હૈદરાબાદની ચિનોય અગિયારીએ 121મા સાલગ્રેહની ઉજવણી કરી

હૈદરાબાદની સૌથી જૂની અને કિંમતી ધાર્મિક-સાંસ્કૃતિક ધરોહર ગણાતી બાઈ માણેકબાઈ નસરવાનજી ચિનોય અગિયારીએ 16મી સપ્ટેમ્બર, 2025ના રોજ (રોજ અરદીબહેસ્ત, માહ અરદીબહેસ્ત, 1395 યઝ) પોતાનો ઐતિહાસિક 121મો સાલગ્રેહ ઉજવ્યો. દિવસની શરૂઆત અગિયારીમાં જશન વિધિથી થઈ, જ્યાં એરવદ બુરઝિન દસ્તુર અને એરવદ યઝદ લશ્કરીએ સમુદાયની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ ભાવિકો સાથે હળવા નાસ્તાની વ્યવસ્થા કરી, જેને કારણે સમુદાયના સભ્યો આનંદભેર એકઠા થયા.
આ અગિયારીનું નિર્માણ 1904માં (રોજ અરદીબહેસ્ત, માહ અરદીબહેસ્ત, 1274 યઝ) થયું હતું. તેની પાયાની પથ્થરશિલા બાઈ પુતલીબાઈ માનેકશા ચિનોયે, બાઈ માનેકબાઈ નસરવાનજી ચિનોય અને માણેકશા સોરાબજી ચિનોયની યાદમાં મૂકી હતી. તેની ઐતિહાસિક અને આર્કિટેકચરલ મહત્તાને માન આપી, 2001માં તેને હુડા હેરિટેજ બિલ્ડિંગ એવોર્ડ એનાયત થયો હતો.
ચિનોય અગિયારી પરંપરાગત અગિયારીઓથી અલગ છે. તેની ગ્રીક પ્રેરિત આર્કિટેકચરલ શૈલી, ગોથિક લક્ષણો, ભવ્ય આગળનું મુખામંડપ, ઉંડો વર્ગાળો વરાંડો, સુંદર પહોળી સીડીઓ અને પ્રવેશદ્વાર ઉપરનો અફરગન્યુ – આ બધું મળીને એક અનંત સૌંદર્યનો માહોલ સર્જે છે. તાજેતરમાં જ વિશાળ મરામત અને પુન:સ્થાપન પછી, અગિયારી ફરી ઝગમગી રહી છે અને હૈદરાબાદમાં જરથોસ્તી ધરોહરની અખંડ ભક્તિ અને પરંપરાની જીવંત પ્રતિક બની રહી છે.

Leave a Reply

*