તમે કરેલા પરિશ્રમ પર વિશ્ર્વાસ કરો!

ઝુબીન ઉંમર અંદાજે 21 વર્ષની હશે, તે બેઠોબેઠો વિચારી રહ્યો હતો. મનમાં ને મનમાં તે પોતાને જણાવી રહ્યો હતો કે જો, તારે ભણી ગણીને આગળ વધવાનું છે, એડમિશન તો આઈઆઈટીમાં જ મળવું જોઈએ. ભણી ગણીને વિદેશમાં નોકરી કરવાની અને મોંઘીદાટ ગાડીઓમાં ફરવાનું શરૂઆતથી તારો આ જ ધ્યેય હોવો જોઈએ. આવું વિચારી રહ્યો હતો. એટલામાં તેને તેના પપ્પાનું બોલેલું વાક્ય તરત જ મગજમાં આવે છે.
એક વખત તેના પિતાએ તેને કહ્યું હતું કે દીકરા, પૈસા તો આજે છે અને કાલે નથી, તેમાં ગમે ત્યારે વધઘટ થશે પરંતુ જો પૈસા વાપરનાર જ કોઈ નહીં હોય એટલે કે પરિવાર જ નહીં હોય તો પૈસાને શું કરશો? તેને થોડા ક્ષણ પહેલા જ પૈસા નો વિચાર આવ્યો હતો એવામાં પપ્પાનો આ પરિવાર લક્ષી વિચાર યાદ આવી ગયો.
હજુ તો આ વિચાર તેના મગજમાં જ હતો કે તરત જ બીજો વિચાર આવ્યો કે એક દિવસે તેની પ્રેમિકા સનાયાએ પણ તેને કહ્યું હતું કે જો મને છે ને તું અને માત્ર તુ જોઈએ છે અને પૈસો જરાપણ જોઈતો નથી. ભલે મારા મમ્મી પપ્પા ના પાડે તો પણ હું તો તને જ પરણવાની છું, તું તો જાણે જ છે કે મને પૈસાથી નહીં પરંતુ તારી સાથે પ્રેમ છે. સનાયાનો આ વિચાર તેના મગજમાં આવ્યો એટલે પૈસા, પરિવાર અને હવે સાથે સાથે પ્રેમ એ ત્રણમાંથી કોને પસંદ કરૂં એવી અડચણમાં પડી ગયો.
મનમાં ને ઝુબિન પરેશાન થવા લાગ્યો તેની ઉંઘ જાણે કયાંક ઉડી ગઈ હતી. મનમાં તેને ઘણા બધા વિચારો આવવા લાગ્યા.
અમુક વિચારોમાં થતું હતું કે તેના માતા-પિતાએ તેને નાનપણથી આટલો મોટો કર્યો છેે, તો તું આ કાલની છોકરી માટે તેને છોડી દઈશ? માતા-પિતાને કેવું લાગશે?
બીજી બાજુ તેને પ્રેમિકાના પણ વિચારો યાદ આવતા કે હું તારા માટે મારા મમ્મી પપ્પા ને છોડવા તૈયાર થઇ શકું છું તો શું તું મારી માટે તારા માતા-પિતાને નહીં છોડી શકે?
ફરી પાછા માતા-પિતાનું મહત્વ સમજાવ તો એક વિચાર આવ્યો કે ના મારા માટે તો મમ્મી પપ્પા પહેલા પછી જ બીજા બધા.
ત્યાં વળી પ્રેમિકાનો પણ વિચાર આવ્યો કે એ તને ખૂબ જ પ્રેમ કરે છે, બધી જ વાત તારી માની લે છે. તો પછી હવે તું જ કહે કે આવી બીજી ક્યારેય મળશે?
ના, માતા પિતા. ના, પ્રેમિકા, આવું વિચારતા વિચારતા અંદાજે રાતના ત્રણ વાગ્યા હશે પરંતુ ઝુબિનને ઉંઘ આવતી ન હતી.
ઘણા સમયથી તે એ જ માત્ર વિચારી રહ્યો હતો કે મારે પરિવાર, પૈસા ને કે પ્રેમ આ ત્રણમાંથી કોને પસંદ કરવા? પલંગ પર સુઈ રહ્યો હતો એમાંથી અચાનક જ ઉભો થઇ ને સોફા પર બેસી ગયો.
ચારે બાજુ ઘોર અંધારૂં હતું, તે આંખ બંધ કરીને બેઠો હતો. અને અંદરો-અંદર ફરી પાછો કંઈક વિચારી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
અંદરો અંદર જ તે પોતાને જ બોલ્યો કે, જો, તારા જેવી મુશ્કેલી આજના દરેક માણસની એટલેકે ખાસ કરીને દરેક યુવાનની હોય છે. તું માત્ર મહેનત કર. મારો સહારો લઇ લે, પરિવર્તન આપોઆપ આવી જશે. હા તું જો આગળ વધીશ તો તારું નામ થશે જેનાથી માત્ર તને જ નહીં પરંતુ તારા માતા-પિતાને પણ તારા પ્રત્યે ખૂબ જ ગર્વ થશે. તમારા વચ્ચેની લાગણીઓ વધી જશે અને તારા માતા-પિતા પણ તારો પ્રેમ સ્વીકારશે. આ બધા વચ્ચે તારી મહેનત પ્રમાણે સમયસર પૈસો પણ મળી જ રહેશે. બસ ખાલી જરૂર છે તો આવા બધા વિચારો બંધ કરી દે અને સતત મહેનત કરવા લાગી. બાય ધ વે ઓળખી ગયો ને મને? હું બીજું કોઈ નહીં પરિશ્રમ છું! અને તને કામ કરવા માટે બધું જતુ પણ કરવું પડેશે. પણ થોડાક સમય માટે! તું તારા આસપાસના લોકોના સપનાઓ પુરા કરવાની ચિંતા નહીં કર, તું માત્ર સારા સપનાઓ પુરા કર તારા આસપાસના લોકોના સપનાઓ એકંદરે આપોઆપ પૂરા થઈ જશે.
ઝુબિન પરિશ્રમ શબ્દને યાદ કરીને સુતો અને તેને ખરેખર ઉંઘ આવી ગઈ. ઝુબિનની જેમ ઘણી વખત આપણે શું વસ્તુ પસંદ કરવી શું ન કરવી તેની ઉપર વધારે વિચારી વિચારીને આપણને જ હેરાન કરતા હોઈએ છીએ, એથી સારું જો પરિશ્રમ એટલે કે મહેનત તરફ ધ્યાન ધરીએ તો આપોઆપ બધું સરખું અને સારું થવા લાગે છે. એના માટે જ કદાચ એક કહેવત પણ કહેવાય છે કે અંતે તો પરિશ્રમ એ જ પારસમણિ છે.

Leave a Reply

*