પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી.
એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત થશે કે નહીં તેની દરકાર તેઓ કરતાં નથી. પક્ષીઓ પોતાના બાળકોને ખવડાવે છે અને ઉડતા શીખવે છે. જાનવરો પણ પોતાના બાળકોને ખવડાવે છે મોટા કરે છે. અને પછી છોડી મૂકે છે.
પરંતુ માનવ જાતમાં પિતા એક છાયા સમાન હોય છે. દીકરો હોય કે દીકરી હોય પિતૃત્વની છાયામાં તેઓ સુરક્ષિત હોય છે. તેઓને માર્ગદર્શન આપનારા પિતા હોય છે.
સંતાનો સાથે સંવાદિતા, સંતાનો માટે સમય અને સંતાનો માટે સંપદા ફાળવનાર પિતા ઉત્તમ પિતા કહેવાય. સક્રિય પિતા એના બાળકો માટે સારા માનવી બનવા, સારા પતિ અને સારા માતા-પિતા બનવા ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે અને આવા પિતા ધરાવનાર બાળકો શારીરિક, માનસિક અને સમાજિક રીતે વધુ સારા હોય છે.
ઘણા પિતા પાસે બહુ સમય હોતો નથી. 10-12 કલાક કામ કરવું પડતું હોય છે. એમની પાસે એમના બાળકના બાળોતિયાં બદલવાનો કે સ્કૂલની પેરેન્ટ મિટિંગમાં હાજરી આપવાનો સમય હોતો નથી. પણ એ તમામ ટ્યૂશન ફી, પુસ્તકો વગેરે ખર્ચા ભોગવતા જ હોય છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ ભવિષ્ય માટે ઓવરટાઈમ જોબ કરીને ખર્ચો પૂરો પાડતા હોય છે.
કેટલાક પપ્પાઓ ખુબ ગુસ્સાવાળા હોય છે પરંતુ તેઓ પોતાના બાળકો માટે નરમ પડી જતાં હોય છે. નવો અભ્યાસ જણાવે છે કે બાળકો સાથે રાત્રે સૂઈ જતા પિતામાં ડિપ્રેશન લેવલમાં થોડો ઘટાડો થતો હોય છે.
ભારતમાં મધર્સ-ડે સફળ વ્યાપારીક તહેવાર બની ચૂક્યો છે. કેટલાય રૂપિયાના ફૂલો, ગિફટો, ઝવેરાતો, ગ્રીટિંગ કાર્ડ પાછળ વાપરતાં હોય છે. સૌથી વધારે ફોન પણ આ જ દિવસે થતા હોય છે, કુદરતે આપેલી ફરજિયાત માતૃત્વની જવાબદારી જગતની તમામ માતાઓ નિભાવતી જ હોય છે, પણ પિતૃત્વનો આનંદ ખાલી મનુષ્યો જ માણતાં હોય છે. માનવ સમાજમાં માતાનું મહત્વ તો છે જ પણ પિતાનું મહત્વ જરાય ઓછું નથી હોતું.

Leave a Reply

*