવાલ પૂછવો છે શું પૂછી શકું? એટલે કલાકાર એ તરત જ કહ્યું કે હા પૂછો એમાં શરમાવાનું શું?

એટલે તરત જ પેલા આવેલા માણસે કહ્યું કે તમે આટલા વર્ષોથી નાટકમાં કામ કરી રહ્યા છો, તમે નાટકમાંથી તમારી જિંદગીમાં શું શીખ્યા?

ત્યારે નાટકના એક કલાકારે સરસ જવાબ આપતા કહ્યું કે નાટકમાંથી કાયમ માટે હું એક વસ્તુઓ શીખ્યો છું કે તમારો રોલ જ્યારે પૂરો થઈ જાય ત્યારે તમારે તે છોડી દેવાનું છે. અને આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ કઈ જગ્યાએ પૂરો થાય છે, માટે આપણે કંઈ છોડતા જ નથી અને આ જ કારણ છે કે આપણે આટલા દુ:ખી થઈએ છીએ.

માત્ર 20 સેક્ધડમાં કડકડાટ મોઢે હોય એ રીતે જવાબ આપી દીધેલા આ નાટકના કલાકાર ને પેલા મળવા આવેલા માણસે સલામ કરી નાખ્યું. અને ફરી પાછા હાથ મિલાવીને નમસ્કાર કહીને જીવનનો એક મોટો બોધ પોતાના મગજમાં રટણ કરીને તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો.

ખરેખર કલાકારે કીધેલી વાત ખુબ જ સાચી છે કે આપણે કોઈપણ વસ્તુ ને એટલી બધી હદે ટેવ પાડી દઈએ છીએ કે કોઈપણ વસ્તુ છોડવાની આપણામાં હિંમત પણ થતી નથી અને આપણે કંઈ જ છોડી શકતા પણ નથી.

Leave a Reply

*