લગ્ન બંધન!

ખુશરૂ અને ખુશનુમાના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. ખોરશેદના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે. રસોઈ બેસ્વાદ બનવા લાગી છે. વાસણોનો ખડખડાટ વધી ગયો છે. ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઘરમાં શાંતિ છવાયેલી હતી.
બપોરે જમવાના સમયે ખોરશેદે કહ્યું, બેટા આજ મારે અને ખુશનુમાને શોપીંગ મોલમાં જવું છે તો ઓફીસે જતાં સમયે છોડતો જજે. ખુશરૂ એ ફક્ત હા માં માથું હલાવ્યું. ત્રણ વાગ્યે ખુશરૂ એ ખુશનુમા અને પોતાની માતાને શોપીંગ મોલે ઉતારી ઓફીસે જવા નીકળી ગયો. ખોરશેદે ત્યાંથી આતશબેહરામ જવા માટે રીક્ષા લીધી. ખુશનુમા વિચારવા લાગી. પરંતુ એક શબ્દ બોલી નહીં. ખોરશેદે ખુશનુમાને પુછ્યું, તને શેનો ગુસ્સો આવ્યો છે બેટા? મમ્મી તે બધુજ ભૂલી જય છે પાંચ દિવસ પહેલાં મારો જન્મદિવસ ગયો તે પણ ભૂલી ગયા..
ખોરશેદે ખુશનુમાનો હાથ પકડી બાંકડા પર બેસાડતાં કહ્યું, બેટા આજ તને મારી અને તારા સસરાજીની એક વાત કહું. તારા સસરાજીને મારા જન્મ દિવસની તારીખ ક્યારેય યાદ નથી રહી. અમારા લગ્નની તારીખ ક્યારેય યાદ નથી રહી. અમારા સગાઈની તારીખ ક્યારેય યાદ નથી રહી. બેટા મારી વાત તો છોડી દે પરંતુ ખુશરૂના જન્મદિવસની તારીખ પણ યાદ નથી. તું વિચાર કર આ દરેક બાબતે હું રીસાતી રહું તો જીવું ક્યારે ? બેટા, તને એ ખબર છે કે, આ લોકો તારીખો ભુલવા નથી માંગતા પરંતુ તેની પાસે સમયનો જ અભાવ હોય છે. પુરુષોનો તેમાં કોઈ દોષ નથી હોતો. તેનો પુરો સમય પોતાની પત્ની, પુત્ર, તેના સપનાઓ અને તેની જરૂરીયાતો પુરી કરવામાં જ પસાર થઈ જાય છે. તારા સસરાજીને તો તેનો પોતાનો જન્મદિવસ પણ યાદ નથી રહ્યો આજ દિવસ સુધીમાં. ખુશનુમા ફાટી આંખે સાસુની વાતો સાંભળી રહી હતી.
રડતાં રડતાં બોલી, મમ્મી તમે આ બધું શા માટે સહન કરો છો ? ખોરશેદ હસતાં…હસતાં… બોલ્યાં, બેટા, હું તારા સસરાજીને ખુબ પ્રેમ કરું છું. મને ખબર છે તેને પુરી જિંદગી મારા ખુશરૂ અને મારી પાછળ પુરી કરી નાંખી છે. તે ભુલી જાય તેના માટે ઝગડો કરીને હું તે દિવસને ક્યારેય બગાડતી નથી. પરંતુ હું યાદ કરીને તેને ભાવતી દરેક રસોઈ બનવું છું. તેના માટે તેની પસંદગીની કોઈને કોઈ ચીજ લઈ આપું છું. તે હંમેશા પરિવારની જવાબદારી અને સપનાઓ પુરા કરવામાં ભુલી જતાં હોય છે. પરંતુ મેં હંમેશા યાદ રાખીને દરેક દિવસને ઉજવ્યો છે. આજ વૃદ્ધાવસ્થામાં તેજ યાદોને યાદ કરીને ખુશી ખુશી જીવન પસાર કરીએ છીએ.
બેટા જીવન બહુ નાનું છે. તેને આ રીતે ઝગડો કરીને વેડફવું સારું નથી. સ્ત્રીઓએ તો દરેક પરીસ્થિતિમાં ઢળવાની આદત પાડવી જોઈએ. સ્ત્રી એટલે ઘરને જોડનાર, હંમેશા ઘરમાં હાસ્ય ગુંજતું રહે તેનું નામ સ્ત્રી અને તેજ સ્ત્રી મકાનને ઘર અને સંબંધમા મીઠાશ જાળવી શકે. ખુશનુમાની આંખોમાંથી ડબડબ આસું વહી રહ્યા હતાં. ખોરશેદે ખુશનુમાને બાથમાં લેતાં કહ્યું, બેટા, આ અભણ સાસુ પાસે મન થાય ત્યારે મન હળવું કરી લેવું. ખુશનુમા હીબકા ભરી મન મુકીને રડી પડી. ખોરશેદે પોતાની હેન્ડબેગમાંથી પાણીની બોટલ લઈ પોતાના હાથે ખુશનુમાને પાણી પાયું.
ખોરશેદે કહ્યું, હવે ઘરે જશું? ખુશનુમા થોડા મલકાતા બોલી, મમ્મી મોલમાંથી ખુશરૂની પસંદગી… ખુશનુમાની વાતને વચ્ચેથી કાંપતા ખોરશેદ બોલ્યાં, કેમ નહી બેટા, જાગ્યા ત્યારથી સવાર. આજ તો સાંજે ઘરમાં મીજબાની હશે ને? બન્ને એક સાથે ઠહાકા સાથે હસી પડ્યાં. ભગવાનને ફરી પગે લાગી. મોલમાંથી ખરીદી કરીને સાસુ વહુ બન્ને ઘરે આવ્યાં.
સાંજે ઓફિસેથી આવી ખુશરૂ પોતાના રૂમમાં ગયો તો, તેના કપબોડમાં ઝગડો કર્યો તે માટે ગીફ્ટ સાથે માફી માંગતું કાર્ડ હતું. ખુશરૂને યાદ આવ્યું કે ખુશનુમાના જન્મ દિવસના બીજે દિવસે યાદ આવતાં ખુશનુમા માટે ગીફ્ટ લાવેલ હતો પરંતુ તેના ઝગડા અને અબોલામાં આપવાની જ રહી ગઈ. ખુશરૂએ ગીફ્ટનું બોક્સ ખુશનુમાની કપડાંની થપ્પી પર મુક્યું. ફ્રેસ થઈને ખુશરૂ જમવા માટે હોલમાં પહોચ્યો તો દરેક રસોઈ તેની પસંદગીની હતી. ખુશનુમાના સસરા બોલ્યાં, બેટા આજ ખુશરૂનો જન્મદિવસ છે ? બધી ડીસ તેની પસંદની છે. ખુશનુમાએ કહ્યું હા બાપુજી. ખુશરૂ ખુશનુમાના હસતાં ચહેરા સામે જોતો રહી ગયો. ખુશનુમાના સસરાએ કહ્યું, બેટા, તારી મમ્મી એ આ ઘરમાં પગ મુક્યો ત્યારથી આજ સુધી મને એક પણ દિવસ યાદ રહ્યો નથી. તે દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવતી અને હું તે ઉત્સવો મનાવવા માટેની જરૂરીયાત પુરી કરવા માટે તનતોડ મહેનત કરતો અને ક્યારે દિવસ અને વર્ષો પસાર થઈ ગયા તેની ખબર જ ના પડી.
દરેક ઘરમાં આશા – ખુશરૂ અને ખોરશેદ હશે જ. આ રીતેનો મીઠો ઝગડો પણ હશે અને હોવો પણ જોઈએ. પરંતુ ઘરમાં સ્ત્રી હંમેશા સમજદાર અને શાંત હોવી જોઈએ.

Leave a Reply

*