નાગપુરની ટાટા પારસી ગર્લ્સ સ્કૂલમાં વધતી સુરક્ષા ચિંતા

નાગપુરની ટાટા પારસી ગર્લ્સ સ્કૂલે ફરી એકવાર સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્કૂલના પ્રવેશદ્વાર પાસે ગેરકાયદેસર ફેરિયાઓ અને બેફામ તત્વોની ભીડ વધતા વિદ્યાથઓ અને વાલીઓમાં અસ્વસ્થતા સર્જાઈ છે. અનેક ફરિયાદો છતાં, મનપા અને પોલીસની કાર્યવાહી માત્ર તાત્કાલિક રહે છે – બે ત્રણ દિવસમાં જ હોકરો અને લૂંટારૂઓ પાછા આવી જાય છે.
નાગપુર પારસી પંચાયતના સચિવ નવરોઝ દાવર મુજબ, સ્કૂલથી લગતી પારસી કોલોની સુધીનો રસ્તો હોકરો અને દુકાનોની ગેરકાયદેસર ઘૂસણખોરીથી ભરાઈ ગયો છે. સ્કૂલમાંથી છૂટ્યા પછી વિદ્યાર્થીઓને આ ભીડ વચ્ચે પસાર થવામાં અચકાટ અનુભવાય છે. સ્કૂલ વહીવટીતંત્ર વારંવાર પોલીસ અને મનપાને ફરિયાદ કરે છે, છતાં કાર્યવાહી લાંબા સમય સુધી ટકતી નથી.
સ્કૂલની પ્રિન્સિપાલ મેહરનાઝ પોચાએ જણાવ્યું કે, સ્કૂલની આસપાસ તમાકુની વેચાણ અને સેવનની સમસ્યા યથાવત છે, જ્યારે શૈક્ષણિક સંસ્થાના 100 મીટર વિસ્તારમાં આ પર પ્રતિબંધ છે. આવી પ્રવૃત્તિઓ અસામાજિક તત્વોને આકર્ષે છે, જે વિદ્યાર્થીઓ માટે જોખમી વાતાવરણ ઊભું કરે છે. તેમણે અધિકારીઓને અચાનક નિરીક્ષણો કરીને કડક અમલ સુનિશ્ચિત કરવાની વિનંતી કરી.
વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી છે કે આવજાવ દરમ્યાન તેમને તાકીને જોવામાં આવે છે અથવા ચેડાં કરવામાં આવે છે. આ સ્થિતિ સતત દેખરેખ અને નાગરિક જવાબદારીની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે. વર્ષ 2020માં વિદ્યાર્થીઓએ શિક્ષકો અને સમુદાય સાથે મળીને ગાંધીગિરી રીતે ગુલાબ આપીને શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. ત્યારે થોડાક દિવસ માટે કાર્યવાહી થઈ હતી, પરંતુ સમસ્યા ફરી ઉભી થઈ છે, જે બતાવે છે કે દીર્ઘકાલીન અને સંકલિત પગલાં લેવાની જરૂર છે.

Leave a Reply

*