શાપુરજી પાલનજીના વંશજ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન, સાયરસ મિસ્ત્રી, 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું 4થી સપ્ટેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેમની મર્સિડીઝમાં અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે ડિવાઈડર પર અકસ્માત થયો હતો. મિસ્ત્રીની ઉંમર 54 વર્ષની હતી. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો.
મિસ્ત્રી ઉપરાંત, અન્ય ત્રણ વ્યક્તિઓ કારમાં હતા – મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલ તેમના પતિ દારાયસ પંડોલ અને દારાયસના ભાઈ જહાંગીર પંડોલ. તેઓ સવારે ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાતે ગયા હતા. એવું માનવામાં આવે છે કે ડો. પંડોલ કાર ચલાવી રહ્યા હતા. સૂર્યા નદી પરના પુલ પર થયેલા અકસ્માતમાં જહાંગીર પંડોલનું પણ મોત થયું હતું. ડો. પંડોલ અને દારાયસ પંડોલને તાત્કાલિક વાપીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું હતું.
શાપુરજી પાલનજી ગ્લોબલ ક્ધસ્ટ્રક્શન કંપનીના વંશજ મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમનું નિધન વાણિજ્ય અને ઉદ્યોગ જગત માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યકત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું, તેઓ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહોતા પણ ઉદ્યોગમાં તેમને એક યુવાન, તેજસ્વી અને દૂરંદેશી વ્યક્તિત્વ તરીકે જોવામાં આવતા હતા.
મિસ્ત્રીના પરિવારમાં તેમની પત્ની રોહિકા અને બે પુત્રો – ફિરોઝ અને ઝહાન છે.

Leave a Reply

*