ડોનેશન આ રીતે જ અપાય !

એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતાં એણે કહ્યું :
મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. બારેક મહિના અગાઉ એક વખત મિલમાં એને એક્સિડન્ટ થયો અને એના બંને પગ કપાઈ ગયા. મારે બે દીકરીઓ છે. અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપ કાંઈક મદદ કરો એવી વિનંતી છે.’
સંસ્થાના સંચાલકે કહ્યું ;
બોલ, બહેન ! તને શી મદદ કરીએ?
યુવતી ભીના અવાજે બોલી: મારે બીજું કાંઈ નથી જોઈતું, બસ, થોડું કરિયાણું અને અનાજ આપો. એટલું ઘણું છે!
બહેન! અમે તને મદદ જરૂર કરીશું, પરંતુ તું ઇચ્છે છે એ રીતે નહીં, અમે ઇચ્છીએ છીએ એ રીતે! તું જીવનભર લાચાર અને ઓશિયાળી બની રહે એ ઠીક નથી. તારે વારંવાર લોકો પાસે મદદ માગીને સ્વમાનહીન જીવન જીવવું પડે એ પણ યોગ્ય નથી.
મદદ માગવા આવેલી યુવતીને કશું સમજાયું નહીં. એને અગાઉનો એવો ઘણો અનુભવ હતો કે કેટલાક કહેવાતા મોટા માણસો મદદ ન કરવી પડે એટલે માત્ર ઉપદેશ આપતા હોય છે! છતાં એ લાચાર યુવતી સંચાલકની વાત સાંભળી રહી. સંચાલકે એને કહ્યું,
જો, બહેન! અમારી સંસ્થા તરફથી તને વેફર બનાવવાનાં બે મશીન આપીશું. સાથે સાથે તને થોડા બટાકા પણ અપાવીશું. તારા પતિના પગ કપાઈ ગયા છે, પણ પલંગ પર બેઠાબેઠા કામ કરવાનું એને જરૂર ફાવશે. આજથી હવે તારે અને તારા પતિએ બંનેએ બટાકાની વેફર બનાવવાનું કામ કરીને રોજી મેળવવાનો ઉદ્યમ કરવાનો છે.
જી, આભાર! યુવતી બોલી.
સેવાભાવી સંસ્થાના સંચાલકે એ મહિલાને વેફર બનાવવાનાં બે મશીન આપ્યાં, 50 કિલો બટાકા અપાવ્યા અને એમાંથી બનેલી વેફર વેચવા માટે એક નમકીનની દુકાને ભલામણ કરી દીધી.
બધું લઈને એ મહિલા એના ઘરે પાછી ગઈ.
લગભગ છ મહિના પછી એ મહિલા ફરીથી આ સેવાભાવી સંસ્થામાં આવી.
આ વખતે એના ચહેરા પર વિષાદ નહોતો, આનંદ હતો! આ વખતે એના અવાજમાં વ્યથા નહોતી, આત્મવિશ્વાસ હતો! એ પોતાની સાથે થેલીમાં વેફર બનાવવાનાં બીજાં દસ મશીન લઈને આવી હતી. એણે સંચાલક સામે એ 10 મશીન મૂક્યાં અને કહ્યું, સાહેબ! આજ પછી આપની પાસે મારી જેમ કોઈપણ વ્યક્તિ મદદ માગવા માટે આવે, તો એને મારા તરફથી આ મશીન આપજો! તમે મને લાચાર અને મજબૂર બનવાને બદલે, સ્વમાનથી અને આત્મનિર્ભર બનીને જીવવાનું શીખવાડ્યું છે. હું આપની સંસ્થાને દર વર્ષે વેફર બનાવવાનાં મશીન ભેટ આપતી રહીશ.
સેવાભાવી સંસ્થા પાસે મદદ માગવા આવેલી પેલી લાચાર મહિલા, આજે આત્મનિર્ભર બનીને સામેથી ડોનેશન આપવા સુધી પહોંચી ચૂકી હતી!
પોતાને મળેલી દરેક તકનો ઉપયોગ નજીકના સ્વાર્થ માટે નહીં પરંતુ લાંબા સમયના લાભ માટે કરવાની ત્રેવડ વ્યક્તિને માત્ર સફળતાના જ નહીં, ગૌરવના શિખરે પહોંચાડે છે!

Leave a Reply

*