અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે.
તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો.
ઘરમાં સોરાબ, રોશન અને તેમની વહાલી દીકરી ઝરીન અને તેમની ધણીયાણી ખોરશેદ એમ પાંચ જણા રહેતા હતા. પત્ર આપી તેઓ રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત તમે ત્રણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને અને ખોરશેદ બેય ને માન્ય રહેશે. જહાંગીરજી અને ખોરશેદ ઘરની બહાર આંગણામાં મૂકેલ બેન્ચ પર બેસી મરઘીઓને ચણ ખાતા જોઈ રહ્યા અને સંતાનોના નિર્ણયની રાહ જોવા લાગ્યા.
ખોરશેદ એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
જહાંગીરજી બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. રોશન અને ઝરીને જે વિચાર્યું તે આશ્ર્ચર્ય જનક હતું.
રોશન જે ઘરની વહુ હતી તેણે તેના ધણી સોરાબને કહ્યું, તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે. ઝરીન આ ઘરની જ એક દીકરી હતી. તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ માની કુખેથી અવતર્યા છીએ. તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે.
સોરાબ, રોશન અને ઝરીન ને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્ર્વાસથી. તેઓ ત્રણે બહાર આવ્યા. માતા પિતાની સામે ઉભા રહ્યા. સોરાબે રોશનને કહ્યું, જા રસોડામાં આજે સગનની સેવ બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું. રોશન રાંધણીમાં ચાલી ગઈ.
સોરાબના આ બોલ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી. સોરાબ અને ઝરીન બન્ને માતા પિતા પાસે આવ્યા. અને એમની આંખોમાં આંખ પરોવી દીધી. રોશન રાંધણીમાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની. સોરાબ અને ઝરીન માતા પિતાને પગે પડ્યા અને ચારેયની આંખમાં સાચે જ ચોમાસું બેસી ગયું.
સોરાબ ભાવુક હૃદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે. પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી. એ મિલકત છે તમે મારા માતા પિતા. સોરાબે મમ્મીને કહ્યું…. તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી?
સોરાબે પપ્પાને કહ્યું તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી? અરે, મને તો કાંઈ જોઈતું નથી. મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત અમારા મા-બાપ જ છે. આ સાંભળી ખોરશેદનું હૃદય ખુશીથી છલકાઈ ગયું અને એમણે મીઠા ઠપકાના સૂરમાં જહાંગીરજીને કહ્યું, મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે. જહાંગીરજી રડવાનું ખાળી ન શક્યા. દૂર ઉભેલી રોશન પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.
જહાંગીરજી એ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર સગનની સેવ બનાવજો.

Leave a Reply

*