એક મોબાઈલનું વ્યસન!!

હું પથારીમાંથી ઉભો થયો. અચાનક છાતીમાં દુખાવો ચાલુ થતા મને હાર્ટની તકલીફ તો નહીં હોય? તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો. મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો.
મેં પત્ની સામે જોઈ કિદ્યુ, કાવ્યા, થોડું છાતીમાં રોજ કરતા આજે વધારે દુખે છે. ડોકટરને બતાવીને આવું છું.
હા પણ સંભાળીને જજો, કામ હોય તો ફોન કરજો. મોબાઈલમાં મોઢું રાખી કાવ્યા બોલી.
હું એકટીવાની ચાવી લઈ પાર્કિંગમાં પહોચ્યો. પરસેવો મને પુષ્કળ થતો હતો. એકટીવા ચાલુ નહોતું થતું.
આવા સમયે અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો) સાયકલ લઈ આવ્યો. સાયકલને તાળું મારતા મારતા મારી સામે જોયું. કેમ સાહેબ, એકટીવા ચાલુ નથી થતું? મેં કીધું ના.
તમારી તબિયત સારી નથી લાગતી સાહેબ, આટલો પરસેવો કેમ દેખાય છે?
સાહેબ, સ્કૂટરને કીક આ પરિસ્થિતિમાં તમે ના મારતા. હું કીક મારી ચાલુ કરી દવ છું.
ધ્રુવજીએ કીક મારી એકટીવા ચાલુ કર્યું. સાથે પૂછ્યું, સાહેબ એકલા જાવ છો ?
મેં કીધું, હા
આવી સ્થિતિમા એકલા ના જવાય. ચાલો મારી પાછળ બેસી જાવ.
મેં કીધું તને એકટીવા આવડે છે.
સાહેબ, ગાડીનું પણ લાઇસન્સ છે. ચિંતા વગર બેસી જાવ.
નજીકની હોસ્પિટલે અમે પોહચ્યા. ધ્રુવજી દોડીને અંદર ગયો અને વ્હીલ ચેર લઈ બહાર આવ્યો.
સાહેબ, અત્યારે ચાલતા નહીં આ ખુરશીમા બેસી જાવ.
ધ્રુવજીની ઉપર મોબાઈલ ઉપર મોબાઈલ આવી રહયા હતા. હું સમજી ગયો હતો. ફ્લેટમાંથી બધાના ફોન આવતા હશે. હજુ કેમ નથી આવ્યો?
ધ્રુવજીએ કંટાળી ફોન ઉપર કોઈ ને કઈ દીધુ, આજે નહીં આવી શકું.
ધ્રુવજી ડોક્ટરની જેમ જ વર્તન કરતો હતો. તેને વગર પૂછે ખબર પડી ગઈ હતી કે સાહેબને હાર્ટની તકલીફ લાગે છે. ડોક્ટરની ટિમ તૈયાર હતી. મારી તકલીફ સાંભળી. બધા ટેસ્ટ તાત્કાલિક કરી ડોક્ટરે કિધુ આપ ઘણા સમયસર પહોંચી ગયા છો. એમાં પણ તમે વ્હીલ ચેરનો ઉપયોગ કર્યો એ તમારા માટે ઘણું ફાયદા કારક રહ્યું.ે
હવે કોઈ પણ પ્રકારની રાહ જોવી એ તમારા માટે નુકશાન કારક બનશે. માટે વિના વિલંબે અમારે હાર્ટનું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક દૂર કરવા પડશે.
આ ફોર્મ ઉપર તમારા સ્વજનની સિગ્નનેચરની જરૂર છે.
ડોક્ટરે ધ્રુવજી સામે જોયું.
મેં કીધું, બેટા, હસ્તાક્ષર કરતા આવડે છે.
સાહેબ, આવડી મોટી જવાબદારી ના મુકો મારા ઉપર.
બેટા, તારી કોઈ જવાબદારી નથી. તારી સાથે કોઈ લોહીના સબંધ નથી છતાં પણ વગર કીધે તે તારી જવાબદારી પૂર્ણ કરી છે. જે જવાબદારી ખરેખર મારા પરિવારની હતી.
એક વધારે જવાબદારી પુર્ણ કર બેટા. હું નીચે લખી હસ્તાક્ષર કરી દઈશ, મને કંઈ પણ થશે તો જવાબદારી મારી છે.
ધ્રુવજી એ ફક્ત મારા કહેવાથી હસ્તાક્ષર કરેલ છે. બસ હવે અને હા, ઘરે ફોન લગાવી જાણ કરી દેજે.
ત્યાં તો મારી સામે મારી પત્ની કાવ્યાનો મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો. ધ્રુવજી શાંતિથી કાવ્યાને સાંભળી રહ્યો હતો.
થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો, બેન, આપને પગાર કાપવો હોય તો કાપી નાખજો. કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો પણ અત્યારે હોસ્પિટલે ઓપરેશન પહેલા પહોંચો.
હા, બેન હું સાહેબને હોસ્પિટલે લઈ ને આવ્યો છું. ડોક્ટરે ઓપરેશનની તૈયારી કરી દીધી છે. રાહ જોવાય તેવું નથી.
મેં કીધું, બેટા ઘરે થી ફોન હતો?
હા સાહેબ?
હું મનમાં બોલ્યો, કાવ્યા તું કોના પગાર કાપવાની વાત કરે છે અને કોને કાઢી મેલવાની વાત કરે છે ?
આંખમાં પાણી સાથે ધ્રુવજીના ખભે હાથ મૂકી હું બોલ્યો, બેટા ચિંતા ના કરતો.
હું એક સંસ્થામાં સેવા આપું છું. તે ઘરડા લોકોને આશરો આપે છે ત્યાં તારા જેવી જ વ્યક્તિઓની જરૂર છે. તારૂં કામજ વાસણ કપડાં ધોવાનું નથી. તારૂં કામ તો સમાજ સેવાનું છે.
બેટા, પગાર મળશે માટે ચિંતા ના કરતો. ઓપરેશન પછી હું ભાનમાં આવ્યો. મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો. મેં આંખમાં પાણી સાથે કિધુ, ધ્રુવજી ક્યાં છે ? કાવ્યા બોલી એ હમણાં જ રજા માંગી ગામડે ગયો. કહેતો ગયો છે તેના પિતા હાર્ટ એટેકમાં ગુજરી ગયા છે 15 દિવસ પછી આવશે.
હવે મને સમજાયું. એને મારામાં પોતાનો બાપ દેખાતો હશે.
હે પ્રભુ મને બચાવી તે એના બાપને ઉપાડી લીધો.
સમગ્ર પરિવાર હાથ જોડી મુંગા મોંઢે. માફી માંગી રહ્યો હતો.
આપણી વ્યક્તીને આપના દિલથી કેટલા દૂર લઈ જાય છે તે પરિવાર જોઈ રહ્યો હતો.
ડોક્ટરે આવી કિધુ, પેલા ધ્રુવજી ભાઇ તમારા શું થાય?
મેં કીધું, ડોક્ટર સાહેબ અમુક સબંધના નામ કે ગેહરાઇ સુધી ના જઈએ તો જ એ સંબધની ગરિમા સચવાશે.
બસ હું એટલું જ કહીશ એ અણીના સમયે મારા માટે ફરીસ્તો બની આવ્યો હતો.
પિન્ટુ બોલ્યો, અમને માફ કરો પપ્પા. જે ફરજ અમારી હતી તે ધ્રુવજીએ પુરી કરી જે અમારા માટે શરમજનક છે. હવેથી આવી ભૂલ ભવિષ્યમાં કયારેય નહીં થાય.
બેટા, જવબદારી અને સલાહ લોકોને આપવા માટે જ હોય છે. જયારે લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે. રહી મોબાઈલની વાત. બેટા, એક નિર્જીવ રમકડાંએ જીવતા રમકડાંને ગુલામ કરી દીધું છે. સમય આવી ગયો છે તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો.
નહીંતર પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

Leave a Reply

*