ઝોરાસ્ટ્રિયન ધર્મમાં અંગદાન

અંગદાન અને શરીરદાનનો વિચાર ઝોરાસ્ટ્રિયન ધર્મમાં તાજેતરનો છે, જ્યાં પ્રાચીન શુદ્ધતાનો માન અને આધુનિક માનવતાનો કર્તવ્ય – જીવ બચાવવાનો ધર્મ – સાથે મળે છે. આ માત્ર વૈજ્ઞાનિક કે વ્યવહારિક પ્રશ્ર્ન નથી, પરંતુ આપણા ધર્મના મૂળ સિદ્ધાંત આશા એટલે કે ધાર્મિક સત્ય અને સદગુણને સ્પર્શે છે. ઝોરાસ્ટ્રિયન ધર્મમાં પૃથ્વી, પાણી અને અગ્નિ તત્વોને સર્વોચ્ચ માન આપવામાં આવ્યું છે. મૃતદેહથી આ તત્વો અશુદ્ધ ન બને તે માટે દોખ્મેનશિની એટલે કે ટાવર ઓફ સાઇલેન્સની પરંપરા શરૂ થઈ – જ્યાં શરીર પ્રકૃતિને અર્પણ કરીને તત્વો શુદ્ધ રાખવામાં આવે છે. છતાં આજના યુગમાં વિજ્ઞાન અને નૈતિકતા દર્શાવે છે કે કોઈને જીવન આપવું અથવા તેનું જીવન સુધારવું એ સૌથી મહાન ધાર્મિક કાર્ય છે.
અંગદાન ‘હુમ્ત, હુખ્તા, હવરશ્ત – સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મોનું જીવંત પ્રતિબિંબ છે. કોઈ બીજાને જીવવાની તક આપવી એ દયા અને નિસ્વાર્થતાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે, જે કોઈ પણ પ્રાર્થના કે વિધિ કરતાં વધુ પવિત્ર છે. એક દાતા પોતાના અંગોથી પચાસથી વધુ જીવ બચાવી શકે છે – એથી મોટું દાન બીજું શું હોય? અમારા ધર્મમાં આંખ દાન પહેલેથી જ પુણ્યકાર્ય તરીકે માન્ય છે. કહેવાય છે, કોઈને રોશની આપવી એ મહાપુણ્યનું કામ છે. જો આપણે દૃષ્ટિનું દાન સ્વીકારીએ છીએ, તો જીવનનું દાન કેમ ન સ્વીકારીએ? મોરલ પસંદગી સ્પષ્ટ છે – વિનાશ કે સર્જન. સ્વસ્થ અંગોને શરીર સાથે નષ્ટ કરવું એ ઈશ્ર્વરપ્રદાન તક ગુમાવવી છે, જ્યારે તેનું દાન કરવું એ નવી આશા સર્જવી છે. અહુરા મઝદાના રૂપમાં આપણું ધ્યેય તેમના ગુણો – જ્ઞાન, સર્જનશક્તિ અને દયાને જીવંત કરવાનું છે. અંગદાન એ આશાના માર્ગે ચાલતું પવિત્ર કાર્ય છે – નિસ્વાર્થ પ્રેમથી જીવન ટકાવી રાખવાનું સર્વોત્તમ ધર્મકર્મ.

Leave a Reply

*