ભક્તિનું પ્રભાત: નવસારી આતશબેહરામનો ઐતિહાસિક 100મો સાલગ્રેહ ઉજવાયો

29મી નવેમ્બર, 2025 (રોજ સરોશ, માહ તીર, યઝ 1395)ના પવિત્ર પ્રભાતે નવસારી ભગરસાથ અંજુમન આતશબેહરામે ઐતિહાસિક 100મો સાલગ્રેહ ભવ્ય શ્રદ્ધાભાવે ઉજવ્યો. હાવન ગાહ બોઈના શાંત અને પવિત્ર સમારંભ દરમિયાન સૂર્યના પ્રથમ કિરણોએ આકાશને સ્પર્શતા જ દહન પવિત્ર આતશનો અખંડ તેજ દરેક આંખમાં ઝળહળ્યો – જે આખા સદીના શ્રદ્ધા, ગૌરવ અને આભારના અજવાળાથી ઉજાગર હતો. નવસારી, મુંબઈ, સુરત અને ઉદવાડા સહિત દેશભરના ભક્તો પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહ્યા, જે એક અદભૂત દૃશ્ય બની રહ્યું.
હમા અંજુમન જશનનું નેતૃત્વ વડા દસ્તુરજી દસ્તુર કૈખશરૂ કાવસજી રવજી મહેરજીરાણા દ્વારા કરવામાં આવ્યું, જેમાં વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર (પાક ઇરાનશાહ આતશબેહરામ, ઉદવાડા), વડા દસ્તુરજી તેહમટન મિરઝા (પાક ઇરાનશાહ આતશબેહરામ, ઉદવાડા), વડા દસ્તુરજી સાયરસ દસ્તુર (સુરત આતશબેહરામ) સહિત કુલ 35 ધર્મગુરૂઓએ ભાગ લીધો. જશનનો સમારંભ હમબંદગીથી પૂર્ણ થયો, ત્યારબાદ તમામ ભક્તોને ચાસની અને હલકા નાસ્તાનું વિતરણ થયું.
પછી આયોજિત સન્માન સમારંભમાં આતશબેહરામની વર્ષોથી અવિરત સેવા આપનાર સમર્પિત સેવકોનો સત્કાર કરવામાં આવ્યો. પ્રસંગનો મુખ્ય આકર્ષણ વિશેષ ટાઈમ કેપ્સ્યુલનું અનાવરણ હતું, જે આ સદીના ઐતિહાસિક ક્ષણને અમર બનાવવા તૈયાર કરવામાં આવ્યું. પવિત્ર વિધિ સાધનો (અલાત), ભાવપૂર્ણ સંદેશાઓ, સ્મૃતિચિહ્નો અને પેઢી દર પેઢીના અમૂલ્ય અંશોનો સમાવેશ ધરાવતો આ કેપ્સ્યુલ ભવિષ્યના નવસારી આતશબેહરમ અને વડી દર-એ-મહેર ફંડના સંરક્ષકો દ્વારા ખોલવામાં આવશે. વડા દસ્તુરજીઓ, બોઇવાલાઓ, ચાસનીવાલાઓ અને સેવકોની હાજરીમાં, આ વસ્તુઓને પવિત્રતાપૂર્વક કેપ્સ્યુલમાં સ્થાપિત કરવામાં આવી.
કાર્યક્રમનું સમાપન ભાવપ્રેરક પળોમાં થયું, જ્યારે સમગ્ર સંઘે એકતાભાવે છૈયે હમે જરથોસ્તીના રેકોર્ડેડ સ્વર સાથે ગાન કર્યું, ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગવાયું. ત્યારબાદ હાજર રહેલા ભક્તોએ વિશ્ર્વાસ પરંપરા અને આશીર્વાદોથી ભરેલો આ દિવસ સ્મરણિય બનાવતા જમશેદ બાગ ખાતે ટ્રસ્ટ દ્વારા આયોજિત વૈભવી શાકાહારી અને માંસાહારી ભોજનનો લ્હાવો લીધો.

Leave a Reply

*