દાદર અથોરનાન સંસ્થાએ વાર્ષિક દિવસની ઉજવણી કરી

દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) એ કોવિડને કારણે ત્રણ વર્ષ પછી 17મી ડિસેમ્બર, 2022ના રોજ તેના મંચેરજી જોશી હોલમાં તેનો વાર્ષિક દિવસ ઉજવ્યો. અથોરનાન મંડળના પ્રમુખ દસ્તુરજી ખુરશેદ દસ્તુરની અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા તબીબ ડો. બહેરામ જે. બુનશાહ, તેમની પત્ની દીનમહેર, દીકરી ઝેનોબિયા અને ગ્રેન્ડ ડોટર ઝો સાથે હાજર હતા સાથે બીપીપીના ચેરપર્સન આરમઈતી તિરંદાઝ, અને ડીપીવાયએ હાઈસ્કુલના પ્રિન્સીપાલ રૂખશાના પરેલવાલા, પણ હાજર હતા.

કાર્યક્રમની શરૂઆત હમબંદગીથી કરવામાં આવી હતી. એરવદ સાયરસ દરબારી, જે.ટી. અથોરનાન મંડળના માનદ સચિવ અને ટ્રસ્ટીએ ઈરાનશાહ ઉદવાડાના દસ્તુરજી ખુરશેદ દસ્તુરનો પરિચય કરાવી તેમનું ભાવભીનું સ્વાગત કર્યુ અને તેમની અદભૂત સિદ્ધિઓ અને સમુદાયની સુખાકારી માટેના સતત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે ડો. બુનશાહ જે 40 વર્ષ કરતા પણ વધુ સમયથી ડીએઆઈના માનદ ડોક્ટર છે અને દર્દીઓ પ્રત્યેની તેમની દયાને ધ્યાનમાં રાખીને, તેમનો આદર કરી તેમની પ્રશંસા કરી હતી.

ડીએઆઈના પ્રિન્સિપાલ એરવદ ડો. રામિયાર કરંજિયા અહેવાલની આગળની (2020 થી 2022) હાઇલાઇટ્સ જેવી કે ઓનલાઇન શાળા અભ્યાસ વર્ગો, ભણતરના વર્ગો, ટ્યુશન વર્ગો અને ઓનલાઈન પેરેન્ટસ મીટિંગ્સ, ક્રિએટિવ વર્કશોપ, વેબિનાર્સ અને એસએસસીના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટી વગેરે વાતો શેર કરી. ડો. બુનશાહે સંસ્થાનું ઇન-હાઉસ મેગેઝિન નોલેજિયેટ બહાર પાડ્યું, જેનું સંપાદન એરવદ સાયરસ સિધવાએ કર્યુ હતું.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અભિનંદન પછી, ડો. બહેરામ બુનશાહે ડીએઆઈ સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યુ. એરવદ ફરમાન એસ દસ્તુર દ્વારા મારતબ અને છૈયે અમે જરથોસ્તીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. એરવદ સાયરસ એસ. દરબારીએ પુષ્પાંજલિ અર્પણ કરી આભાર માન્યો હતો.

Leave a Reply

*