માં તે માં

કાળ બદલાયો, કાળજું બદલાયું કે કિસ્મત બદલાયું… જે કહો તે, પણ.. જે સંસ્કૃતિમાં પિતાના એક વચને ’રામ’ રાજ્ય છોડી દે. એ જ દેશમાં, દીકરાએ બાપને રેમન્ડ છોડાવી દીધું. 12000 કરોડથીય વધુ રૂપિયાના રેમન્ડ ના વિરાટ સામ્રાજ્યને ઊભું કરનારા, વિજયપત સિંઘાનિયાને એમના દીકરાએ ઘર બહાર રખડતા, ને લારી પર પાઉંભાજી ખાતા, ને 300 રૂપિયાની ઓરડીમાં રહેતા કરી દીધા! કોર્ટના કટહરામાં એમનો બધો જ હક છીનવી, એમને ગરીબ-લાચાર ને ભિખારી જેવા કરી દીધા. રાન-રાન ને પાન-પાન ભટકતા કરી દીધા, ત્યારે આપણી આંખને ભીની કરી જાય, હૃદયને ગદગદ કરી જાય, મસ્તકને આપોઆપ ઝુકાવી દે, એવી ઘટના.
મુંબઈના ભરચક કોટ વિસ્તારના મુંબઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં
રાજાબાઈ ટાવરના નામે!
વાર્તા કદાચ કાલ્પનિક હોય શકે.
દેશ-પરદેશમાં શેરબજારના કિંગ તરીકેની છાપ ને ધાક જેમની હતી, ને જેમની લે-વેચ પર આખું શેરબજાર ઉપર-નીચે થઇ જતું હતું, તેવા બાહોશ વેપારી હતા શ્રી પ્રેમચંદ રાયચંદ શેઠ. શેઠના માતુશ્રી અત્યંત ધાર્મિક હતા. પૂજા-પાઠ-સામાયિક-પ્રતિક્રમણ-નવકારવાળી ને અન્ય આરાધનામાં રચ્યા-પચ્યા રહેતા.
પણ ઉંમર થઈ. પૂજા કરે ત્યારે બે-ચાર વાર ટાઈમ પૂછે. દિવસમા ઘણીવાર પૂજા કરે. રોજેરોજની આ ફિક્સ આરાધનામાં ઘણીવાર સમય પૂછે. ઘરની વહુ ને માણસો આવીને સમય કહે.
શેઠ પ્રેમચંદભાઈ પોતે પૂજા કરે અને માંને યાદ કરાવે. પણ એ રોજ આ જુએ, ને એનું મન રુવે! મારી માંને ઘડિયાળ દેખાતી નથી. એક તો ઉંમર, કમજોર પડેલી આંખ, ને પાછો આવેલો મોતિયો ને રોજ એને દસ વાર બધાને પૂછવું પડે. માંની આંખની તકલીફ, દીકરાને દિલમાં તકલીફ ઊભી કરે.
એક દિવસ રજવાડી બગીમાં બેસી પ્રેમચંદ શેઠ મુંબઈના રાજમાર્ગ પરથી શેરબજાર તરફ પસાર થઇ રહ્યા હતા. પણ એમના મનમાં તો માંના જ વિચારો આવ-જા કરતા હતા. ઢળતી બપોરે ઘર આંગણે બગી ઉભી રહેતા, પ્રેમચંદ શેઠે મહેતાજીને બોલાવ્યા ને કહ્યું, મહેતાજી, આ આપણા બંગલાની સામે જે ખુલ્લી જગ્યા પડી છે, એની લે-વેચ આજે જ પતાવી દો. ભાવ જે કહે તે ભરી દેજો.
સાંજ પડતા-પડતા તો જમીન લેવાઈ ગઈ. શેઠે જર્મનીના આર્કિટેકોના સંપર્ક કર્યા, ને નક્શાઓ આવ્યા. એ જર્મનીના નક્શાઓના આધારે બંગલાની સામેથી વિશાળ ખુલ્લી જગ્યામાં બાંધકામ ચાલુ થઇ ગયું. પૂરજોશમાં કામ ચાલુ હતું કોઈને ખબર નથી, કે કોઈ પૂછી શકતું નથી, કે આ શું બની રહ્યું છે?
જે પૂછી શક્યા તેને એટલી જ ખબર પડી કે, ઊંચું ટાવર બને છે. એક દિવસ ઊંચું ને જાજરમાન ટાવર ઉભું થઇ ગયું. મુંબઈ ઘેલું બન્યું, આ ભવ્ય ટાવર જોઈને. પણ ટાવર કેમ બનાવ્યું, એ પ્રશ્નના જેટલી જીભ, એટલા જવાબો એક’દિ રાતે કામ ચાલ્યું. ને સવારે પ્રેમચંદ શેઠ, માં પાસે આવ્યા. ને કહ્યું, માં! આ બારીએ આવો. હાથ પકડી દીકરો ’માં’ને બારીએ લાવ્યો. “માં! સામે શું દેખાય છે?” ને ત્યાં જ ડંકા પડ્યાં. ટન.. ટન.. ટન. માં કહે બેટા! આટલી મોટી ઘડિયાળ? હા, માં. બરાબર દેખાય છે? ચોખ્ખું વંચાય છે, પ્રેમા ને પ્રેમચંદ શેઠે માંને ગળે લાગીને કહ્યું, માં! હવે તારે કોઈને ટાઈમ પૂછવો નહીં પડે. તારી પૂજા કરવાની જગ્યાએથી બેઠા-બેઠા જ તને 24 કલાક ઘડિયાળ દેખાશે! તારે કોઈને પૂછવાની જરૂર નહીં.
ડંકા પડે, ને તારે પૂજા કરવા બેસી જવું.
ઘરડી માં બોલ્યા, બેટા ભલું થજો. આ ટાવર બાંધનારનું. ને પ્રેમચંદ શેઠ બોલ્યા, માં! પૂજા કરતા સમય જોવાની તકલીફ પડે છે. તારે ટાઈમ પૂછવો પડે છે. એટલે તારે માટે આ ટાવર બાંધ્યું છે. ને માં! તારું નામ ‘રાજાબાઈ’ છે. એટલે આ ટાવરનું નામ ‘રાજાબાઈ ટાવર’ રાખ્યું છે!
ને રાજાબાઈ આ સાંભળતા..
ઉભા રહો, આ કથા તો પૂરી થાય છે. પણ એક વાત જિંદગી સુધી યાદ રાખજો, માં ઘરડી થાય છે, માંનો પ્રેમ ક્યારેય ઘરડો નથી થતો. જેના પ્રેમને ક્યારેય પાનખર ન નડે, એનું નામ છે માંનો પ્રેમ.
ને રાજાબાઈએ પ્રબળ પ્રેમભર્યા બે હાથ, દીકરાના માથે મૂકી દીધા. ને મોતિયાવાળી આંખેથી, પ્રેમના મોતી વરસ્યા. આજેય મુંબઈનું પ્રસિદ્ધ રાજાબાઈ ટાવર માતૃભક્તિનું મધુર ગીત ગાતું ઊભું છે. માં માટે રાજાબાઈ ટાવર બાંધી, બતાવી ન શકો તો કંઈ નહિ, પણ.. માંને પાવર બતાવવાનું તો બંધ કરો!

Leave a Reply

*