કેટલાંક લોકો સ્વભાવથી શાંત અને સકારાત્મક હોય છે, છતાં ગુસ્સાના ક્ષણે જો કડક શબ્દો બોલી નાખીએ કે અણદયાળું વર્તન કરીએ, તો શું તે આપણા સારા કર્મને નષ્ટ કરે છે? આ પ્રશ્ર્ન ઝોરાસ્ટ્રિયન ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંતો – હુમ્તા (સારા વિચારો), હુખ્તાર (સારા શબ્દો) અને હવરશ્તા (સારા કર્મો) – સાથે સંકળાયેલો છે. આપણી આધ્યાત્મિક શક્તિ અને પુણ્યની અસર આ ત્રણેના સંતુલન પર આધારિત છે. જો વિચારો સારા હોય છતાં શબ્દો કઠોર હોય, તો સારા વિચારો રદ નથી થતા, પરંતુ તેમની આધ્યાત્મિક અસર જરૂર ઘટી જાય છે.
શબ્દોની શક્તિ: શબ્દો માત્ર અવાજ નથી, તેઓ સ્પંદન છે – સર્જનશક્તિ ધરાવે છે. ગુસ્સામાં બોલાયેલા કડક શબ્દો દુખ પહોંચાડે છે, સંબંધોને તોડી નાખે છે અને નકારાત્મક ઊર્જા ફેલાવે છે. આવા શબ્દો દ્રુજ એટલે કે દુષ્કર્મનું સર્જન કરે છે, જે આપણાં કર્મલેખાને પ્રભાવિત કરે છે.
સંતુલનની જરૂર: ઝોરાસ્ટ્રિયન પરંપરાએ શીખવ્યું છે કે વિચાર, શબ્દ અને કર્મ વચ્ચે એકતા હોવી આવશ્યક છે. જ્યારે શબ્દ વિચારનો વિરોધ કરે છે, ત્યારે તે મનના નિયંત્રણના અભાવનું દ્યોતક બને છે, અને આશા – સત્ય અને શુદ્ધતાનું સંપૂર્ણ પ્રદર્શન અટકાવે છે.
કડક શબ્દો એક નકારાત્મક કર્મ બનાવે છે, જેને શાંતિ અને પ્રાયશ્ર્ચીતથી સુધારવાની જરૂર પડે છે. સારા વિચારનું પુણ્ય કંઈક અંશે ટકી રહે છે, પરંતુ કઠોર શબ્દો દ્વારા થયેલ દુ:ખ સંતુલન બગાડે છે. તેથી સતત પ્રયત્ન કરવો જરૂરી છે કે આપણી વાણી વોહુમન એટલે કે સારા મનના નિયંત્રણ હેઠળ રહે.
શબ્દો પ્રાર્થના જેટલા જ શક્તિશાળી છે – તેઓ ઉન્નતિ પણ આપી શકે છે અને વિનાશ પણ. તેથી બોલતા પહેલાં વિચારવું એ જ સત્ય સાધના છે.
- ઝોરાસ્ટ્રિયન ધર્મમાં અંગદાન - 8 November2025
- પાસવાર – એકાંત અને જોડાણનો હૃદયસ્પર્શી અરીસો - 8 November2025
- રશ્ના રાઇટરની ધ સ્ટોરી ઓફ ધ ઝોરાસ્ટ્રીયન્સહવે મફતમાં ઓનલાઈન ઉપલબ્ધ - 8 November2025
