પધારો અમારાં વહાલાંઓ, અશો ફરોહરોને આવકાર, પર્વો પવિત્ર આંગણે આવ્યાં,છે મુક્તાદ નો મહેમાર. -ટેક
1. ગમે છે તમને કુલનીવાડી, ને સ્વચ્છ પાત્રો, ને ચલકાટ, નૂરી અહુરપુથ્રના ઝળકાટ,ને માંથ્રના મધૂર ગણગણાટ.
અણીશુધ્ધ પવિત્ર વાતાવરણ છે, ન ગમનો અશ્રુધાર, પધારો અમારાં વહાલાંઓ અશો ફરોહરોને આવકાર. -પધારો
2. કર્યે અશો યાદ પ્રેમથી તમારી, ધર્યે મ્યઝદની થાલ, શ્રધ્ધાથી શ્રાધ સજાવ્યાં છે, સ્વીકારો માન ને વહાલ.
તમે બધાં ભેગાંજ પધારો-ભેગી અનજુમનનો સત્કાર, પધારો અમારાં વહાલાંઓ-અશો ફરોહરોને આવકાર. -પધારો
3. યાદ થતી તમારી ભલાઈની, જીવનમાં હરકદમ સર્યામ, પણ દસ દિવસની ખાસ મીજલસ ભક્તિ સરભર સલામ.
તમે તો વહાલાં ફરતાં હરતાં, કરો દિલદારીનો સ્વીકાર, પધારો અમારાં વહાલાંઓ-અશો ફરોહરોને આવકાર. -પધારો
4. આવકારમાં જો હોય કચાશ, તો દરગુજર કરી લેજો, મુક્તાદ, મહેફીલ મુક્ત આત્માની, આશીષ અમને દેજો!
નારાજ થઈ ના સિધારતાં; માંગીએ આપના હૂંફ ને પ્યાર, પધારો અમારાં વહાલાંઓ – અશો ફરોહરોને આવકાર. -પધારો
5. તમે લાવ્યા શુભ પ્રસંગો, આજ પવિત્ર ગાથાના પંજ દિન, જરથુસ્ત્રનાં ગીત કરો તાજાં, છૈએ મઝહબમાં તલ્લીન.
સાથ તો જેશ કાજે પતેતી લાવ્યાં, કર્યે ગુનાની તોબા બાપુકાર, પધારો અમારાં વહાલાંઓ – અશો ફરોહરોને આવકાર. -પધારો
6. નવાં વર્ષની વધામણી લાવ્યાં-દુવા દઇ સિધારજો સ્વર્ગધામે, ખોટ તમારી દિલ દઝાડે – કરીએ થોડી સખાવત તમારાં નામે.
ખુશી થઇ ખુશાલી દેજો – આપની પ્રેરણાની જોઇશું વાર, પધારો અમારાં વહાલાંઓ – અશો ફરોહરોને આવકાર. -પધારો
7. તમો તો થયાં સ્વર્ગવાસી – દાદારની સંફમાં સપોવાયાં, યાદ ચાલુ થતીજ રહેતી – કદી નથી તમે ભુલાયાં.
‘નોશીર’ધરે છે દિલદારી – ક્રિયાથી અર્પણ અને પ્યાર. પધારો અમારાં વહાલાંઓ – અશો ફરોહરોને આવકાર. -પધારો
– નોશીર દાબુ
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
