બનાજી આતશ બેહરામનો 180મો સાલગ્રેહ ઉજવાયો

કાવસજી બાયરામજી બનાજી આતશ બેહરામ 30 ઓક્ટોબર 2025ના રોજ (કદમી સરોશ રોજ, તીર મહિનો) પોતાનો 180મો સાલગ્રેહ ભક્તિભાવ અને સાદગી સાથે ઉજવ્યો. સવારની શરૂઆત પ્રવેશદ્વાર પાસે બનાવવામાં આવેલ સુંદર રંગોલીથી થઈ, જે બાટીવાલાઓએ પ્રેમથી તૈયાર કરી હતી. તેઓએ દરવાજા અને ફોટો ફ્રેમને તાજા ફૂલોના હારોથી શોભાવ્યા, જેના કારણે સમગ્ર પરિસર પવિત્ર અને શાંત લાગતું હતું.
હાવન ગેહની માચી ટ્રસ્ટની તરફથી એરવદ દિનશા ડી. મુલ્લાંફીરોઝ દ્વારા અર્પણ કરવામાં આવી. ત્યારબાદ સવારે 10 વાગ્યે જશન યોજાયું. એરવદ મુલ્લાંફીરોઝે વડા દસ્તુરજી ડો. ફીરોઝ કોટવાલ અને દસ્તુરજી કેકી સી. રવજી મહેરજીરાણાની ઉપસ્થિતિમાં જશનનું નેતૃત્વ કર્યું. આશરે ચૌદ મોબેદો દ્વારા પવિત્ર જશન પૂર્ણ થયું. પ્રેરણાદાયક હમબંદગી દરમ્યાન 350થી વધુ ભક્તો એકત્રીત થયા અને તેમની સંયુક્ત પ્રાર્થનાએ સમગ્ર હોલને પાવન બનાવી દીધો. સમારોહમાં ચેરમેન (નિવૃત્ત) જસ્ટિસ શાહરૂખ જે. કાથાવાલા ટ્રસ્ટી ડો. બરજોર એચ. આંટીયા અને મેનેજિંગ ટ્રસ્ટી જમશેદ એફ. ગઝદર હાજર રહ્યા.
દિવસભર સેકડો ભક્તો સતત આવતા રહ્યા અને પાદશાહ સાહેબના આશીર્વાદ મેળવ્યા. સાંજ પડતાં, પ્રકાશિત પ્રવેશદ્વાર અને આતશ બેહરામની ઐતિહાસિક ઇમારત અદભુત અને ઉત્સાહભર્યો નઝારો સર્જતી હતી.

Leave a Reply

*