ગુજરાતી સાહિત્યમાં પારસી બોલી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પારસી સાહિત્યકારોએ લોકગીત, કવિતા, ગરબા લોકસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક ધાર્મિક અને ઐતિહાસિક સંશોધન, પત્રકારત્વ વગેરેમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રી જમશેદજી ન. પિટિટે ‘કહેવતમાળા’ નામે કહેવત સંગ્રહ બે વોલ્યુમમાં પ્રગટ કર્યો છે. એ ‘કહેવતમાળા’ની બરોબરીમાં ઉતરે એવા અન્ય કહેવતસંગ્રહ ગુજરાતી ભાષામાં આજ સુધી પ્રગટ થયા નથી. એ વોલ્યુમોનું રિપ્રિન્ટ કરવાની જરૂર છે, નહીં તો થોડા જ દિવસોમાં એના કાગળો વધુ જર્જર બનતાં ઝેરોક્સ કે માઈક્રોફિલ્મને યોગ્ય રહેશે નહીં. માઈક્રોફિલ્મ કરવાથી એ ‘કહેવતમાળા’ સામાન્ય વાચકોનાં હાથોમાં પહોંચી શકે નહી અને એ મર્યાદિત ક્ષેત્રમાં જ રહી શકે છે. માઈક્રોફિલ્મની નકલ મેળવવી પણ અત્યંત મોંઘી થઈ પડે છે. આ કારણે ‘રિપ્રિન્ટ’ કરી છાપવાનું અનુકૂળ થઈ પડે છે.
પારસીશાઈ કહેવતો અને શબ્દપ્રયોગો (ફ્રેઝીસ) જ્ઞાનરંજન કરાવે છે. અહી કેટલીક કહેવતો અને ફ્રેઝીસ રજૂ કરવામાં આવે છે અને એ બધાજ ‘કહેવતમાળા’માં સંગ્રહાયા નથી. સમયની સાથે નવા શબ્દપ્રયોગો પણ સર્જાતા હોય છે એટલે જાણકાર વાચકો તરફથી એવા નવા શબ્દપ્રયોગો આવકારદાયક છે. બધી જ કહેવતો જ્ઞાન સાથે ગમ્મત આપનારી નથી અને કેટલીક ખોટી હોવા છતાં રમૂજ આપનારી છે.
‘પારસીઓ ઈરાનથી આયા, સદરો-કસ્તી ને ટોપી લાયા’ આજે પણ કેટલીક ધાર્મિક વિધિઓમાં માથે ટોપી પહેરવાનું આવશ્યક માનવામાં આવે છે અને ટોપી વગર હોવું એ અપશુકનિયાળ માનવામાં આવે છે. પારસી ગીતમાં કહ્યું છે:
‘સદરો કસ્ત ને ટોપી પદાન દીનને વધારીએ જરથુસ્તે રાખીઆં નામ’
દક્ષિણ ગુજરાતમાં અનાવિલ બ્રાહ્મણો અને પારસીઓની ગણના મોટા ખેડૂતોમાં થાય છે. અનાવિલ બ્રાહ્મણોને સ્થાનિક ગામઠી ભાષામાં ‘ભાઠેલા’ કહેવામાં આવે છે. પારસી અને અનાવિલ બ્રાહ્મણોની કહેવત:
‘પારસો, ભાઠેલો ને કૂતરો, એ જાત જાતને ખાય’.
‘ગરાસિયો ગોજારો નહીં ને પારસી ન્યાત બહારો નહીં. ખીચડીમાં ગોળ નહીં. પારસી ન્યાત બહાર નહીં’.
‘બે પાડા ને બે પારસી, એક ગામમાં નહીં જોઈએ.’
પારસી પચ્છમ બુધિયો, વાણિયો ડાહ્યો અને વોહરો શાણો.
વાણિયાની ગણતરી ને પારસીની અટકળ.
પારસીઓના ઘરમાં એક જમાનામાં ગુજરાતના આદિવાસીઓનાં ‘દૂબરા’ લોકો ઘરકામ અને ખેતીમાં કામ કરનારા રહેતા હતા દૂબળા લોકો ગરીબ હોવાથી પારસીઓમાં એમને માટે ગરીબનો બેલી ખુદા જેવી કહેવત પ્રચતિલ હતીે ‘દૂબરાને માથે દાદાર.’
ગાંધીજી જ્યારે જૂહુ ખાતે શ્રી જહાંગીર પટેલના કોટેજમાં આરામ કરવા આવ્યા હતા ત્યારે મુંબઈના આગેવાન પારસીઓ સર હોમી મોદી, સર કાવસજી જહાંગીર રેડીમની વગેરે ખાસ મળવા ગયા હતા ત્યારે સર કાવસજી જહાંગીર રેડીમનીએ ગાંધીજીને ‘મહાત્મા ગાંધીજી શેઠ’ કહેતા સહુ હસી પડયા હતા.
‘ચાર મલે ચોટલા તો આટામીતીકા ઓટલા, ચાર મીલે દાહડી તો વાત કરે શાણી, ચાર મીલે ભોઈ તો પાઘડી કીધર ખોઈ, ચાર મળે દરજી તો વાત કરે ગરજી, ચાર મલે વાણિયા તો ભૂલ લીધા લૂંટ, ચાર મીલે પારસી તો દેખને મેં આરસી.’
એક સમય એવો હતો કે મુંબઈમાં મોબેદો સ્ટાર્ચવાળા કડકડતાં દૂધ જેવા સફેદ ઈસ્ત્રીદાર પોશાકમાં રહેતા હતા. એક શ્રીમંત બહેદીને માની લીધું કે મોબેદ ખુબ શ્રીમંત હોવા જોઈએ એટલે એમને ‘મોબેદ શેઠ’ કહીને બોલાવ્યા. તે વખતે પારસીઓ સામાને માન આપવા શેઠ કહેતા હતા.
‘ભરેસ્પતવાર, દાદર હોરમઝદનો મળતિયો વાર, આજની પેઢીને ‘ભરેસ્પતવાર’ની ખબર નહીં હોય.ભરેસ્પતવાર એટલે ગુરૂવાર. દખમાનું બારણું ભલું, પણ કોરટનું બારણું ભૂંડુ, બહેશ્તની ખુશાલી નહીં કે દોજખની દિલગીરી નહી, નજી બહેરામની રાણી ને અચ્છેર પાશેર આણી, ધાનશાક કંઈ જુદા પડે નહીં, સરકારમાં સોરાબજી ને દરબારમાં દોરાબજી, ધરમ પોતીકો વહાલો ને વેપાર પારકો ભલો, પરવારતા પારસીનો પત્તો શેરબજારમાં મળે, હિન્દુની હોળીમાં પારસણ ભોળી, વહેમી ચઢાવે નાલિયેર ને પોળી. પારસી બોલીનાં શબ્દ પ્રયોગો પણ હવે દિવસે દિવસે ભૂલાવા લાગ્યા છે.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024