માં બહુ ખોટું બોલે છે!!

સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા.
રાત્રે નહાવા ન જાઉં તો કહે છે,
ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે.
તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે,
તું લઇ લે, મને ભૂખ નથી.
માં બહુ ખોટું બોલે છે…મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે છે, એ તો મને ઊંઘ આવતી ન હતી.
માં બહુ ખોટું બોલે છે…
હું ન હોઉં ત્યારે મને ભાવતું કંઈ તેનાથી બનતું નથી.
કહે છે, આજકાલ બજારમાં એ મળતું નથી.
બેચાર રોટલી આપું છું કહી એ મને મોટું ટિફિન પકડાવે છે.
માં બહુ ખોટું બોલે છે…
કંઈ નથી મૂકતી કહી મારી બેગમાં મને ભાવતાં અથાણાંની બોટલ છાનીમાની મૂકી દે છે.
માં બહુ ખોટું બોલે છે…
ત્રણ કલાક થિયેટરમાં મારાથી બેસાતું નથી.
બહારના તેલ-મસાલા મને સદતાં નથી.
આટલી સાડીઓ તો પડી છે કહી પોતાનો ખર્ચ ટાળે છે.
મને સારું છે કહી ઓશિકામાં મોં છૂપાવી ખાંસી લે છે.
માં બહુ ખોટું બોલે છે…
મારી ખામીઓને બધાથી છૂપાવી લે છે.
મારી પ્રાપ્તિને વધારીને વર્ણવે છે.
કહે છે, મારા જેવું સુંદર ને બુદ્ધિશાળી કોઈ નથી.
મારા માટે વ્રત ઉપવાસ કર્યા કરે છે પણ
કહે છે કે એ તો હું ભગવાન માટે કરું છું.
મારી દુનિયામાં હું તેને ભૂલી જાઉં તો મીઠું હસી લે છે.
માં બહુ ખોટું બોલે છે…

Leave a Reply

*