આતશ બેહરામ અને આતશ આદરિયાન માચી ટ્રસ્ટને નોશિર અને કેટી ગોટલાની ઉદાર રૂા.4.63 કરોડની દાનરાશિ

આતશ બેહરામ અને આતશ આદરિયાન માચી ટ્રસ્ટની સ્થાપના જુલાઈ 1988માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ મુંબઈ, સુરત, નવસારી અને અન્ય કેન્દ્રોમાં આવેલા આતશ બેહરામ અને આદરિયાનોને નિયમિત રીતે ચંદનની માચી અર્પણ કરવાનો છે. લાંબા સમયથી ટ્રસ્ટને સહયોગ આપતા નોશિર અને કેટી ગોટલાએ તાજેતરમાં રૂા. 4.63 કરોડનું મહત્ત્વપૂર્ણ દાન આપ્યું છે, જે ટ્રસ્ટ માટે અત્યાર સુધીના સૌથી નોંધપાત્ર ઉપકારોમાંનું એક ગણાય છે.
માચીની અર્પણ પ્રથા 24 કલાકના ચક્રમાં દરેક ગેહ દરમિયાન થતા બોઇ સંસ્કારમાં અત્યંત મહત્વની માની શકાય છે. પરંપરાગત રીતે પવિત્ર અગ્નિને હાર્ડવૂડ અને ઉત્તમ ગુણવત્તાવાળા મલબારી ચંદન સાથેની માચી અર્પણ કરવામાં આવે છે, જે ભક્તિ અને પરંપરાની સતતતા દર્શાવે છે. પરંતુ ચંદનની વધતી કિંમતો અને અગિયારીઓમાં ઘટતી ભક્તોની સંખ્યા કારણે અનેક જગ્યાએ સંપૂર્ણ ચંદન માચી આપવી મુશ્કેલ બની છે.
ટ્રસ્ટ શરૂઆતથી જ આતશ બેહરામ અને અગિયારીઓને મલબારી ચંદનની માચી પૂરી પાડતું આવ્યું છે અને બોઇ કરતા મોબેદ સાહેબને અશોદાદ પણ આપવામાં આવે છે. આ સેવા સમુદાયની દાનરાશિ દ્વારા જ ચાલુ રાખવામાં આવી છે.
લગભગ એક મહિના પહેલા, ટ્રસ્ટી અનાહિતા દેસાઈની પહેલથી, ગોટલાએ રૂપિયાની જગ્યાએ શેર દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ટ્રસ્ટે તરત જ ડીમેટ એકાઉન્ટ ખોલ્યું અને થોડી જ વારમાં રૂા.4.63 કરોડના મૂલ્યનાં શેર ટ્રાન્સફર થઈ ગયા. આ દાનથી ટ્રસ્ટ વધુ અગિયારીઓને સહાય કરી શકશે અને વધુ સંખ્યામાં ચંદન માચી અર્પણ કરી શકશે.
નોશિર અને કેથી ગોટલા સમુદાય અપલીફમેન્ટ માટેની તેમની દીર્ઘકાળીન પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. તેમના સહયોગથી ભાભા બંગલીઝ, પારૂખ ધર્મશાળાનું લેડીઝ વિંગ, નારિયેલવાલા અગિયારી સહિત અનેક સુધારણા કાર્યો શક્ય બન્યા છે. તેમ જ પારડીની હોસ્પિટલના એક વિંગ અને વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ માટે નવા શૈક્ષણિક બ્લોકનું નિર્માણ પણ તેમના દાનથી થયું છે.
ટ્રસ્ટીઓ દસ્તુરજી ફિરોઝ એમ. કોટવાલ, અસ્પી રાવ, એરવદ હોરમઝ દાદાચાનજી, હનોઝ પટેલ અને અનાહિતા દેસાઇએ આ અદભુત ઉદારતા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું કે આ દાન આપણા પવિત્ર અગ્નિની પરંપરાને આગામી પેઢીઓ સુધી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Leave a Reply

*