કારણ તે માં છે!

એક બાજુ ત્રણ દીકરાઓ અને તેની વહુ પોતાના રૂમમાં સુવા જઈ ચૂકી હતી અને આ બાજુ માં રસોડામાં કામ કરી રહી હતી. મા નું કામ થોડું બાકી રહી ગયું હતું, આમ તો જોવા જઈએ તો કામ તો બધા નું હતું, પરંતુ માં હજી બધાનું કામ પોતાનું જ માને છે.
એ પછી એક દૂધ ગરમ કરી લીધું, એક પછી એક ધીમે ધીમે બધા કામ કરવા લાગી. સિંકમાં જ્યારે પણ વાસણો હોય તે માં ને જાણે જરા પણ પસંદ નથી, ભલે ગમે તેટલું મોડું થાય પરંતુ સિંકમાં ક્યારેય પણ વાસણ હોવા જોઈએ નહીં. હવે એ માન્યતા કહો કે જૂની રીતભાત અને ટેવ પરંતુ માં ને ક્યારેય પણ સિંકમાં વાસણ પડેલા હોય તે જરા પણ ગમતા નથી, આથી અંતે પોતે પણ તે વાસણને ઘસીને પછી જ સુવાનું રાખતી.
ઉંમરના કારણે કમર થોડી ઝૂકી ગઇ હતી, હથેળીઓ કઠોર થઈ ચૂકી હતી, ત્વચા પણ જાણે લટકવા માંડી હતી, સાંધાના દુખાવા પણ ઓછા નહોતા, માથા પરથી પરસેવો પણ પડી રહ્યો હતો. સાંધાના દુખાવાને કારણે ચાલવામાં પણ તકલીફ પડતી. પરંતુ આજે પણ તે મોટાભાગનું કામ પોતે જાતે જ કરી લેતી, રાતના જ સવારના શાક ની તૈયારી થઈ ગઈ, ત્યાં યાદ આવ્યું કે જમવા પછી જે દવા લેવાની હતી એ દવા તો પોતે લેવાનું જ ભુલી ગઈ છે. એક વિચાર એવો પણ આવ્યો કે હશે કાલે લઈ લઈશ, પરંતુ ઉંમરના કારણે દવા લેવી પણ જરૂરી હતી આથી દવાની પેટીમાંથી દવા કાઢીને દવા લઈ લીધી. ત્યાર પછી ઘડિયાળ બાજુ નજર પડી, જોયું તો રાતના 12:30 થઈ ચૂક્યા હતા. પછી તે પણ સુવા ચાલી ગઈ. એવામાં બાપુજી નું ધ્યાન ગયું, એક અડધી નીંદર લઈ ચૂકેલા બાપુજીએ તરત પૂછ્યું આવી ગઈ? હા આજે તો બીજું કંઈ ખાસ કામ હતું જ નહીં. માં એ જવાબ આપ્યો અને પોતે સુઈ ગઈ, શરીરમાં કેટલો થાક છે. ઊંઘ આવતી હશે કે નહીં એ તો ખબર નહીં પરંતુ ગમે એટલા થાક સાથે સૂવા ગયા પછી સવારે જ્યારે જાગે ત્યારે તે બિલકુલ ફ્રેશ થઈ જાય છે, જાણે તેને થાક લાગી જ ન રહ્યો હોય તેવું લાગે કારણ કે તે તો માં છે.
સવારનો અલાર્મ પણ પછી વાગે તે પહેલા તો માં ઊંઘમાંથી જાગી ગઈ હોય, છાપુ વાંચવાનો તો જરા પણ ટેવ નથી, પરંતુ બહાર દરવાજે પડેલું છાપું કાયમ સવારે ઉઠાવીને લઈ આવે છે. ચા પોતે તો પીતા નથી, પરંતુ બનાવીને જરૂર આપે છે. કારણ તે માં છે.

Leave a Reply

*