ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો.
હું જયારે પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા શાળામાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. હિંમત કરીને મેં એ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મને એ કહેતા ગર્વની અનુભૂતિ થાય છે કે મારા વર્ગમાંથી મારા સિવાય બીજા કોઈએ ભાગ લીધો નહોતો! મારા વર્ગમિત્રોને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, ખુશરૂ, તારામાં અક્કલ બક્કલ છે કે નહીં? વકૃત્વ સ્પર્ધામાં તેં ભાગ શું વિચારીને લીધો? જો તને સ્ટેજ પર બોલતા નહીં આવડે ને તો બધા સામે હાંસીપાત્ર બનીશ. હું તેમની વાત સાંભળીને ડરી ગયો પરંતુ બીજી જ ક્ષણે મેં તેઓને પડકાર આપતા કહ્યું, હવે ભાગ લીધો છે. તો જે થશે તે જોઈ લેવાશે. હવે હું વકૃત્વ સ્પર્ધા માટે તનતોડ મહેનત કરવા લાગ્યો. મારા બાવાજી, માયજી તથા મોટાભાઈ પાસેથી મેં તે બબ્બે ત્રણ ત્રણ વાર મોઢે લેવડાવી. સ્પર્ધામાં જતા પહેલા બપયજી પાસે ગયો તેમણે મને જીતી આવજે તેવા આર્શિવાદ આપ્યા હતા. મારું માનવું હતું કે જો તૈયારી બરાબર હશે તો આપણને કોઈ હરાવી શકતું નથી. મારે મારા દોસ્તોને દેખાડવાનું હતું કે ડરથી નાસીપાસ થઈને આમ સ્પર્ધામાંથી બાદ થવું ન જોઈએ. હું તે સહુ સામે એક દાખલો બેસાડવા માંગતો હતો.
સ્પર્ધાના દિવસે અશો જરથુસ્ત્રનું નામ લઈને હું જ્યાં સ્પર્ધા હતી તે હોલમાં દાખલ થયો. એકથી સાત ધોરણ સુધીના વિદ્યાર્થીઓથી આખો હોલ ખીચોખીચ ભરાયો હતો. મારી બાજુમાં બેઠેલા મારા મિત્રે મને કહ્યું, જોયું? આટલા લોકો વચ્ચે તું બોલી શકીશ, ખુશરૂ?
નાનપણમાં ભીડ જોઇને હું ખૂબ ડરી જતો. મેં મારા મનને સ્થિર કરી ફરી અશો જરથુસ્ત્રનું નામ લીધું. હવે હું મનોમન મારા ભાષણને યાદ કરવા લાગ્યો. મેં નક્કી કર્યું હતું કે મારી આગળ જે બીજા વિદ્યાર્થીઓ બોલશે તેને જોઇને હું તેમાંથી કંઈક શીખીશ. ત્યાંજ મંચ પરથી સહુથી પહેલા મારું જ નામ પોકારાયું! મારી સઘળી હિંમત અહીં જ પડી ભાંગી છતાંયે હું હિંમત કરીને મંચ પર જઈને ઉભો રહ્યો. હવે મારી સામે બેઠેલી ભીડને જોઇને હું ડરી ગયો. મને એમ લાગ્યું કે જાણે તે સહુ મને જોઇને હસી રહ્યા હતા! આટલા લોકો વચ્ચે તું બોલી શકીશ, ખુશરૂ? સ્ટેજ પર બોલતા નહીં આવડે ને તો બધા સામે હાંસીપાત્ર બનીશ. મારા દોસ્તોના સંવાદ મારા મન મસ્તિષ્કમાં વંટોળ બની ઘુમી રહ્યા.
અમારા વર્ગ શિક્ષકે કહ્યું, ખુશરૂ, બોલવાનું શરૂ કર.
પરંતુ ખુશરૂ બિચારો શું બોલે? હું તો ભીડને જોઇને મારું નામ જ ભૂલી ગયો હતો ત્યારે શાળા…. મારી શાળા…. મને મારી શાળાનું નામ જ યાદ આવ્યું નહીં! હું વળીને પાછળ લાગેલા બેનર પર મારા શાળાનું નામ વાંચીને તે આડુંઅવળું બોલી ગયો. આ જોઈ આખો હોલ ખડખડાટ હસી પડ્યો. મારો એ મિત્ર કે જેણે મને કહ્યું હતું કે તું બધા સામે હાંસીપાત્ર બનીશ તે ડોળા કાઢી મારી સામે જોઈ રહ્યો હતો. મેં આંખો બંધ કરીને મનને શાંત કર્યું અને મારા ભાષણની શરૂઆતને યાદ કરવા લાગ્યો. ત્યાંજ અમારા વર્ગ શિક્ષક બોલ્યા, બસ… ખુશરૂ તારો સમય પૂરો થયો… કદાચ પ્રથમ જ બોલાવ્યો હોવાથી બિચારો વિદ્યાર્થી ડરી ગયો છે. વાંધો નહીં હવે શરૂઆત મોટા વિદ્યાર્થીઓથી કરીએ ત્યારબાદ નાના વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવશે. મેં અકળાઈને વિચાર્યું કે, આ વાત પહેલા સુઝી નહોતી. હું નીચું માથું કરીને મંચના પગથિયાં ઉતરી ગયો. આખો હોલ મને જોઇને ખડખડાટ હસી રહ્યો હતો. કદાચ સ્ટેન્ડઅપ કોમેડીની સ્પર્ધા હોત તો વિજેતા જરૂર હું જ જાહેર થયો હોત. મારા જે મિત્રોએ મને સાવધ કર્યો હતો તેઓ આ મોકા પર જરા વધુ હસી રહ્યા હતા. આ ઘટના બાદ મેં વિચાર્યું કે, જો મેં એ દિવસે થોડી હિંમત કરી હોત તો? આખો હોલ હસશે એ બીકે હું બોલ્યો નહીં પરંતુ એથી થયું શું? મારો ડર જ આખરે સાચો પડ્યો ને! ત્યારબાદ મેં મનોમન નક્કી કરી લીધું કે આજ પછી લોકો શું કહેશે એ વાતની હું જરાયે ચિંતા કરીશ નહીં.
કદાચ આ જ ઘટનાને કારણે આગળ જતા હું નાટકમાં ભાગ લઇ શક્યો. અને નોકરીમાં ટીચર બનવાની હિંમત કરી.
આજે વર્ષો બાદ ઈ.સ. 2015માં જયારે મારી શિરીનને ત્રીજીવાર મીસકેરેજ થયું ત્યારે તે મને બાઝીને રડી પડી. હું પોતે પણ રડમસ થઈ તેને સાંત્વના આપી રહ્યો. મારા માય બાવા પણ ખુબ દુ:ખી હતા. મારી ધણીયાણીને સંતાન થવા માટેનો આ છેલ્લો મોકો હતો. તેણે મને રડતાં રડતાં કહ્યું, આપણને સંતાન નથી તો આ દુનિયા શું કહેશે?
આ પછી મેં જે કંઇ કહ્યું તે કહેવાની હિંમત અને બુદ્ધિ મને ઉપરોક્ત પ્રસંગથી જ આવી હતી. મેં મારી ધણીયાણી શિરીનને શાંતિપૂર્વક કહ્યું, દુનિયાને જે કહેવું હોય તે કહેશે. તે વિચારી આપણે શું કામ દુ:ખી થવું? સાંભળ આ દુનિયામાં જેમને સંતાનો છે તેઓ પણ ક્યાં ખુશ છે? હોમ ફોર ધી એજેડ આજે પણ ભરેલા છે. સંતાન હોવું જ એ કંઇ એક માત્ર સંતોષનું કારણ નથી. આપણે એકમેક સાથે હળીમળીને અને આનંદથી રહીશું. અને ત્યારબાદ મે જીયો પારસી સ્કીમ માટે સાંભળ્યું. મે અશો જરથુસ્ત્રને યાદ કરી છેલ્લો ચાન્સ લીધો. બપયજીના ફરી આશિર્વાદ મળ્યા ‘સદા સુખી રહેજો’ અને અમને સફળતા મળી આજે એક નહીં પણ હું બે બે દીકરીઓનો બાપ બન્યો છું. આભાર જીયો પારસી સ્કીમ…
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024