ધર્મોને જોડતી કડી: ઝરબાનુ ગિફોર્ડનો પોપ લિયો XIV સાથે વિશેષ સાક્ષાત્કાર

વિશ્વભરમાં પ્રસિદ્ધ જરથોસ્તી પ્રતિભા અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ જરબાનુ ગિફોર્ડને તાજેતરમાં વેટિકનમાં પોપ લિયો XIV સાથે વિશેષ મુલાકાતનું સન્માન મળ્યું. તેમની સાથે તેમના પતિ રિચર્ડ ગિફોર્ડ પણ હતા, જેઓ છેલ્લા ત્રણ દાયકાથી સ્થળચ્યૂત ચાગોશિયન સમુદાયના કાનૂની હકો માટે અવિરત લડી રહ્યા છે.
વેટિકનમાં, પોપ લિયોએ ગિફોર્ડ દંપતી અને ચાગોસ રિફ્યુજી ગ્રુપના અગ્રણીઓને પોતાના ખાનગી ઓરડામાં આવકાર્યા. આ પ્રસંગે જરબાનુએ વેટિકન લાઇબ્રેરી માટે બે મહત્વપૂર્ણ ગ્રંથ અર્પણ કર્યા: જરથોસ્તી અવસ્તાનું સંસ્કરણ અને તેમનું પોતાનું પુસ્તક ધ ઝેડ ટુ એ ઓફ ઝોરાસ્ટ્રીયનીઝમ સાથે જ તેમણે એએસએચએ સેન્ટર – જે તેમણે યુરોપિયન યુનિયનના ડિઝાઇનિંગ લર્નિંગ ફોર પીસ કાર્યક્રમ માટે સ્થાપ્યું હતું તથા તેમના દ્વારા તૈયાર કરાયેલ માર્ગદર્શિકા પણ ભેટ આપી.
પારસી ટાઇમ્સ સાથેની વિશેષ વાતચીતમાં જરબાનુ ગિફોર્ડે જણાવ્યું: પોપ લિયો XIV સાથે મુલાકાત એક ઊંડો આધ્યાત્મિક અનુભવ રહ્યો. વેટિકનમાં અવસ્તા અર્પણ કરવાનો ક્ષણ એવો લાગ્યો કે જાણે આપણી પ્રાચીન આસ્થા વિશ્વ મંચ પર મૂકી હોય. મેં ખાસ કરીને સત્ય અને ન્યાય જેવા જરથોસ્તી આદર્શોને પ્રસ્તુત કરવા માંગ્યું, જે પોપના કરૂણા અને સર્વજનની માન-મર્યાદાના દ્રષ્ટિકોણ સાથે ખૂબ સુમેળમાં છે. આ અનુભવથી માન્યતા મળી કે વિશ્ર્વાસ વચ્ચે સંવાદ અને માનવતાના વહેંચાણથી જ ન્યાય અને શાંતિ પ્રાપ્ત થાય છે.
જરબાનુની આ વેટિકન યાત્રા આધ્યાત્મિક સફર પણ સાબિત થઈ. તેમણે રોમની ચાર મહાન બેસિલિકાના પવિત્ર દરવાજામાંથી પ્રવેશ કર્યો – સેંટ પીટર્સ, સેંટ જ્હોન લેટેરન, સેંટ પોલ આઉટસાઇડ ધ વોલ્સ અને સાન્ટા મારિયા મેજોરે. આ દરવાજા માત્ર જુબિલી વર્ષોમાં જ ખુલ્લા રાખવામાં આવે છે અને પુનર્જીવન, ક્ષમા અને ઈશ્વરના આલિંગનનું પ્રતિક છે.
બ્રિટિશ રાજકારણ અને વૈશ્વિક માનવ અધિકારોના ક્ષેત્રે અગ્રણી અવાજ તરીકે જાણીતી જરબાનુ ગિફોર્ડે જીવનભર સમાનતા, સ્ત્રી સશક્તિકરણ અને આંતરધાર્મિક સૌહાર્દ માટે પોતાને સમર્પિત કર્યું છે.

Leave a Reply

*